World

VIDEO : પાકિસ્તાનમાં ચીન દ્વારા નિર્માણાધીન ડેમ તૂટ્યો: જળપ્રલય જેવી સ્થિતિ વચ્ચે ઈમરજન્સી જાહેર

By GS Team
9 Nov 20263 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ચીન નિર્મિત તારબેલા ડેમનો 5મો વિસ્તરણ પ્રોજેક્ટ (T-5) અચાનક ધરાશાયી થયો હતો. ટનલ ખોદકામ દરમિયાન નબળો ખડક તૂટતાં પાણીનો પ્રચંડ પ્રવાહ આસપાસ ધસી ગયો. સદનસીબે, 1 શ્રમિકને બચાવી લેવાયો અને કોઈ જાનહાનિ થઈ નથી. સિંધુ નદીમાં જળસ્તર વધતાં હાઈ એલર્ટ અપાયું છે. આ ઘટનાથી ચીની બાંધકામની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : પાકિસ્તાનમાં ચીન દ્વારા નિર્માણાધીન ડેમ તૂટ્યો: જળપ્રલય જેવી સ્થિતિ વચ્ચે ઈમરજન્સી જાહેર

Pakistan Dam Collapse : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સોમવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા વિશાળ તારબેલા ડેમ પ્રોજેક્ટનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે પાણીનો પ્રચંડ પ્રવાહ આસપાસના રહેણાંક વિસ્તારો તરફ ધસી ગયો હતો. આ ઘટના તારબેલા ડેમના 5માં વિસ્તરણ પ્રોજેક્ટ (T-5) નિર્માણ સ્થળે બની હતી, જ્યાં પહાડ અને ખડકનો મોટો હિસ્સો ધસી પડતાં હાહાકાર મચી ગયો હતો. પાકિસ્તાનની વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટી (WAPDA) દ્વારા આ દુર્ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું કામ ચીનની કંપની પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાઈના લિમિટેડ (PCCCL) કરી રહી હતી.

ટનલ ખોદકામ દરમિયાન દુર્ઘટના અને ઈમરજન્સી

ઓથોરિટીના જણાવ્યા મુજબ કનેક્ટિંગ ટનલના ખોદકામ દરમિયાન નબળો ખડક અચાનક તૂટી પડ્યો હતો. ખડક ધરાશાયી થતાં જ પાણીનો ધસમસતો પ્રવાહ સીધો ટનલ અને નિર્માણાધીન પાવર હાઉસના વિસ્તારમાં ઘૂસી ગયો હતો. પરિસ્થિતિ બેકાબૂ બનતાં જ સ્થળ પર તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી અને નિર્માણનું સમગ્ર કામકાજ તાબડતોબ અટકાવી દેવાયું હતું.

શ્રમિકોનું રેસ્ક્યુ અને સલામતી

દુર્ઘટના સર્જાઈ ત્યારે પાણીના ભારે વહેણમાં 1 શ્રમિક તણાઈ ગયો હોવાના અહેવાલ મળ્યા હતા, જેને બાદમાં રેસ્ક્યુ ટીમ દ્વારા હેમખેમ બચાવી લેવાયો હતો. મીડિયા અહેવાલો મુજબ સ્થળ પર કાર્યરત તમામ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેથી મોટી જાનહાનિ ટળી હતી.

સિંધુ નદીમાં જળસ્તર વધતાં હાઈ એલર્ટ

સ્વાબીના ડેપ્યુટી કમિશનર નસરૂલ્લાહ ખાનના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનિવાર્ય કારણોસર ડેમમાંથી વધારાનું પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતાં સિંધુ નદીમાં જળસ્તર અને પ્રવાહની ગતિ ખૂબ વધી જવાની સંભાવના છે. તંત્ર દ્વારા નાગરિકોને કડક ચેતવણી આપવામાં આવી છે કે સિંધુ નદીમાં સ્નાન કરવા, તરવા કે બોટ ચલાવવા જવાથી સંપૂર્ણપણે દૂર રહેવું.

ભાગદોડનો વીડિયો વાયરલ અને બાંધકામની ગુણવત્તા પર સવાલ

ડેમનો ભાગ ધરાશાયી થયા બાદ પાણીના વિકરાળ પ્રવાહ અને લોકોમાં મચેલી અફરાતફરીનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો જીવ બચાવવા આમતેમ ભાગતા જોવા મળે છે. પાકિસ્તાન મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સંપૂર્ણપણે ચીન પર નિર્ભર છે, ત્યારે ચીનની કંપનીઓના નબળા બાંધકામ અને ગુણવત્તાના અભાવને કારણે અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી હોવાનો રોષ પણ જોવા મળી રહ્યો છે.

પ્રોજેક્ટનું બજેટ 82 અબજથી વધીને 317 અબજ થયું

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની વીજ ઉત્પાદન ક્ષમતા 1530 MWની છે. આ અગાઉ જુલાઈ મહિનામાં પણ અહીં કોફરડેમ તૂટવાની ઘટના બની ચૂકી છે, જેમાં કોન્ટ્રાક્ટર અને સલાહકારો સામે સવાલો ઉઠ્યા હતા. વિલંબ અને ખામીઓને કારણે આ પ્રોજેક્ટનો ખર્ચ 82 અબજ રૂપિયાથી વધીને 317 અબજ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા ફંડિંગ આપવામાં આવી રહ્યું છે. કામ પૂરું થયા બાદ તારબેલા ડેમની કુલ ક્ષમતા 4,888 MWથી વધીને 6,418 MW થવાનો અંદાજ છે, જેને પૂર્ણ કરવા માટે હાલ જૂન 2028 નો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.