VIDEO : પેરિસમાં મહંત સ્વામી મહારાજનું આગમન, 6 સપ્ટેમ્બરે ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું થશે લોકાર્પણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BAPS Paris Mandir Mahotsav : ફ્રાન્સમાં સનાતન હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાયનો શુભારંભ થયો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું 29 ઓગસ્ટના રોજ ફ્રાન્સના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે આગમન થયું હતું. તેમની ઉપસ્થિતિમાં 6 સપ્ટેમ્બરના રોજ ફ્રાન્સના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું લોકાર્પણ થશે. આ ઐતિહાસિક ફેસ્ટિવલ ઓફ કલ્ચર (પેરિસ મંદિર મહોત્સવ) અંતર્ગત 2થી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે.
નવનિર્મિત મંદિર અને ‘સ્વામિનારાયણ નગર’ની મુલાકાત
પેરિસમાં મહંત સ્વામી મહારાજનું આગમન મંદિરના સંકલ્પથી લઈને તેના નિર્માણ સુધીની યાત્રાનું અનોખું સીમાચિહ્ન બન્યું છે. તેમણે નવનિર્મિત મંદિરનું પ્રથમ વખત અવલોકન કર્યું હતું. સાથે જ 10 એકરમાં પથરાયેલા મહોત્સવ પરિસર ‘સ્વામિનારાયણ નગર’ની પણ મુલાકાત લીધી હતી. મહોત્સવ દરમિયાન અપેક્ષિત હજારો મુલાકાતીઓના સ્વાગત માટે આ પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભક્તો અને સ્વયંસેવકોએ કર્યું ભવ્ય સ્વાગત
યુરોપ તથા વિશ્વભરમાંથી આવેલા સેંકડો ભક્તો અને સ્વયંસેવકો મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવા એકત્ર થયા હતા. મંદિર ખાતે યુરોપિયન મહાદ્વીપના વિવિધ ભાગોમાંથી આવેલા ભક્તોએ માર્ગની બંને બાજુ ઊભા રહી તેમનું સ્વાગત કર્યું હતું. પારંપરિક નૃત્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા સ્વાગત સમયે અનોખો આનંદમય અને ભક્તિમય માહોલ સર્જાયો હતો.
BAPS UK અને યુરોપ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા સ્વાગત
મંદિરે BAPS યુકે અને યુરોપ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના સભ્યો તેમજ BAPS પેરિસ મંદિરના નિર્માણ અને 13-દિવસીય મહોત્સવના આયોજનમાં સહયોગ આપનાર પ્રતિનિધિઓએ વિધિવત્ રીતે મહંત સ્વામી મહારાજનું સ્વાગત કર્યું હતું.
ઉપાસના, શિક્ષણ અને સંસ્કૃતિનું કેન્દ્ર બનશે મંદિર
આ મંદિર દીર્ઘકાલીન સંકલ્પ તથા હજારો ભક્તો, સ્વયંસેવકો અને સહયોગીઓના વર્ષોના સમર્પિત પ્રયાસોની પરિપૂર્ણતાનું પ્રતીક છે. ભારતમાં નિર્મિત અને ફ્રાન્સમાં એસેમ્બલ કરાયેલું આ મંદિર ઉપાસના, શિક્ષણ, સંસ્કૃતિ અને સેવાના સ્થાન તરીકે સાકાર થયું છે. મંદિર તમામ ધર્મો અને વિવિધ પૃષ્ઠભૂમિના લોકોનું સ્વાગત કરશે.
10,000થી વધુ મુલાકાતીઓ જોડાશે
આગામી દિવસોમાં ફેસ્ટિવલ ઓફ કલ્ચરના ઉપક્રમે શ્રદ્ધા, વારસો, સેવા અને બંધુત્વ પર કેન્દ્રિત ભક્તિમય, સાંસ્કૃતિક અને પારિવારિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વિશ્વભરમાંથી 10,000 કરતાં વધુ મુલાકાતીઓ જોડાશે.
5 સપ્ટેમ્બરે ભવ્ય નગરયાત્રા
મહોત્સવના મુખ્ય જાહેર આકર્ષણોમાં 5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી નગરયાત્રાનો સમાવેશ થાય છે. એફિલ ટાવરથી શરૂ થઈ મધ્ય પેરિસમાંથી પસાર થનારી આ ભવ્ય સાંસ્કૃતિક અને ભક્તિમય શોભાયાત્રામાં 5,000 કરતાં વધુ સહભાગીઓ અને કલાકારો જોડાશે. તેમાં પારંપરિક સંગીત અને નૃત્ય ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક મૂલ્યોને ઉજાગર કરતાં 14 સુશોભિત રથ સામેલ હશે.
3 સપ્ટેમ્બરે સેન નદી પર જલયાત્રા
આ ઉપરાંત 3 સપ્ટેમ્બરના રોજ વિશિષ્ટ જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 11 સુશોભિત નૌકાઓનો ભક્તિમય કાફલો સેન નદી પર હિન્દુ પરંપરા તથા ભારત-ફ્રાન્સ વચ્ચેની ચિરસ્થાયી મૈત્રીનું દર્શન કરાવશે.
મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો
મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અને તેમના અધ્યક્ષસ્થાને પેરિસ મંદિર મહોત્સવના અવસરે વિવિધ પારંપરિક વિધિઓ તથા અન્ય કાર્યક્રમો યોજાશે. તેમનું પેરિસમાં આગમન BAPS અને ફ્રાન્સમાં હિન્દુ ધર્મ માટે એક ઐતિહાસિક અધ્યાય તેમજ BAPS પેરિસ મંદિરને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થાન તરીકે સ્થાપિત કરવાના નવા યુગનો શુભારંભ છે.




