World

Explainer: અમેરિકાના ખજાનાની ચાવી કોની પાસે છે? જાણો ટ્રમ્પ પ્રમુખ હોવા છતાં યુદ્ધ માટે પૈસા કેમ માંગવા પડે છે!

By GS TEAM
20 Mar 20262 mins read
TukuTouch Logo
Who Controls US Treasury Explained : હાલમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે અમેરિકન કોંગ્રેસમાં 200 બિલિયન ડૉલરની માંગણી કરી છે. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ માટે પેન્ટાગોન તરફથી આ ભંડોળ માંગવામાં આવ્યું છે. આટલી મોટી રકમની માંગણી સામાન્ય નથી, પરંતુ સવાલ એ છે કે શું અમેરિકન પ્રમુખ અને દુનિયાના સૌથી મજબૂત દેશના વડા પણ પોતાની મરજીથી પૈસા ખર્ચી શકતા નથી? જવાબ છે હા, ચાલો સમજીએ એનું કારણ.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: અમેરિકાના ખજાનાની ચાવી કોની પાસે છે? જાણો ટ્રમ્પ પ્રમુખ હોવા છતાં યુદ્ધ માટે પૈસા કેમ માંગવા પડે છે!

Who Controls US Treasury Explained : હાલમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે અમેરિકન કોંગ્રેસમાં 200 બિલિયન ડૉલરની માંગણી કરી છે. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ માટે પેન્ટાગોન તરફથી આ ભંડોળ માંગવામાં આવ્યું છે. આટલી મોટી રકમની માંગણી સામાન્ય નથી, પરંતુ સવાલ એ છે કે શું અમેરિકન પ્રમુખ અને દુનિયાના સૌથી મજબૂત દેશના વડા પણ પોતાની મરજીથી પૈસા ખર્ચી શકતા નથી? જવાબ છે હા, ચાલો સમજીએ એનું કારણ.

અમેરિકાના ખજાનાની શક્તિ કોની પાસે?

અમેરિકન વ્યવસ્થામાં સરકારી ભંડોળ ખર્ચવાનો હક્ક પ્રમુખને નહીં, પરંતુ અમેરિકન કોંગ્રેસને અપાયો છે. તેને ‘પાવર ઑફ ધ પર્સ’ (ખજાનાની શક્તિ) કહેવામાં આવે છે. યુએસ બંધારણની કલમ I સ્પષ્ટ કરે છે કે રાષ્ટ્રીય તિજોરીમાંથી એક પણ પૈસો કાયદા વિના ઉપાડી શકાય નહીં. એટલે કે કોંગ્રેસની મંજૂરી વિના અમેરિકન પ્રમુખ પણ 1 ડૉલર ખર્ચી શકતા નથી.

શા માટે આવો નિયમ છે? 

આ નિયમ ‘ચેક ઍન્ડ બેલેન્સ’(નજરરાખ અને સંતુલન)ના વિચાર પર આધારિત છે. અમેરિકાની સિસ્ટમ એવી રીતે ડિઝાઇન કરાઈ છે કે સરકારની કોઈ એક શાખા અતિશય તાકાતવાન ન બની જાય. જો પ્રમુખને મનફાવે એવા ખર્ચ કરવાની છૂટ હોય, તો જાહેર ભંડોળનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે. તેથી, દરેક મોટા નાણાકીય નિર્ણય લોકશાહી રીતે કોંગ્રેસ મારફતે જ લેવાય એ સુનિશ્ચિત કરવા માટે આ નિયમ ઘડવામાં આવ્યો છે.

અમેરિકન પ્રમુખ ફક્ત ‘વિનંતી’ કરી શકે 

અમેરિકન પ્રમુખ દર વર્ષે એક નાણાકીય યોજના રજૂ કરે છે, જેમાં તે બતાવે છે કે નાણાં ક્યાં ખર્ચવા જોઈએ. પરંતુ આ યોજના માત્ર એક ભલામણ અથવા ‘ઇચ્છાઓની યાદી’ હોય છે. કોંગ્રેસ આ યોજનાને સ્વીકારી શકે છે, તેમાં ફેરફાર કરી શકે છે, ઘટાડી શકે છે અથવા તો સંપૂર્ણપણે નકારી પણ શકે છે. રાષ્ટ્રપતિની ભૂમિકા ભંડોળની માંગણી કરવા સુધી જ મર્યાદિત છે.

પ્રમુખની યોજનાઓ કોંગ્રેસની મહેરબાની પર 

જો અમેરિકન કોંગ્રેસ પ્રમુખની ભંડોળ આપવાની વિનંતીને નકારી કાઢે, તો પ્રમુખ આયોજિત ખર્ચ કરી શકતા નથી. પછી ભલે તે કોઈ મહત્ત્વપૂર્ણ સંરક્ષણ પ્રોજેક્ટ હોય કે અન્ય કોઈ જરૂરી કાર્ય. પ્રોજેક્ટ અટકી શકે છે અથવા મુલતવી રહી શકે છે. આમ, કોંગ્રેસ પાસે પ્રમુખની યોજનાઓને મંજૂરી આપવાની અથવા રોકવાની સંપૂર્ણ સત્તા છે.

1974નો કાયદો: મર્યાદાઓ વધુ કડક બની

અગાઉ અમેરિકાના કેટલાક અમેરિકન પ્રમુખોએ કોંગ્રેસ દ્વારા મંજૂર ભંડોળ ખર્ચવાનો ઇન્કાર કર્યો હતો, જેના પગલે 1974માં ‘ઇમ્પાઉન્ડમેન્ટ કંટ્રોલ ઍક્ટ’ લાગુ કરાયો. આ કાયદાએ સ્પષ્ટ કર્યું કે, પ્રમુખ કોંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલા ભંડોળને રોકી શકે નહીં અને તેનો ઉપયોગ ફક્ત તે જ હેતુ માટે કરી શકે, જેના માટે કોંગ્રેસે મંજૂરી આપી હોય. અમેરિકાના કરદાતાઓના નાણાંનો સાચી દિશામાં જવાબદારીપૂર્વક ઉપયોગ થાય અને પ્રમુખની સત્તા પર અંકુશ રહે, તે માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે.