VIDEO : અમેરિકાના હુમલાથી ઈરાનમાં હાહાકાર : ‘શાહિદ ટર્મિનલ’ ધ્વસ્ત, ભારત-ચીનને લાગ્યો મોટો ફટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Strikes Iran : અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા નવા સૈન્ય હુમલાઓએ માત્ર મિડલ ઈસ્ટમાં જ તણાવ નથી વધાર્યો, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર સહિત ભારત અને ચીન જેવા અગ્રણી એશિયાઈ દેશોના રોકાણ અને હિતોને પણ મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ ઈરાનના ચાબહાર પોર્ટ પર કરેલા મિસાઈલ હુમલામાં ભારત સંચાલિત ‘શાહિત બેહેશ્તી’ પોર્ટ ટર્મિનલને મોટું નુકસાન પહોંચ્યું છે, જ્યાં ભારતે કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. બીજી તરફ, અમેરિકાએ ચીન અને ઈરાનને જોડતા એક વ્યૂહાત્મક રેલ્વે બ્રિજને પણ નિશાન બનાવ્યો છે, જે ચીન અને ઈરાન વચ્ચેના વેપારનો મુખ્ય માર્ગ છે.
અમેરિકી હુમલામાં ચાબહાર પોર્ટ તબાહ
મીડિયા અહેવાલો અનુસાર, ઈરાનના સરકારી બ્રોડકાસ્ટર ‘IRIB’ ના રિપોર્ટ મુજબ બુધવારે ચાબહારમાં આવેલા શાહિત બેહેશ્તી પોર્ટ પર અમેરિકાએ અનેક મિસાઈલો દાગી હતી, જેના કારણે ત્યાંનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત થઈ ગયું છે. આ હુમલામાં ચાબહારનો વેસલ ટ્રાફિક કંટ્રોલ ટાવર, કલંતરી પોર્ટ અને ઓમાનની ખાડીમાં આવેલા આ બંદર વિસ્તારનું વીજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. હુમલાને કારણે આ પોર્ટ સિટીના અડધા ભાગમાં વીજળી ગુલ થઈ ગઈ છે. શાહિત બેહેશ્તી ડૉક પર અનેક બોમ્બ પડવાને કારણે તેના માળખાને મોટું નુકસાન થયું છે, જો કે ઈરાને હજુ સુધી આ અંગે સત્તાવાર વિસ્તૃત વિગતો જાહેર નથી કરી.
ભારત માટે કેમ ચિંતાજનક છે આ હુમલો?
શાહિત બેહેશ્તી ટર્મિનલનું સંચાલન ભારત એક 10 વર્ષના કરાર હેઠળ કરી રહ્યું છે. આ બંદર ભારતને પાકિસ્તાનનો ઉપયોગ કર્યા વગર સીધા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવાની સુવિધા આપે છે. તે ‘ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર’ (INSTC) નો પણ અત્યંત મહત્વનો ભાગ છે. જો આ બંદર લાંબા સમય સુધી બંધ રહેશે, તો ભારતની પ્રાદેશિક કનેક્ટિવિટી અને વેપાર યોજનાઓ ખોરવાઈ શકે છે. રશિયન ન્યૂઝ એજન્સી ‘સ્પુતનિક’ ના જણાવ્યા અનુસાર, ભારતે આ ટર્મિનલના વિકાસ માટે 2015 માં એક MoU અને 2024માં 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ભારતે અત્યાર સુધીમાં 120 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016 માં આ પ્રોજેક્ટ માટે 500 મિલિયન ડોલરના કરાર કર્યા હતા. પીઆઈબી (PIB) ના અહેવાલ મુજબ, વર્ષ 2024 માં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ચાબહારના આ ટર્મિનલના વિકાસ માટે ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન સાથે અંતિમ કરાર કર્યો હતો.
ચીન-ઈરાન રેલ્વે બ્રિજ પણ તૂટ્યો
ચીન પણ આ હુમલાથી સીધું પ્રભાવિત થયું છે. ઈરાનની અર્ધ-સરકારી ‘ફાર્સ ન્યૂઝ એજન્સી’ ના રિપોર્ટ અનુસાર, અમેરિકાએ ઉત્તરી ઈરાનમાં ચીન અને રશિયાને જોડતા એક અત્યંત મહત્વના વ્યૂહાત્મક રેલ્વે પુલ પર ક્રૂઝ મિસાઈલ વડે હુમલો કર્યો છે. ગુરુવારે સવારે ઉત્તર-પૂર્વીય ગોલેસ્તાન પ્રાંતમાં આવેલા ‘ઓગટે ખાન’ (અક તઘે ખાન) રેલ્વે બ્રિજને નિશાન બનાવાયો હતો. આ પુલ ચીન, તુર્કમેનિસ્તાન અને ઈરાનને જોડતા રેલ્વે કોરિડોરનો મુખ્ય હિસ્સો છે. આ માર્ગ તેહરાન અને ઈરાનના સૌથી મોટા વેપારી ભાગીદાર ચીન વચ્ચે માલસામાનની હેરફેર માટે વપરાતો હતો. આ ઉપરાંત, ઈરાનના દરિયાઈ બંદરો પર અમેરિકી નાકાબંધી દરમિયાન રશિયા સુધી માલ મોકલવા માટે પણ આ જ ટ્રેન રૂટનો ઉપયોગ થતો હતો. ઈરાની એજન્સીઓના જણાવ્યા મુજબ, પુલના સમારકામનું કામ તાત્કાલિક શરૂ કરી દેવાયું છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે ઈરાને તેહરાન અને મશહદ વચ્ચેની પેસેન્જર ટ્રેન સેવાઓ રોકી દીધી છે. સ્થાનિક લોકોનો દાવો છે કે આ રેલ્વે લાઈનના એક હિસ્સા પર અમેરિકા અને ઈઝરાયેલે મળીને હુમલો કર્યો છે. ઈરાન રેલ્વેએ જણાવ્યું છે કે ફસાયેલા મુસાફરોને રોડ માર્ગે મશહદ મોકલવામાં આવી રહ્યા છે.
અમેરિકી હુમલા બાદ સ્થિતિ દર્શાવતો વિડીયો
‘પ્રત્યક્ષદર્શીઓ દ્વારા લેવામાં આવેલા વિડીયો ફૂટેજમાં ઈરાનના ઉત્તરી ગોલેસ્તાન પ્રાંતમાં રાત્રિ દરમિયાન થયેલા અમેરિકી હુમલા બાદ ‘અક તઘે ખાન’ (Aq Taqeh Khan) રેલ્વે બ્રિજને થયેલું ભારે નુકસાન સ્પષ્ટ જોઈ શકાય છે. આ પુલ તેહરાનને તેના વ્યૂહાત્મક ભાગીદારો, ચીન અને રશિયા સાથે જોડતી એક મહત્વપૂર્ણ વેપારી કડી છે.’
એરપોર્ટ પર હુમલો અને ફાયરફાઇટરનું મોત
‘ઈરાનની અર્ધ-સરકારી ન્યૂઝ એજન્સી ‘મેહર’ના રિપોર્ટ અનુસાર, ઈરાનશહર એરપોર્ટની નજીક ભીષણ આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેમાં સ્થાનિક અધિકારીએ એરપોર્ટની સુવિધાઓ પર હુમલો થયો હોવાની પુષ્ટિ કરી છે. સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે દક્ષિણ-પૂર્વીય શહેર ઈરાનશહરમાં આવેલા આ એરપોર્ટ પર થયેલી એરસ્ટ્રાઈકમાં અગ્નિશામક દળના એક જવાનનું મોત નીપજ્યું છે.’









