World

VIDEO : કીવમાં ઝેલેન્સ્કી-જયશંકરની મુલાકાત ટાણે રશિયાનો ડ્રોન હુમલો, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખનો મોટો દાવો

By GS Team
3 Sep 20263 mins read
TukuTouch Logo
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કીવમાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે બેઠક કરી. યુદ્ધ સમાપ્ત કરવા અને શાંતિ સ્થાપવા અંગે ચર્ચા થઈ. ડ્રોન હુમલા વચ્ચે ભારતીય પ્રતિનિધિમંડળ સુરક્ષિત રહ્યું હતું. ભારતે શાંતિ માટે પ્રતિબદ્ધતા દર્શાવતા ઝેલેન્સ્કીએ આભાર માન્યો. ભારતે 19 કન્સાઇનમેન્ટ માનવીય સહાય મોકલી છે. જયશંકરે કીવમાં ભારતીય નાગરિકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : કીવમાં ઝેલેન્સ્કી-જયશંકરની મુલાકાત ટાણે રશિયાનો ડ્રોન હુમલો, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખનો મોટો દાવો

Russian Drone Attack Kyiv : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે યુક્રેનની રાજધાની કીવ ખાતે રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાના માર્ગો અને કાયમી શાંતિ સ્થાપવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે ભારત આ સંઘર્ષને અટકાવવા માટે દરેક શક્ય મદદ કરવા તત્પર છે. આ મુલાકાત દરમિયાન રશિયા દ્વારા થયેલા ડ્રોન હુમલા વચ્ચે ભારતીય પ્રતિનિધિમંડળ સુરક્ષિત રહ્યું હોવાનો દાવો પણ યુક્રેન તરફથી કરવામાં આવ્યો હતો.

શાંતિ માટે ભારતના સ્પષ્ટ વલણ બદલ ઝેલેન્સ્કીએ આભાર માન્યો

વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) સાથેની મંત્રણા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ભારતના વલણની પ્રશંસા કરી હતી. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, 'હું આ અન્યાયી યુદ્ધનો અંત લાવવા માટે ભારતની પ્રતિબદ્ધતા પ્રત્યે આભારી છું. આ સમય ચોક્કસપણે યુદ્ધનો નથી, શાંતિની તાતી જરૂરિયાત છે અને આ જ ભારતનું સ્પષ્ટ વલણ રહ્યું છે. આજે જ્યારે વિદેશ મંત્રી કીવમાં મારી સાથે ઉપસ્થિત હતા, ત્યારે રશિયાએ ફરીથી ઈરાની નિર્મિત શાહેદ ડ્રોન વડે હુમલો કર્યો હતો. અમારી વાયુસેનાના લડાકુ વિમાનોની તકેદારી અને સતર્કતાને કારણે સમગ્ર ભારતીય પ્રતિનિધિમંડળ સુરક્ષિત રહ્યું છે.'

વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પર રશિયન હુમલા અંગે ચિંતા

ઝેલેન્સ્કીએ કાળા સમુદ્રમાં વ્યાપારી જહાજો અને ખાદ્ય પુરવઠા કોરિડોર પર રશિયા દ્વારા કરવામાં આવતા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વૈશ્વિક ખાદ્ય સુરક્ષાનું રક્ષણ કરવા માટે વિશ્વની તમામ અગ્રણી સત્તાઓએ એક થઈને આગળ આવવું પડશે.

આ યુગ યુદ્ધનો નથી: સિબિહા સાથે દ્વિપક્ષીય મંત્રણા

રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત પહેલાં ભારતના વિદેશ મંત્રીએ યુક્રેનના વિદેશ મંત્રી આન્દ્રી સિબિહા (Andrii Sybiha) સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. સંયુક્ત નિવેદનમાં જયશંકરે દોહરાવ્યું હતું કે ભારત સતત એ સિદ્ધાંતનું સમર્થન કરે છે કે આ યુગ યુદ્ધનો નથી અને કોઈપણ જટિલ સમસ્યાનો ઉકેલ રણમેદાનમાંથી ક્યારેય નીકળી શકે નહીં.

કીવ હુમલામાં ભારતીય નાગરિકના નિધન પર શોક

વિદેશ મંત્રીએ જણાવ્યું કે તેમનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે બંને દેશો વચ્ચે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. તેમણે માહિતી આપી હતી કે 2 દિવસ પહેલા કીવમાં થયેલા એક હુમલામાં 1 ભારતીય નાગરિકનું પણ કરૂણ મોત નીપજ્યું હતું. તેમણે મૃતકના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરતાં કહ્યું કે આ સંઘર્ષમાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિનું મૃત્યુ અત્યંત દુઃખદ છે.

ભારત તરફથી 19 કન્સાઇનમેન્ટ માનવીય સહાય અને વેપારની સ્થિતિ

ભારતે યુક્રેનને માનવીય સહાય આપવાનો સિલસિલો જાળવી રાખ્યો છે અને અત્યાર સુધીમાં 19 કન્સાઇનમેન્ટ માનવીય સામગ્રી મોકલી આપી છે. બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અંગે પણ ચર્ચા થઈ હતી. દવાઓ, ખાદ્ય અને કૃષિ ઉત્પાદનો, ખાતર, મશીનરી, રસાયણો અને કન્ઝ્યુમર ગુડ્સ ક્ષેત્રે બંને દેશો વચ્ચે વેપાર ચાલે છે. જોકે યુદ્ધ અને લોજિસ્ટિક્સની મુશ્કેલીઓને કારણે છેલ્લા 4 વર્ષમાં વેપાર પ્રભાવિત થયો છે, છતાં પરસ્પર વેપાર સંબંધોમાં મજબૂતી જોવા મળી છે અને અનેક નવી તકો પણ સામે આવી છે.