અમેરિકાની લોબિંગ ફર્મ અને ભારતીય અધિકારીઓના 'ફોન કોલ'ને લઈને છપાયેલા રિપોર્ટનો વિવાદ શું છે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India US lobbying Firm Controversy: ભારત સરકાર અને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે આ વર્ષે મે-જૂનમાં 'ફોન કોલ અરેન્જ' કરાવવાને લઈને મીડિયામાં પ્રકાશિત એક સમાચાર પર વિવાદ છેડાઈ ગયો છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અમેરિકન લોબિંગ ફર્મ SHW પાર્ટનર્સ LLC એ વ્હાઇટ હાઉસ અને ભારતીય અધિકારીઓ વચ્ચે અનેક ફોન કોલની વ્યવસ્થા કરાવી હતી. જો કે, વિદેશ મંત્રાલયની ફેક્ટ ચેક ટીમે આ મુદ્દા પર એક પત્રકાર દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટને ભ્રામક ગણાવતા તેનું ખંડન કર્યું છે.
વિપક્ષ દ્વારા PM મોદી પર પ્રહાર
સમગ્ર વિવાદ સામે આવતા વિપક્ષી નેતાઓએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધતા કહ્યું છે કે 'પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પીએમ મોદીને પોતાના 'મિત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ' સાથે વાત કરવા માટે પણ એક લોબિંગ ફર્મની જરૂર પડી રહી છે.'
શું છે સમગ્ર મામલો શું છે?
ઈન્ડિયન એક્સપ્રેસે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે SHW પાર્ટનર્સ LLC એ અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ (FARA) હેઠળ દાખલ દસ્તાવેજમાં કહ્યું છે કે તેણે આ વર્ષે મે-જૂન દરમિયાન ભારત સરકાર અને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે આઠ ફોન કોલ નક્કી (અરેન્જ) કરાવ્યા. આ અમેરિકન લોબિંગ ફર્મના પ્રમુખ જેસન મિલર છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વાતચીત ભારત-અમેરિકા સંબંધો પર કેન્દ્રિત હતી અને ફર્મે તેને 'રાજકીય પ્રવૃત્તિઓ'નો ભાગ બતાવ્યો છે.
માર્કો રુબિયોના પ્રવાસ પહેલાં અધિકારીઓ વચ્ચે ફોન કોલ્સ
રિપોર્ટ મુજબ, ભારતે એપ્રિલ 2025માં જેસન મિલરની SHW પાર્ટનર્સ LLC સાથે કરાર કર્યો હતો, જેને આ વર્ષે એપ્રિલમાં એક વધુ વર્ષ માટે લંબાવવામાં આવ્યો. જોકે, 23 જૂને આ કરાર પૂરો થઈ ગયો કારણ કે જેસન મિલર ટ્રમ્પ વહીવટીચક્ર સાથે વિશેષ સરકારી કર્મચારી તરીકે જોડાઈ ગયા. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મે મહિનામાં માર્કો રુબિયોના ભારત પ્રવાસ પહેલાં ભારત સરકાર અને વ્હાઇટ હાઉસના કેટલાય વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ફોન પર વાતચીત કરાવવામાં આવી હતી. તેમાં અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ, ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇકલ નીડહામ અને આતંકવાદ અને નાણાકીય ગુપ્તચર મામલાના અવર સચિવ જીન લેંગે સામેલ હતા. ત્યારબાદ જૂનમાં, માર્કો રુબિયોની ભારત યાત્રા પછી ભારત સરકાર અને અમેરિકન પ્રશાસન વચ્ચે વધુ ઉચ્ચસ્તરીય સંપર્કનો ઉલ્લેખ આ રિપોર્ટમાં છે.
અમેરિકી ચૂંટણી પછી મર્કરી પબ્લિક અફેર્સની નિમણૂક
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના ફરીથી રાષ્ટ્ર પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ, વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસે બે પ્રમુખ લોબિંગ ફર્મોની સેવાઓ લીધી, જેનું નેતૃત્વ ટ્રમ્પના નજીકના માનવામાં આવતા લોકોના હાથમાં હતું. તેમાં બીજી ફર્મ મર્કરી પબ્લિક અફેર્સ હતી, જેને પ્રતિ માસ 75,000 ડોલરની રિટેનરશિપ પર રાખવામાં આવી હતી. ફર્મની મુખ્ય ટીમમાં બ્રાયન લાંઝા સામેલ હતા, જે ટ્રમ્પની ટ્રાન્ઝિશન ટીમમાં કમ્યુનિકેશન્સ ડિરેક્ટર રહી ચૂક્યા છે.
વિદેશ મંત્રાલયની ફેક્ટ ચેક ટીમનો સ્પષ્ટતાનો જવાબ
આ રિપોર્ટ પ્રકાશિત થયા પછી એક પત્રકારની પોસ્ટને ફેક્ટ ચેક કરતા વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક હેન્ડલથી એક્સ પર લખવામાં આવ્યું, 'આ પોસ્ટ ભ્રામક છે. અમેરિકામાં દૂતાવાસો અને અન્ય સંસ્થાઓ દ્વારા લોબિંગ ફર્મ નીમવી એક સામાન્ય બાબત છે. વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસ 1948થી આવી ફર્મોની સેવાઓ લેતો રહ્યો છે. જેનાથી જોડાયેલી માહિતી સાર્વજનિક રૂપે ઉપલબ્ધ છે. સાથે જ જ્યાં સુધી મર્કરી પબ્લિક અફેર્સ LLCની FARA ફાઇલિંગમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેણે માત્ર સંબંધિત પોસ્ટનો પ્રસાર કર્યો હતો.'
પત્રકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો
બીજી તરફ એક પત્રકારે એક્સ પર વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક હેન્ડલને રિટ્વીટ કરતા લખ્યું, 'આ કેવી રીતે ભ્રામક છે, શું લોબી ફર્મ દ્વારા વ્હાઇટ હાઉસ સાથે વાતચીતની વ્યવસ્થા કરવી સામાન્ય વાત છે? તમામ પૂર્વ રાજદૂતોનું કહેવું છે કે લોબી ફર્મ સામાન્ય રીતે (કેપિટલ) હિલ પર કામકાજ અને સંપર્ક સાધવામાં મદદ કરે છે, જ્યારે દ્વિપક્ષીય સંબંધોથી જોડાયેલા મામલાઓ પર વાતચીત સરકારી અધિકારીઓના સ્તર પર થાય છે.'
કોંગ્રેસનો PM મોદી પર સોશિયલ મીડિયા દ્વારા પ્રહાર
કોંગ્રેસે એક પોસ્ટ કરીને PM મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે એક્સ પર લખ્યું, 'મોદી પૈસા આપીને ટ્રમ્પ પાસે પોતાની પ્રશંસા વાળી પોસ્ટ કરાવી રહ્યા હતા. આ ખુલાસો ખુદ અમેરિકાની મર્કરી પબ્લિક અફેર્સ નામની એક લોબિંગ ફર્મે કર્યો છે. આ ફર્મને મોદી સરકારે 75 હજાર ડોલર મહિના પર રાખી હતી.'
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાનું નિવેદન
ત્યાં જ, ટીએમસી સાંસદ (મમતા જૂથ) મહુઆ મોઇત્રાએ કહ્યું, 'સત્ય સામે આવી ગયું છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સારી વાતો ટ્વીટ કરે છે, તેનું કારણ એ છે કે અમે, એટલે કે ભારતીય ટેક્સપેયર્સે તેના માટે એક અમેરિકન લોબિંગ ફર્મને પૈસા આપ્યા છે! આ મામલા પર ધ્યાન આપવા માટે તમારો આભાર.'
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પવન ખેડાએ એક્સ પર લખ્યું, 'પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મોદીને પોતાના 'મિત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ' સાથે વાત કરવા માટે પણ એક લોબિંગ ફર્મની જરૂર પડી રહી છે. પરંતુ અસલી વાત તો એ છે કે દરેક વખતે જ્યારે ટ્રમ્પ મોદીને પોતાના 'ખૂબ સારા મિત્ર', 'સાચા મિત્ર', 'સારા મિત્ર' કે 'મહાન મિત્ર' બતાવે છે, તો તેની એક કિંમત ચૂકવવી પડે છે. અને આ કિંમત મોદી ભારતીય ટેક્સપેયર્સના પૈસાથી લોબિંગ ફર્મને ચૂકવણું કરીને ચૂકવે છે.




