World

'કયા ભ્રમમાં છો? ભારત જેવો દેશ પણ અમારી પડખે...', નેતન્યાહૂનો અમેરિકાને સણસણતો જવાબ

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
ઇઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકી ઉપપ્રમુખ જે.ડી. વેન્સના દાવાને ફગાવ્યો છે. વેન્સે કહ્યું હતું કે અમેરિકા જ ઇઝરાયલનો એકમાત્ર શક્તિશાળી સાથી દેશ છે. નેતન્યાહૂએ ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારતનો ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, "અમારી પાસે ભારત જેવા મિત્રો છે, જ્યાં 1.4 અબજ લોકો છે અને ત્યાંથી જબરદસ્ત સમર્થન મળે છે." આ નિવેદન અમેરિકા-ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ વચ્ચે આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'કયા ભ્રમમાં છો? ભારત જેવો દેશ પણ અમારી પડખે...', નેતન્યાહૂનો અમેરિકાને સણસણતો જવાબ

Benjamin Netanyahu JD Vance Response: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીને લઈને વધી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ બેન્જામિન નેતન્યાહૂનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. નેતન્યાહૂએ અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી. વેન્સના એ દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. જેમાં વેન્સે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં અમેરિકા જ ઇઝરાયલનો એકમાત્ર શક્તિશાળી સાથી દેશ બચ્યો છે. નેતન્યાહૂએ અમેરિકી ન્યૂઝ ચેનલ 'ફોક્સ ન્યૂઝ'ને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતનો ખાસ ઉલ્લેખ કરીને વેન્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

'અમારી પાસે ભારત જેવા મિત્રો છે, જ્યાં 1.4 અબજ લોકો છે'

નેતન્યાહૂએ જે.ડી. વેન્સના નિવેદનનો જવાબ આપતા હળવા અંદાજમાં અને કટાક્ષમાં જણાવ્યું કે, "અમારી પાસે બીજા પણ ઘણા મિત્રો છે. જેમ કે ભારત જેવો એક 'નાનો' દેશ, તમે જાણો છો ને, ત્યાં 1.4 અબજ (140 કરોડ) લોકો રહે છે અને સાચું કહું તો, અમને ત્યાંથી જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે." તેમણે ઉમેર્યું કે, "મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પણ ભારત તરફથી ખૂબ જ મોટો સપોર્ટ મળે છે. મારું ફેસબુક પર એકાઉન્ટ છે અને ત્યાં ભારતીય યુઝર્સ મને ભારે સમર્થન આપી રહ્યા છે. ઇઝરાયલ પાસે મિત્રોની કોઈ કમી નથી."

અમેરિકન ઉપ પ્રમુખ જે.ડી. વેન્સે શું કહ્યું હતું?

ગયા મહિને વ્હાઇટ હાઉસમાં એક બ્રીફિંગ દરમિયાન અમેરિકી ઉપ પ્રમુખ જે.ડી. વેન્સે ઇઝરાયલને અમેરિકા-ઈરાન શાંતિ વાર્તાનું સન્માન કરવાની સલાહ આપી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઇઝરાયલના નેતાઓ આ સમજૂતીથી નારાજ છે અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી રહ્યા છે, ત્યારે વેન્સે કહ્યું હતું કે, "જો હું ઇઝરાયલ સરકારની કેબિનેટમાં હોત, તો હું કદાચ એ એકમાત્ર શક્તિશાળી સાથી દેશની ટીકા ન કરત, જે આખી દુનિયામાં મારી પાસે બચ્યો છે."

ઇઝરાયલની ટેક્નોલોજી અને સાયબર પાવરના કારણે વિશ્વના દેશો સાથે સારા સંબંધો

જે.ડી. વેન્સના દાવાનું ખંડન કરતા નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે દુનિયાના ઘણા દેશો ઇઝરાયલની સાયબર સિક્યોરિટી અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ક્ષમતાના દિવાના છે. ઇઝરાયલના રાષ્ટ્રપ્રમુખ બેન્જામિન નેતન્યાહૂના જણાવ્યા અનુસાર "ઘણા વૈશ્વિક નેતાઓ મને ફોન કરીને કહે છે કે, 'જુઓ, અમારે પબ્લિક ઓપિનિયન (જનમત)ને લઈને કેટલીક આંતરિક સમસ્યાઓ હોઈ શકે છે, પરંતુ અમે તમારું સન્માન કરીએ છીએ. શું આપણે કોઈ આર્થિક કે સંરક્ષણ સમજૂતી કરી શકીએ? શું તમારી સેના જેવી ટેકનિક અમને શીખવી શકો?' સાયબર સેક્ટરમાં ઇઝરાયલ દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે અને અમારી ટેક્નોલોજી બેનમૂન છે. તેથી, વૈશ્વિક સ્તરે અમારા સંબંધો બહારથી દેખાય છે તેના કરતાં ઘણા ઊંડા અને મજબૂત છે."

અમેરિકા-ઇઝરાયલ વચ્ચે વધી રહ્યો છે તણાવ

લેબનોનમાં ઇઝરાયલના સૈન્ય ઓપરેશન્સ અને ઈરાન સાથે અમેરિકાની શાંતિ મધ્યસ્થતાને કારણે અત્યારે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે પડદા પાછળ તણાવ વધી રહ્યો છે, તેવા સમયે નેતન્યાહૂએ ભારતનું નામ આગળ ધરીને અમેરિકાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ઇઝરાયલ માત્ર વોશિંગ્ટન પર નિર્ભર નથી.