'યુદ્ધ ઈરાને નથી કર્યું, અમે ધમકીઓથી નથી ડરતા...', ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી ટ્રમ્પ પર ભડક્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran's Response After Trump's Ultimatum: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષમાં ઈરાને હવે આક્રમક વલણ અપનાવતા ઈઝરાયલ પર ભયાનક હુમલાઓ કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે ઈઝરાયલ અને અમેરિકા દ્વારા પણ મજબૂત રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી દુનિયાભરમાં ઓઈલ સંકટ પેદા થઇ રહ્યું છે. આ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ અંગે ટ્રમ્પના અલ્ટિમેટમ બાદ ઈરાને વળતો જવાબ આપ્યો છે.
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે હોર્મુઝ ખોલી દો નહીંતર તમારા વીજળીઘર તબાહ કરી નાખીશું. હવે આ ડેડલાઈન ખતમ થવાની અણીએ છે ત્યારે તેના અમુક જ કલાકો અગાઉ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર વધુ એક ધમકીભર્યો મેસેજ લખ્યો છે કે તાકાત વડે જ શાંતિ સ્થપાઈ શકે છે. આ વચ્ચે હવે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ હોર્મુઝ સ્ટ્રેટ અંગે અમેરિકા અને ઈઝરાયલ પર મોટું નિશાન સાધ્યું છે. અરાઘચીએ સ્પષ્ટતા કરી છે કે, ઈરાને આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગને બંધ નથી કર્યો. જહાજના અવર-જવરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વીમા કંપનીઓમાં યુદ્ધનો ભય છે, જેના કારણે શિપિંગ કંપનીઓ આ વિસ્તારમાંથી પસાર થવામાં ખચકાટ અનુભવી રહી છે. અરાઘચીએ આ પરિસ્થિતિ માટે સીધી રીતે અમેરિકા અને ઈઝરાયલની નીતિઓને જવાબદાર ઠેરવી હતી.
અમે આ ધમકીઓથી નથી ડરતા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકા અને ઈઝરાયલ પર યુદ્ધ શરૂ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, 'હોર્મુઝની સ્ટ્રેટ બંધ કરવામાં નથી આવ્યો. શિપિંગ કંપનીઓ એટલા માટે ખચકાટ અનુભવી રહી છે કારણ કે વીમા કંપનીઓને એ યુદ્ધનો ડર છે જે તમે શરૂ કર્યું છે, ઈરાને નથી કર્યું. કોઈ પણ વીમા કંપની અને કોઈ પણ ઈરાની આ ધમકીઓથી નથી ડરતા. સન્માન કરવાનો પ્રયાસ કરો. નેવિગેશનની સ્વતંત્રતા માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે વેપાર કરવાની સ્વતંત્રતા હોય. જો તમે આ બંનેનું સન્માન નહીં કરશો, તો તમને બંનેમાંથી એક પણ નહીં મળશે.'
તેહરાનમાં મોટા પાયે હવાઈ હુમલા શરૂ
ઈઝરાયલી ડિફેન્સ ફોર્સનું કહેવું છે કે, અમે તેહરાનમાં મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા છે, જેનો ટાર્ગેટ ઈરાનના આતંકવાદી શાસનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. ઈરાની મીડિયા પ્રમાણે ઈરાનની રાજધાની તેહરાનમાં વિસ્ફોટોનો અવાજ ખૂબ જ જોરથી સંભળાઈ રહ્યો છે. તેહરાનના પાંચ વિસ્તારોમાં વિસ્ફોટના ભયાનક અવાજો સંભળાઈ રહ્યા છે.
ઈરાન યુએસ-ઈઝરાયલી ડ્રોનનો જવાબ આપી રહ્યું છે
ઈરાની મીડિયાએ કહ્યું કે, હુમલાઓ એરિયા 1, 4, 11, 13 અને 21માં થયા હતા તથા નુકસાન અને સંભવિત જાનહાનિનું અંગેની માહિતી બાદમાં જાહેર કરવામાં આવશે. બીજી તરફ ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ શહેરના પૂર્વી હિસ્સામાં એક્ટિવ થઈ ગઈ છે. એનો અર્થ એ કે, ઈરાન યુએસ-ઈઝરાયલી ડ્રોનનો જવાબ આપી રહ્યું છે.
મિડલ-ઈસ્ટમાં પરિસ્થિતિ ગંભીર
ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલે ચેતવણી આપી છે કે મિડલ-ઈસ્ટમાં પરિસ્થિતિ 1970ના દાયકાના બે એનર્જી સંકટો કરતાં પણ ખૂબ જ ગંભીર અને ખરાબ છે.
ઓસ્ટ્રેલિયાના નેશનલ પ્રેસ ક્લબમાં એક ભાષણમાં બિરોલે કહ્યું કે, વર્તમાન સંકટનું સૌથી મોટું સમાધાન હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો છે, જેને ઈરાને દેશ પર યુએસ-ઇઝરાયલી હુમલા બાદ અસરકારક રીતે બ્લોક કરી દીધો છે.









