World

વડાપ્રધાન જ્યોર્જીયા મેલોની વિરૂદ્ધ ઈટાલીમાં વ્યાપક દેખાવો : રમખાણકારો પર પોલીસે 'વોટર-કેનન' છોડી

By GS TEAM
23 Sep 20252 mins read
વડાપ્રધાન જ્યોર્જીયા મેલોની વિરૂદ્ધ ઈટાલીમાં વ્યાપક દેખાવો : રમખાણકારો પર પોલીસે 'વોટર-કેનન' છોડી

- યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલિયા, ભારત સહિત ૧૫૨ દેશોએ પેલેસ્ટાઇનને સ્વીકૃતિ આપી

- પેલેસ્ટાઇનને સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે મેલોની સરકારે નહીં સ્વીકારતાં મિલાન, રોમ, નેપલ્સ વગેરે શહેરોમાં વિરોધ વંટોળ જાગ્યો

રોમ : મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે યુએનમાં મળી રહેલી પરિષદ સમયે ફ્રાંસના પ્રમુખ મેક્રોએ પણ પેલેસ્ટાઇનને સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્વીકૃતિ આપ્યા પછી હવે ઈટાલીમાં જ્યોર્જિયા મેલોનીની સરકાર ઉપર 'પેલેસ્ટાઇન-રાષ્ટ્ર'ને સ્વતંત્ર, સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્વીકૃતિ આપવા માટે દબાણ થઈ રહ્યું હતું. પરંતુ, તેઓએ મચક નહીં આપતાં રોમ, મિલાન અને નેપલ્સ સહિત અનેક શહેરોમાં તોફાનો શરૂ થઈ ગયા હતા. રોમમાં તો તોફાનો એટલી હદે વ્યાપક બન્યાં કે, છેવટે પોલીસને 'વોટર-કેનન'નો ઉપયોગ કરવો પડયો હતો.

આ રમખાણકારો ગાઝામાં થઈ રહેલી નૃશંસ હત્યાઓ બંધ કરવા અને તત્કાળ યુદ્ધ વિરામ જાહેર કરવા દબાણ કરી રહ્યાં છે તે રમખાણકારો તો લાઠીઓ લઈને પોલીસની સામે પડયા હતા. જેથી પોલીસને વોટર કેનનનો ઉપયોગ કરી રમખાણકારોને વિખેરવા પ્રયત્નો કરવા પડયા હતા.

આ હિંસક તોફાનો રોમનાં રેલવે સ્ટેશનો ઉપર તો એટલા વ્યાપક બન્યા હતાં કે અનેક રેલ સેવાઓ રદ કરવી પડી હતી. પોલીસે ૧૦ દેખાવકારોને કસ્ટડીમાં પૂરી દીધા છે. રોમ અને નિલાન વચ્ચેનો રેલ વ્યવહાર તો અત્યારે ઠપ્પ છે. હજારો દેખાવકારોએ મુખ્ય શહેરોનાં માર્ગો જામ કરી દીધા હતા, તેથી પોલીસને વોટર કેનનનો ઉપયોગ કરવો પડયો હતો.

હજી સુધીમાં ભારત, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુ.કે. સહિત કુલ ૧૫૨ દેશોએ પેલેસ્ટાઇનને સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્વીકૃતિ આપી છે. ભારતે તો ૧૯૮૮માં પેલેસ્ટાઇનને સ્વીકૃતિ આપી હતી. પરંતુ હજી સુધી ઈઝરાયલ, અમેરિકા, ઇટાલી, જાપાન અને કેટલાક અન્ય દેશોએ પેલેસ્ટાઇનને સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્વીકૃતિ આપી નથી.