Get The App

Explainer: ટ્રમ્પ સામે દુષ્કર્મના આરોપોને લગતી એપસ્ટિન ફાઇલો 'ભૂલ'થી જાહેર નહોતી કરાઈ, જાણો શું છે વિવાદ

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
Trump Epstein Files 2026

Trump Epstein Files 2026: અમેરિકન ન્યાય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ(DOJ) છેલ્લાં ઘણાં સમયથી ગુનેગાર જેફરી એપસ્ટિન સાથે જોડાયેલા દસ્તાવેજો જાહેર કરી રહ્યું છે. આ ફાઇલોમાં એપસ્ટિનના ગુના, તેની તપાસ અને તેની સાથે સંપર્કમાં રહેલા લોકો વિશે માહિતી અપાઈ રહી છે. તાજેતરમાં જાહેર કરાયેલા કેટલાક દસ્તાવેજોમાં એક મહિલાએ ડોનાલ્ડ ટ્રમ્પ સામે લગાવેલા જાતીય શોષણના આરોપોનો ઉલ્લેખ છે. જો કે ન્યાય વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે આ આરોપો વિશ્વસનીય નથી અને તે અંગેના કોઈ મજબૂત પુરાવા નથી. મહત્ત્વની વાત એ છે કે આ દસ્તાવેજો અગાઉ જાહેર ફાઇલોમાં સામેલ નહોતા. હવે ન્યાય વિભાગ કહે છે કે, આ ફાઇલો 'ભૂલથી' જાહેર નહોતી કરાઈ. જો કે, ન્યાય વિભાગના આવા બહાના પછી અમેરિકાનું રાજકારણ ફરી ગરમાયું છે.

DOJની ‘ભૂલ’ કેવી રીતે સામે આવી?

Epstein Files Transparency Act નામના કાયદા હેઠળ ડિસેમ્બર 2025થી એપસ્ટિન કેસ સાથે સંબંધિત હજારો દસ્તાવેજો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધી જાહેર કરાયેલા દસ્તાવેજો બાબતે કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવાતું હતું કે, આમાંથી કેટલીક મહત્ત્વપૂર્ણ ફાઇલો ગાયબ છે. નેશનલ પબ્લિક રેડિયો, ન્યૂઝ નેટવર્ક અને ન્યૂયોર્ક ટાઇમ્સ જેવા મીડિયા હાઉસે જણાવ્યું હતું કે, એફબીઆઇના ત્રણ મેમો, કુલ 50થી વધુ પાનાં, ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસની વેબસાઇટ પર દેખાતા નથી. આ મેમોમાં ટ્રમ્પ સામે આરોપ લગાવનાર મહિલાના ઇન્ટરવ્યૂનો સાર હતો.

ત્યાર પછી ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસે ‘તપાસ’ કરી અને સ્વીકાર્યું કે ફાઇલો જાહેર કરવામાં ખરેખર ‘ભૂલ’ થઈ હતી. તેમનું કહેવું છે કે, આ દસ્તાવેજોને ડુપ્લિકેટ ફાઇલ સમજી લેવાઈ હતી અને એટલે જાહેર નહોતા કરાયા. માર્ચ 2026માં ન્યાય વિભાગે આ દસ્તાવેજો ફરી ડેટા બેઝમાં ઉમેર્યા અને કહ્યું કે, ‘અમે કોઈ દસ્તાવેજ કાઢી નાખ્યા નથી. સંબંધિત તમામ ફાઇલો જાહેર કરાઈ છે.’

ટ્રમ્પ સામે મહિલાના આરોપો શું છે?

નવા જાહેર દસ્તાવેજોમાં 2019માં એક અનામી મહિલાએ એફબીઆઇને આપેલી માહિતી સામેલ છે. એપસ્ટિનની ધરપકડ થયા બાદ તેણે એફબીઆઇની ‘ટિપ લાઇન’(માહિતી આપવા માટેની ખાસ સંપર્ક વ્યવસ્થા) પર ફોન કરીને સંપર્ક કર્યો હતો અને નીચે મુજબના દાવા કર્યા હતા. 

- 1980ના દાયકામાં તે 13થી 15 વર્ષની હતી, ત્યારે એપસ્ટિન દ્વારા તેનો ટ્રમ્પ સાથે પરિચય કરાવાયો હતો.

- એપસ્ટિન અને ટ્રમ્પ બંનેએ તેના પર જાતીય હુમલો કર્યો હતો.

- એક વખત એપસ્ટિન તેને ન્યૂજર્સી કે ન્યૂયોર્ક લઈ ગયો હતો, જ્યાં ટ્રમ્પે તેની સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો. મહિલાએ બચવા માટે ટ્રમ્પને બચકું ભરી લીધું હતું.

- એપસ્ટિને મહિલાની માતાને જેલમાં મોકલવાનું કાવતરું રચ્યું હતું અને તેની વિરુદ્ધ હિંસા આચરી હતી. 

આ પણ વાંચો: ટ્રમ્પનો નવો પ્લાન! ઈરાનમાં ઘૂસશે અમેરિકન સેના? યુરેનિયમ અને તેલના ભંડાર પર છે નજર

આરોપ લગાવ્યા બાદ એફબીઆઇની કાર્યવાહી 

એફબીઆઇએ ફોનના માધ્યમથી મહિલાની સાથે ચાર વખત વાત કરી હતી. પરંતુ જ્યારે વધુ વિગતો જાણવાનો પ્રયાસ કરાયો, ત્યારે તેણે જવાબ આપવાનો ઇન્કાર કર્યો અને પછી સંપર્ક તોડી નાખ્યો. ત્યારબાદ આ મામલે કોઈ આરોપ દાખલ કરાયા નહોતા.

આરોપોની વિશ્વસનીયતા પર ઊભા થતાં પ્રશ્નો

આ આરોપો સામે આવ્યા બાદ ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે. જેમ કે... 

1. પુરાવાનો અભાવ: ન્યાય વિભાગે કહ્યું છે કે આ દાવા માટે કોઈ વિશ્વસનીય પુરાવા મળ્યા નથી. ન્યાય વિભાગના મતે, આરોપોમાં સચ્ચાઈ હોત તો તે પહેલાથી જ ટ્રમ્પ વિરુદ્ધ કેસ તરીકે ઉપયોગમાં લેવાઈ ગયા હોત.

2. સમયગાળાની ગૂંચવણ: મહિલાના કેટલાક નિવેદનો 1980ના દાયકાની ઘટનાઓ વિશે જાણીતી માહિતી સાથે મેળ ખાતા નથી. ઉદાહરણ તરીકે, તેણે જણાવ્યું કે એપસ્ટિને દક્ષિણ કેરોલિનામાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો, પરંતુ એપસ્ટિન એ રાજ્યમાં ક્યારેય રહ્યો હોવાના પુરાવા નથી.

3. અગાઉ પણ કોઈ કાર્યવાહી ન થઈ: વ્હાઇટ હાઉસના નિવેદન મુજબ, બાઇડનના સમયમાં પણ ન્યાય વિભાગને આ આરોપોની જાણ હતી, પરંતુ ચાર વર્ષમાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી.

4. ટ્રમ્પનો ઇન્કાર: ટ્રમ્પે હંમેશાં એપસ્ટિન સાથે સંબંધિત કોઈ પણ ખોટા કામનો ઇન્કાર કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, વર્ષ 2000ના દાયકાની શરૂઆતમાં બંને વચ્ચે મતભેદ થયા હતા અને ત્યાર પછી તેઓ અલગ થઈ ગયા હતા.

ટ્રમ્પના પક્ષના નેતાઓ પણ નારાજ, તો ડેમોક્રેટ્સ આક્રમક 

એપસ્ટિન કેસ સાથે સંબંધિત આ ફાઇલો જાહેર થતાં અમેરિકન રાજકારણમાં ફરી વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને કેટલીક ફાઇલો અગાઉ જાહેર ન થવા અને પછી ‘ભૂલ’ તરીકે બહાર આવવા અંગે બંને પક્ષના નેતાઓએ પ્રશ્નો ઊભા કર્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક નેતાઓએ ન્યાય વિભાગ પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે એપસ્ટિન કેસ જેવી સંવેદનશીલ તપાસમાં તમામ દસ્તાવેજો સંપૂર્ણ પારદર્શકતાથી જાહેર થવા જોઈએ. કેટલાક ડેમોક્રેટિક સાંસદોએ દાવો કર્યો છે કે ટ્રમ્પ અને એપસ્ટિન વચ્ચેના સંબંધો વિશે હજુ પણ ઘણાં પ્રશ્નો બાકી છે.

એટલું જ નહીં, ટ્રમ્પના પોતાના જ પક્ષ એટલે કે રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ પણ ફાઇલો જાહેર કરવાની પ્રક્રિયા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમના મતે, દસ્તાવેજો તબક્કાવાર અને અધૂરા બહાર આવવાથી બિનજરૂરી શંકા ઊભી થઈ રહી છે. કેટલાક રિપબ્લિકને માંગ કરી છે કે એપસ્ટિન કેસની તમામ સંબંધિત ફાઇલો એકસાથે જાહેર કરાય. 

આ પણ વાંચો: અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઈરાને કોની માફી માંગી? કહ્યું- શરત સ્વીકારો તો હુમલો નહીં કરીએ

વિવાદ વધતાં અમેરિકન કોંગ્રેસની પગલાં લેવાની તૈયારી  

આ મુદ્દે વિવાદ વધતા હાઉસ ઓવરસાઇટ સમિતિએ પણ પગલાં લેવાની તૈયારી દર્શાવી છે. આ સમિતિએ ન્યાય વિભાગ પાસેથી સ્પષ્ટતા મેળવવા માટે એટર્ની જનરલ પામ બોન્ડીને સમન્સ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. સમિતિ જાણવા માંગે છે કે એપસ્ટિન કેસ સંબંધિત કેટલીક ફાઇલો અગાઉ કેમ જાહેર ન થઈ અને શું દસ્તાવેજો ‘ડુપ્લિકેટ’ તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરાયા હતા.

એપસ્ટિન અને ટ્રમ્પના સંબંધ હજુ પણ એક કોયડો 

આ દસ્તાવેજોમાં ટ્રમ્પનો ઉલ્લેખ અનેક વખત થયો છે. એક ઈ-મેઇલ મુજબ, અગાઉ મનાતું હતું તેના કરતાં અનેકગણી વધુ વખત ટ્રમ્પ એપસ્ટિનના પ્રાયવેટ જેટમાં મુસાફરી કરી ચૂક્યા હતા. પરંતુ આ દસ્તાવેજોમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે, કોઈ એજન્સીએ ટ્રમ્પની કોઈ ગુનામાં સંડોવણીનો આરોપ લગાવ્યો હોય. ન્યાય વિભાગ દ્વારા અગાઉ 'ભૂલથી' ટ્રમ્પની ફાઇલ્સ રિલીઝ નહોતી કરાઈ અને હવે ટ્રમ્પે દુનિયાને માથે યુદ્ધ ઠોકી બેસાડ્યું છે ત્યારે જ આ ફાઇલો જાહેર કરાઈ છે, એ બાબતને ઘણાં નિષ્ણાતો શંકાની નજરે જોઈ રહ્યા છે.

Explainer: ટ્રમ્પ સામે દુષ્કર્મના આરોપોને લગતી એપસ્ટિન ફાઇલો 'ભૂલ'થી જાહેર નહોતી કરાઈ, જાણો શું છે વિવાદ 2 - image