તિબેટમાં ફ્લડના વિડીયો-ફૂટેજ ગાયબ, પૂરના વિનાશની 'માહિતી' પર ચીનની સેન્સરશિપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નેપાળનો વિનાશ ચીનની વિનાશકારી ગફલતોનું પરિણામ !!
બેઈજિંગ/લ્હાસા : તિબેટ અને નેપાળ સરહદે બુધવારે આવેલા વિનાશક પૂરથી માત્ર નેપાળ જ નહીં તિબેટમાં પણ ભારે તારાજી સર્જાઈ છે. ચીન તિબેટમાં યુદ્ધના સ્તરે રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે. જોકે, ચીને તિબેટમાં પૂરના વિનાશ અંગેના અહેવાલો પર સેન્સરશિપ મૂકી દીધી છે, જેના કારણે છેલ્લા ચાર દિવસથી માત્ર નેપાળ-તિબેટ સરહદે ગ્યિરોંગ પોર્ટનો એક જ વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આ સિવાય તિબેટમાં વિનાશ દર્શાવતા તમામ વીડિયો અને ફૂટેજ ચીને તેના ઈન્ટરનેટ પરથી હટાવી દીધા છે. વિદેશી પત્રકારોને તિબેટમાં જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
નેપાળ અને તિબેટ સરહદે બુધવારે આવેલા ફ્લેશ ફ્લડની હોનારતમાં તિબેટમાં મૃત્યુઆંક વધીને સાત થયો છે જ્યારે ૫૫૪ લોકો હજુ પણ લાપતા છે તેમ તિબેટ ઈમર્જન્સી મેનેજમેન્ટ વિભાગે શનિવારે કહ્યું હતું. ચીનના અધિકારીઓનું કહેવું છે કે ગ્યિરોંગ પ્રાંતમાં ૫૫૫ પ્રવાસીઓ અને ૪૯૯ સ્થાનિક લોકો સહિત કુલ ૧,૦૦૦થી વધુને સલામત સ્થળે ખસેડાયા છે.
જોકે, ચીનમાં ઈન્ટરનેટ પર નેપાળ-તિબેટ દુર્ઘટના અંગે તિબેટના વીડિયો પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે પૂરથી તિબેટમાં થયેલા વિનાશના અહેવાલો પર સેન્સરશિપ મૂકી દેવાઈ છે. તિબેટમાં થયેલા વિનાશના વીડિયો અને ફૂટેજ ચીનના ઈન્ટરનેટ પરથી ગાયબ થઈ ગયા છે. ચીનમાં ઈન્ટરનેટ પર માત્ર સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનના જ ફૂટેજ જોવા મળી રહ્યા છે.
જોકે, ચીન માટે નેપાળ-તિબેટ સરહદે ગ્યિરોંગ પોર્ટના ક્રોસિંગનો વીડિયો અટકાવવા મુશ્કેલ રહ્યું છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે પાણીના તિવ્ર પ્રવાહમાં સેકંડોમાં જ સેંકડો માણસો તણાઈ ગયા છે. આમ છતાં ચીન માત્ર સાત લોકોના મોતના દાવા કરી રહ્યું છે. ગ્યિરોંગ પોર્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આખી દુનિયામાં ફેલાઈ ગયો પરંતુ ચીનના ઈન્ટરનેટ પર ક્યાંય જોવા મળતો નથી.
સોશિયલ મીડિયા પર સેન્સરશિપ મૂકવાની સાથે જિનપિંગ સરકારે તિબેટના લોકો અને પત્રકારો પર પણ સેન્સરશિપ મૂકી દીધી છે. તિબેટના કોઈપણ નાગરિકનો પૂરના વિનાશ અંગેનો કોઈ વીડિયો ચીન જ નહીં દુનિયાના ઈન્ટરનેટ પર ક્યાંય નથી. તિબેટમાં બચાવ અને રાહત કાર્યો ચીન બતાવી રહ્યું છે પરંતુ આ પૂરમાં માર્યા ગયેલા તિબેટીયનો અંગે ચીને ચૂપકિદી સેવી રાખી છે. ચીને વિદેશી પત્રકારોના તિબેટમાં જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. સ્થાનિક પત્રકારો પણ તિબેટીયનોને મળીને સાચી માહિતી જાણવાના બદલે માત્ર સરકારી રિપોર્ટના અહેવાલો આપે છે. નેપાળ-તિબેટ સરહદે બુધવારે હોનારત સર્જાઈ ત્યારે આખી દુનિયાના મીડિયામાં તેનું કવરેજ થયું હતું, પરંતુ ચીનના સરકારી બ્રોડકાસ્ટરે તેના મુખ્ય બુલેટિનની શરૂઆત જિનપિંગના નવા પુસ્તકના લોન્ચિંગ સાથે કરી હતી. આ પુસ્તક જિનપિંગના સૌથી મહત્વપૂર્ણ અને મૂળભૂત કામોના સંગ્રહ અંગે છે. ચીની મીડિયાનું કવરેજ તિબેટ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.




