- સિંધુ જળ સંધિ રદ જ રહેશે તેવી ભારતની સ્પષ્ટતાથી પાક. છંછેડાયું
- સંયુક્ત રાષ્ટ્રના નિયમો મુજબ પાણી રોકવુ યુદ્ધ સમાન આ નિર્ણયના આકરા પરિણામ આવશે : પાક.ની ડંફાસ
Pakistan Threat India : પહલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સાથેના સિંધુ જળ કરારોને તોડી નાખવામાં આવ્યા છે. જેને પગલે ભારતથી પાક. તરફ જતુ પાણી અટકાવી દેવાયું હતું, આ નિર્ણયને પગલે હવે પાક.માં ફરી પાણીની ભારે અછત જોવા મળી રહી છે. ખાસ કરીને સિંધ અને બલુચિસ્તાનમાં ખેતીના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પાકે. પાણી માટે યુદ્ધની ધમકી આપી દીધી છે.
સિંધુ જળ સંધિ રદ થવાને કારણે પાક.ના સત્તાધીશો લાલઘુમ થઇ રહ્યા છે. રોષે ભરાયેલા આ નેતાઓ, મંત્રીઓ હવે ભારતને યુદ્ધની ધમકી આપવા લાગ્યા છે. તાજેતરમાં એક નિવેદન જાહેર કરીને પાકિસ્તાને કહ્યું છે કે સિંધુ જળ રોકવું તે યુદ્ધની કાર્યવાહી સમાન ગણાશે. ભારતે તાજેતરમાં જ સ્પષ્ટતા કરી હતી કે સિંધુ જળ સંધિ હવે ફરી બહાલ નહીં કરાય અને તેને રદ્દ જ રાખવામાં આવશે. આગામી દિવસોમાં પાક.ને થોડું પણ પાણી નહીં અપાય. ભારતના આ નિવેદન પર જ પાકિસ્તાન લાલઘુમ થઇ રહ્યું છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ કહ્યું છે કે ભારતના આ નિર્ણયની અસર પાકિસ્તાનના ૨૫ કરોડથી વધુ લોકો પર થઇ શકે છે. તેમના પર સંકટ આવી શકે છે. પાક. તરફ આવતા પાણીને ભારત દ્વારા રોકવુ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. પાણીને અટકાવવાના કોઇ પણ પ્રકારના પ્રયાસના ગંભીર પરિણામ આવી શકે છે. પાણી રોકવુ તે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના આર્ટિકલ ૫૧ હેઠળ યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે.
પાકિસ્તાની આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહલગામમાં હુમલો કરીને ૨૬ ભારતીય પર્યટકોની હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટના બાદ ભારતે પાક. જતા પાણીને રોકવા માટે સિંધુ જળ સંધિને રદ કરી નાખી હતી.


