'હું રેપિસ્ટ નથી, બકવાસ બંધ કરો...' ફાયરિંગ કરનારા આરોપીનો પત્ર વાંચનારી મહિલા પત્રકાર પર ટ્રમ્પ ભડક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
Trump vs Nora O’Donnell: અમેરિકાના વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના એક કાર્યક્રમ દરમિયાન થયેલા ગોળીબારની ઘટનાએ આખા વિશ્વને ચોંકાવી દીધું છે. આ મામલામાં સૌથી વધુ ચર્ચા જેફરી એપસ્ટિન સાથે જોડાયેલા વિવાદની થઈ રહી છે. હુમલો કરનાર યુવક કોલ ટોમસ એલને ગોળીબાર કરતા પહેલા તેના પરિવારને એક પત્ર(મેનિફેસ્ટો) મોકલ્યો હતો. આ પત્રમાં તેણે 'પેડોફાઇલ(બાળકોનું શોષણ કરનાર), રેપિસ્ટ અને ગદ્દાર' જેવા ગંભીર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના બાદ જ્યારે જાણીતા પત્રકાર નોરા ઓ ડોનલે એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પને આ પત્ર વિશે પૂછ્યું, ત્યારે માહોલ ગરમાયો હતો.
આરોપીના મેનિફેસ્ટોને પ્લેટફોર્મ આપવા સામે ટ્રમ્પની નારાજગી
પત્રકારે જ્યારે હુમલાખોરના પત્રમાં લખેલા શબ્દો વાંચી સંભળાવ્યા અને ટ્રમ્પને સવાલ કર્યો, ત્યારે ટ્રમ્પનો ગુસ્સે થઈ ગયા હતા. તેમણે અત્યંત ગુસ્સામાં પત્રકાર પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, તમે એક માનસિક બીમાર વ્યક્તિની વાતો ટીવી પર વાંચી રહ્યા છો જે ખૂબ જ શરમજનક છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં પોતાનો બચાવ કરતા કહ્યું કે, 'હું રેપિસ્ટ નથી અને મારે આવા કોઈ ગંદા કૃત્યો સાથે લેવાદેવા નથી.' તેમણે આક્ષેપ કર્યો કે વિરોધીઓ અને કેટલાક મીડિયા લોકો જાણીજોઈને તેમનું નામ એપસ્ટિન જેવા વિવાદોમાં ઢસડી રહ્યા છે જેથી તેમની છબી ખરડાય.
ઇન્ટરવ્યૂમાં તીખી તકરાર
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, મને આ કેસોમાં પહેલા જ ક્લીન ચિટ મળી ચૂકી છે અને આવી બાબતો સાથે મારે કોઈ લેવાદેવા નથી. તેમણે પત્રકારની ટીકા કરતા કહ્યું કે તમે લોકો ખરાબ છો જે આવા બીમાર વ્યક્તિના નિવેદનોને પ્લેટફોર્મ આપો છો. આ સાથે જ ટ્રમ્પે રાજકીય હિંસા માટે ડેમોક્રેટ નેતાઓની 'હેટ સ્પીચ'ને જવાબદાર ઠેરવી હતી.
ગોળીબાર દરમિયાનનો અનુભવ
ઘટના અંગે વિગતો આપતા ટ્રમ્પે જણાવ્યું કે ફાયરિંગ સમયે તેમને ડર લાગ્યો નહોતો. જ્યારે ગોળીબાર થયો ત્યારે સુરક્ષા એજન્ટોએ તેમને અને મેલાનિયા ટ્રમ્પને તરત જ જમીન પર સૂઈ જવાની સૂચના આપી હતી. ટ્રમ્પે કહ્યું કે સુરક્ષા ટીમ તેમને તાત્કાલિક બહાર લઈ જવા માંગતી હતી, પરંતુ તેઓ પહેલા પરિસ્થિતિને સમજવા માંગતા હતા. મેલાનિયા માટે આ નવો અનુભવ હોવા છતાં તેમણે હિંમતપૂર્વક સ્થિતિ સંભાળી હતી. તેમજ આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી કે કોઈ ઘાયલ થયું નથી.
હુમલાખોરનો ખતરનાક ઈરાદો
તપાસમાં સામે આવ્યું છે કે આરોપી એલનના નિશાના પર માત્ર ટ્રમ્પ જ નહીં, પરંતુ સરકારના ઘણા મોટા મંત્રીઓ અને અધિકારીઓ પણ હતા. તેણે પોતાના પત્રમાં લખ્યું હતું કે તે દેશદ્રોહીઓને એક-એક કરીને ટાર્ગેટ કરવા માંગતો હતો. સદનસીબે, સુરક્ષા ટીમે હુમલાખોરને મુખ્ય હોલ સુધી પહોંચતા પહેલા જ પકડી લીધો હતો, જ્યાં ટ્રમ્પ અને તેમનો પરિવાર હાજર હતો. આ ઘટનાએ ફરી એકવાર ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઉભા કર્યા છે.









