World

તીસ્તાથી સિંધુ સુધી વોટર ડિપ્લોમસી: શું ભારત સામે પાકિસ્તાન-બાંગ્લાદેશ સંયુક્ત મોરચો ખોલી રહ્યા છે?

By GS Team
22 Aug 20263 mins read
TukuTouch Logo
ભારતના પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ પાણીની રાજનીતિમાં સમાન રણનીતિ અપનાવી રહ્યા છે. બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી મોહમ્મદ શાહિદ ઉદીન ચૌધરીએ 19 ઑગસ્ટે ઢાકામાં ભારત પાસે ગંગા જળ સંધિમાં 'ગેરંટી ક્લોઝ' ઉમેરવા અને તીસ્તા નદીનું પાણી આપવાની માંગ કરી છે. જો માંગ ન સંતોષાય તો UN સહિતના આંતરરાષ્ટ્રીય મંચો પર જવાની ચીમકી ઉચ્ચારી છે. આ અગાઉ પાકિસ્તાન પણ સિંધુ જળ સંધિ મામલે UN પહોંચ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

તીસ્તાથી સિંધુ સુધી વોટર ડિપ્લોમસી: શું ભારત સામે પાકિસ્તાન-બાંગ્લાદેશ સંયુક્ત મોરચો ખોલી રહ્યા છે?

Bangladesh And Pakistan Water Diplomacy: તીસ્તાથી લઈને સિંધુ સુધી, ભારતના બે પડોશી દેશ એવા પાકિસ્તાન અને બાંગ્લાદેશ પાણીને હથિયાર બનાવીને એક સરખી રાજનૈતિક વ્યૂહરચના અપનાવતા જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી મોહમ્મદ શાહિદ ઉદીન ચૌધરી અનીએ ભારત પાસે ગંગા જળ સંધિમાં 'ગેરંટી ક્લોઝ' ઉમેરવા અને તીસ્તા નદીનું પાણી આપવાની માંગ કરી છે. તેમણે ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે, જો ભારત નહીં માને તો બાંગ્લાદેશ સંયુક્ત રાષ્ટ્ર(UN) સહિતના આંતરરાષ્ટ્રીય મંચો સુધી પહોંચશે.

સિંધુ જળ સંધિ મામલે UN પહોંચ્યુ હતું પાકિસ્તાન

આ પહેલાં એપ્રિલ 2026માં પાકિસ્તાન પણ સિંધુ જળ સંધિને લઈને UN સુરક્ષા પરિષદમાં પહોંચ્યું હતું. બંને દેશોની ભાષા અને વ્યૂહરચનામાં સ્પષ્ટ સમાનતા જોવા મળી રહી છે, જેનાથી એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે, શું ભારત સામે પાણીના મુદ્દા પર કોઈ સંયુક્ત મોરચો તૈયાર થઈ રહ્યો છે? બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રીએ 19 ઑગસ્ટે ઢાકામાં એક સેમિનારમાં આ માંગ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગંગા જળ સંધિ જ્યારે રિન્યૂ થાય ત્યારે તેમાં ગેરંટી ક્લોઝ ચોક્કસપણે સામેલ કરવો જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે, 1977ની સંધિમાં આ ક્લોઝ હતો, પરંતુ 1996માં શેખ હસીના સરકાર દરમિયાન થયેલી 30 વર્ષની સંધિમાંથી તેને હટાવી દેવાયો હતો. આ સંધિ ડિસેમ્બર 2026માં પૂર્ણ થઈ રહી છે.

મંત્રીએ આને બાંગ્લાદેશનો અધિકાર ગણાવતાં કહ્યું કે, સંધિ વગર આગળનો કોઈ રસ્તો નથી. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે, બાંગ્લાદેશ તીસ્તાના મુદ્દે ભારત સાથે સંબંધો બગાડવા માંગતું નથી. પરંતુ બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાન આ ફાઇલની સમીક્ષા કરી રહ્યા છે, અને તીસ્તા પ્રોજેક્ટ અમલમાં મૂકીને જ રહેશે. જરૂર પડશે તો બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય મંચોનો સંપર્ક કરશે.

ગેરંટી ક્લોઝનો અર્થ શું છે?

ગેરંટી ક્લોઝનો અર્થ એ છે કે, સૂકા હવામાન(ઉનાળા)માં જો ફરક્કા બેરેજ પર પાણી ખૂબ ઓછું થઈ જાય, તો પણ બાંગ્લાદેશને નક્કી કરેલ ન્યૂનતમ જથ્થામાં પાણી મળતું રહે. 1996ની સંધિ મુજબ જો ફરક્કા બેરેજ પર પાણી 70 હજાર ક્યુસેકથી ઓછું હોય તો, બંને દેશો વચ્ચે સરખો હિસ્સો વહેંચાય છે. 11 માર્ચથી 10 મે વચ્ચેનો સમય સૌથી સંવેદનશીલ મનાય છે, જેમાં 10-10 દિવસની વારાફરતી વ્યવસ્થા નક્કી કરાય છે. મંત્રીની માંગ છે કે, પાણીની અછતમાં પણ બાંગ્લાદેશને નિશ્ચિત હિસ્સો મળવો જ જોઈએ.

બાંગ્લાદેશના UNECE વોટર કન્વેન્શન પર હસ્તાક્ષર

બાંગ્લાદેશે જૂન 2025માં UNECE વોટર કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા છે, અને તે આ કન્વેન્શનનો સભ્ય બનનાર ભારતીય ઉપખંડનો પહેલો દેશ છે. ભારત આ કન્વેન્શનનો સભ્ય નથી, તેથી તેની કોઈ બાધ્યકારી અસર થતી નથી. છતાં બાંગ્લાદેશ તેનો ઉપયોગ પોતાની માંગને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ વ્યાજબી ઠેરવવા કરી રહ્યું છે. આ અગાઉ એપ્રિલ 2026માં પાકિસ્તાને પણ સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના મુદ્દાને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં ઉઠાવ્યો હતો, પરંતુ ત્યાં તેને ખાસ સમર્થન મળ્યું નહોતું. હવે બાંગ્લાદેશ પણ પાણીના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની સમાન વ્યૂહરચના અપનાવી રહ્યું હોય તેમ લાગે છે, જે ભારત માટે સતર્ક રહેવા જેવી સ્થિતિ છે.