World

VIDEO: નેપાળમાં પૂરથી ભારે તબાહી, ભારતીય દૂતાવાસે જાહેર કર્યો ઈમરજન્સી હેલ્પલાઇન નંબર

By GS Team
26 Aug 20263 mins read
TukuTouch Logo
નેપાળમાં ચીન સરહદ નજીક ઉત્તરીય વિસ્તારોમાં અચાનક આવેલા ભીષણ પૂરથી તારાજી સર્જાઈ છે. ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં જળસ્તર વધતા ગામો, બજારો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પાણીમાં ગરકાવ થયા છે. આ હોનારતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 105 ભારતીય નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો લાપતા છે. ભારતે બચાવ કામગીરી શરૂ કરી છે. વડાપ્રધાન મોદીએ નેપાળના પીએમ સાથે વાત કરી સહાયની ખાતરી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: નેપાળમાં પૂરથી ભારે તબાહી, ભારતીય દૂતાવાસે જાહેર કર્યો ઈમરજન્સી હેલ્પલાઇન નંબર

Nepal Flood : નેપાળમાં ચીન સરહદ નજીક આવેલા ઉત્તરીય વિસ્તારોમાં અચાનક આવેલા ભીષણ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં પાણીનું સ્તર ભયાનક રીતે વધતા ગામો, બજારો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ હોનારતમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 105 ભારતીય નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાના અહેવાલ છે. આપત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નેપાળ સાથે સંકલન સાધીને મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે.

ભોટેકોશી નદીમાં અચાનક પૂર આવતા ભારે વિનાશ

બુધવારે સવારે લગભગ 9 વાગ્યે તિબેટ તરફથી આવેલા ધસમસતા પાણીના પ્રવાહને પગલે રસુવા જિલ્લામાંથી વહેતી ભોટેકોશી નદી ગાંડીતૂર બની હતી. પૂરના પાણી મુખ્ય બજારો, હાઈડ્રોપાવર પ્રોજેક્ટ વિસ્તારો અને રહેણાંક વસાહતોમાં ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે. રસુવા ઉપરાંત નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવન જેવા નીચાણવાળા જિલ્લાઓમાં ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નુવાકોટ અને ત્રિશૂલી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ

ભોટેકોશીનું પૂર આગળ વધીને ત્રિશૂલી અને નારાયણી નદી સુધી પહોંચ્યું છે. નુવાકોટ જિલ્લામાં ત્રિશૂલી બજાર, ઢુંગે બજાર અને વેત્રાવતી બજાર જેવા વિસ્તારોમાં પાણી ફરી વળતાં મકાનો તણાઈ ગયા છે અને પરિવારો વિખૂટા પડી ગયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વેત્રાવતી બજાર સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે.

105 ભારતીય નાગરિકો ગુમ હોવાની આશંકા

નેપાળ ટુરીઝમ બોર્ડના અહેવાલો મુજબ, રસુવા વિસ્તારમાં આવેલા અચાનક પૂર બાદ વિદેશી નાગરિકો પૈકી આશરે 105 જેટલા ભારતીય પ્રવાસીઓ ગુમ થયા હોવાના અહેવાલ મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા દળો દ્વારા લાપતા લોકોની શોધખોળ માટે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ નેપાળના પીએમ સાથે કરી વાતચીત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ (Balendra Shah) સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂર દુર્ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત સંકટના આ સમયમાં નેપાળની પડખે ઊભું છે અને તમામ પ્રકારની માનવીય સહાય તથા રાહત સામગ્રી પૂરી પાડવા સંપૂર્ણપણે તૈયાર છે.

નેપાળ સરકારે બચાવ કામગીરી તેજ કરી

નેપાળના પીએમઓએ આપેલી માહિતી અનુસાર, વડાપ્રધાને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મેનેજમેન્ટની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ અસરગ્રસ્ત જિલ્લાના સાંસદો સાથે ચર્ચા કરી હતી. સેના અને પોલીસ દળોને કામે લગાવીને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.

ભારતીય દૂતાવાસ એલર્ટ પર, ઇમરજન્સી હેલ્પલાઇન જાહેર

કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય નેપાળ સરકારના સતત સંપર્કમાં છે, જેથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઝડપથી સુરક્ષિત બહાર લાવી શકાય. દૂતાવાસે ભારતીય નાગરિકોની માહિતી અને મદદ માટે બે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર +977 985 131 6807 અને +977 970 910 7500 જાહેર કર્યા છે.