World

હિટવેવનો પ્રકોપ વધતાં પેરિસમાં જાહેરમાં દારૂ પીવા પર કેમ લગાવાયો પ્રતિબંધ? જાણો વૈજ્ઞાનિક કારણ

By GS Team
28 Jun 20263 mins read
TukuTouch Logo
યુરોપમાં કાળઝાળ ગરમી અને હીટવેવના કારણે ફ્રાન્સના પેરિસમાં સ્થિતિ વણસી છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતા મેડિકલ સિસ્ટમ પડી ભાંગવાની અણી પર છે. પેરિસ પ્રશાસને રસ્તાઓ અને બગીચાઓમાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂક્યો છે. આલ્કોહોલ ડિહાઇડ્રેશન અને બ્લડ પ્રેશર ઘટાડી જીવલેણ બની શકે છે. છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કેસોમાં 4 ગણો વધારો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિટવેવનો પ્રકોપ વધતાં પેરિસમાં જાહેરમાં દારૂ પીવા પર કેમ લગાવાયો પ્રતિબંધ? જાણો વૈજ્ઞાનિક કારણ

Heatwave In Europe: યુરોપમાં હાલ કાળઝાળ ગરમી અને હીટવેવ હાહાકાર મચાવી રહ્યો છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે ત્યાંની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને મેડિકલ સિસ્ટમ પડી ભાંગવાની અણી પર છે. આ કટોકટી વચ્ચે, પેરિસ પ્રશાસને રસ્તાઓ અને જાહેર બગીચાઓમાં દારૂ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સીન નદીના કિનારે ઠંડી બિયર કે વાઇન પીવાની પેરિસવાસીઓની પરંપરાગત લાઈફસ્ટાઈલ પર કાયદાકીય રોક લગાવવી પડી છે. આ નિર્ણય પાછળ કાયદો અને વ્યવસ્થા નહીં, પરંતુ માનવ શરીરનું વિજ્ઞાન અને બાયોલોજી જવાબદાર છે.

ગરમીમાં આલ્કોહોલ કેમ અત્યંત જોખમી સાબિત થાય છે?
ડિહાઇડ્રેશન :
આલ્કોહોલ એક ડાયયુરેટિક પદાર્થ છે, જેનો અર્થ છે કે તે કિડનીને વધુ પેશાબ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તે શરીરમાં વાસોપ્રેસિન હોર્મોનને દબાવી દે છે, જે સામાન્ય રીતે શરીરને પાણી સંગ્રહિત રાખવાનો આદેશ આપે છે. હીટવેવમાં જ્યારે આપણું શરીર પહેલેથી જ ઠંડુ રહેવા માટે લીટરબંધ પરસેવો વહાવી રહ્યું હોય છે, ત્યારે આલ્કોહોલ બચેલા પાણીને પણ ઝડપથી બહાર ફેંકી દે છે અને વ્યક્તિ ગંભીર ડિહાઇડ્રેશનનો ભોગ બને છે.
બ્લડ પ્રેશરમાં ઘટાડો: આલ્કોહોલ લોહીની નસોને પહોળી કરે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં વાસોડિલેશન કહેવાય છે. તેના કારણે બ્લડ પ્રેશર અચાનક ખૂબ નીચું સ્તરે આવી જાય છે. આ જ કારણે તીવ્ર ગરમીમાં દારૂ પીધા પછી વ્યક્તિ ચક્કર ખાઈને બેભાન થઈ જાય છે અથવા ઢળી પડે છે.
જજમેન્ટ બ્લન્ટ થવું: આલ્કોહોલના કારણે મગજની વિચારવાની ક્ષમતા નબળી પડે છે. જેના લીધે વ્યક્તિ હીટ એક્ઝોસ્ટન (ગરમીનો થાક) ના પ્રારંભિક લક્ષણોને ઓળખી શકતી નથી અને તે સીધી જ 'હીટ સ્ટ્રોક' (લૂ લાગવી) નો શિકાર બને છે, જે જીવલેણ મેડિકલ ઈમરજન્સી છે.

હોસ્પિટલો સેચ્યુરેશન પોઇન્ટ પર, હાર્ટ એટેકમાં ચાર ગણો વધારો
પેરિસના પોલીસ ચીફ પેટ્રિસ ફોરે જણાવ્યું કે, શહેરની હોસ્પિટલો હવે દર્દીઓથી સેચ્યુરેશન પોઇન્ટ પર પહોંચી ચુકી છે. એમ્બ્યુલન્સ સેવાઓને દરરોજ અંદાજે 2,500 જેટલા ઈમરજન્સી કોલ્સ મળી રહ્યા છે, જે સામાન્ય દિવસો કરતાં બમણા છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી સ્ટેફની રિસ્ટના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેક (કાર્ડિયાક અરેસ્ટ) ના કેસોમાં સામાન્ય કરતાં ચાર ગણો ચોંકાવનારો વધારો થયો છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો પણ સામેલ છે. ગરમી અને સીધા સૂર્યપ્રકાશમાં આલ્કોહોલનું સેવન શરીર પર અત્યંત વિનાશક અસર કરી રહ્યું છે. હીટવેવની ગંભીરતાને જોતાં આ વીકએન્ડમાં તમામ રમતગમતની પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવાઈ છે. પ્રાઇડ માર્ચ લંબાવી દેવામાં આવી છે અને એક મોટો મ્યુઝિક ફેસ્ટિવલ પણ રદ કરવામાં આવ્યો છે.

યુરોપને દઝાડતો 'ઓમેગા બ્લોક' અને ક્લાયમેટ ચેન્જ
હવામાન વિભાગના મતે, યુરોપમાં આ ભયાનક ગરમી પાછળ 'ઓમેગા બ્લોક' જવાબદાર છે. આ એક એવી હવામાન પ્રણાલી છે જેમાં ગ્રીક અક્ષર ઓમેગા આકારનો એક વિશાળ હાઈ-પ્રેશર ડોમ ચોક્કસ વિસ્તાર પર સ્થિર થઈ જાય છે. તે ગરમ હવાને નીચે જ જકડી રાખે છે અને હટતો નથી. જેના કારણે પેરિસમાં તાપમાન 40.9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. જે જૂન મહિનાનો અત્યાર સુધીનો ઑલ-ટાઇમ રેકોર્ડ છે. ગરમીથી બચવા નદીઓ અને તળાવોમાં નહાવા પડેલા 55 લોકોના ફ્રાન્સમાં ડૂબી જવાથી મોત થયા છે.