Get The App

ટ્રમ્પની હાજરીમાં વ્હાઇટ હાઉસ બહાર અંધાધૂંધ ફાયરિંગ, 21 વર્ષીય હુમલાખોરને ઠાર મરાયો

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની હાજરીમાં વ્હાઇટ હાઉસ બહાર અંધાધૂંધ ફાયરિંગ, 21 વર્ષીય હુમલાખોરને ઠાર મરાયો 1 - image

USA Firing News : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી સ્થિત વ્હાઇટ હાઉસ સંકુલ બહાર શનિવારે સાંજે અચાનક અંધાધૂંધ ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. એક 21 વર્ષીય યુવકે વ્હાઇટ હાઉસના સિક્રેટ સર્વિસ ચેકપોઇન્ટ પર પહોંચીને અચાનક પિસ્તોલ અને રિવોલ્વરથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે, સિક્રેટ સર્વિસના એજન્ટોએ ત્વરિત જવાબી કાર્યવાહી કરીને હુમલાખોરને ઘટનાસ્થળે જ ગોળી મારી ઢાળી દીધો હતો, જેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત નીપજ્યું હતું.

ઘટના સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર જ હાજર હતા. જોકે, સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે હુમલાખોર વ્હાઇટ હાઉસની મુખ્ય સુરક્ષા સરહદ તોડવામાં નિષ્ફળ રહ્યો હતો અને પ્રમુખ ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે. રિપબ્લિકન પાર્ટીએ સોશિયલ મીડિયા પર 'થૅન્ક ગૉડ ટ્રમ્પ ઇઝ સેફ' લખીને સિક્રેટ સર્વિસનો આભાર માન્યો હતો.

બેગમાંથી હથિયાર કાઢીને કર્યું 25 રાઉન્ડ ફાયરિંગ

સ્થાનિક અહેવાલો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે આશરે 6 વાગ્યે 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ નોર્થવેસ્ટ વિસ્તારમાં એક યુવક બેગ લઈને ચેકપોઇન્ટ તરફ આગળ વધ્યો હતો. સુરક્ષાકર્મીઓ કંઈ સમજે તે પહેલા જ તેણે બેગમાંથી હથિયાર કાઢીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘટનાસ્થળે હાજર એક રિપોર્ટરના જણાવ્યા અનુસાર, અંદાજે 20 થી 25 રાઉન્ડ ગોળીઓ ચાલવાનો અવાજ સંભળાયો હતો, જ્યારે સ્થાનિક મીડિયા ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયાનો દાવો કરી રહ્યું છે.

આ હુમલામાં એક સામાન્ય નાગરિક પણ ઘાયલ થયો છે, જેને સારવાર માટે ખસેડાયો છે. ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન ક્વામે મમદાનીએ આ ઘટના પર આઘાત વ્યક્ત કરતા કહ્યું કે, "આપણા લોકશાહીમાં રાજકીય હિંસા માટે કોઈ સ્થાન નથી."

હુમલાખોરની ઓળખ થઈ: પોતાને 'યીશુ મસીહ' સમજતો હતો

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસ પર હુમલો કરનાર શખ્સની ઓળખ 21 વર્ષીય નેસિર બેસ્ટ (નસીરે બેસ્ટ) તરીકે થઈ છે, જે મેરીલેન્ડનો રહેવાસી હતો. તે માનસિક સ્વાસ્થ્ય સંબંધી ગંભીર બીમારીઓથી પીડાતો હતો અને પોતાને 'યીશુ મસીહ' (જીસસ ક્રાઇસ્ટ) સમજતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે નેસિર પહેલાથી જ સુરક્ષા એજન્સીઓના રડાર પર હતો. જૂન 2025માં સિક્રેટ સર્વિસના એજન્ટોને ધમકી આપવાના આરોપસર તેની અટકાયત કરાઈ હતી અને જુલાઈ 2025માં પણ તે એક પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં પકડાયો હતો.

વ્હાઇટ હાઉસમાં કમાન્ડો અને સ્નાઈપર્સ તૈનાત, પ્રેસ રૂમ બંધ

ફાયરિંગની ઘટના બાદ તુરંત જ વ્હાઇટ હાઉસને હાઈ-સિક્યોરિટી લોકડાઉન હેઠળ લાવી દેવાયું હતું. સ્ટાન્ડર્ડ સિક્યોરિટી રિસ્પોન્સના ભાગરૂપે સિક્રેટ સર્વિસની સ્નાઈપર ટીમો વ્હાઇટ હાઉસની છત પર તૈનાત કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત, હથિયારધારી એજન્ટોએ નોર્થ લોન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. સુરક્ષાના કારણોસર વ્હાઇટ હાઉસના પ્રેસ બ્રીફિંગ રૂમને પણ તાત્કાલિક બંધ કરી દેવાયો હતો અને ત્યાં હાજર પત્રકારોને અંદર જ રહેવાની સૂચના અપાઈ હતી.

ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) ના ડાયરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી છે કે એફબીઆઈની ટીમ સિક્રેટ સર્વિસ સાથે મળીને આ મામલે તપાસ ચલાવી રહી છે અને ટૂંક સમયમાં વધુ વિગતો જાહેર કરવામાં આવશે.