World

1430 લોકોના મોત વચ્ચે વેનેઝુએલામાં ફરી ભૂકંપ, 68 હજારથી વધુની હજુ કોઈ ભાળ મળી નથી

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
વેનેઝુએલામાં 25 જૂને આવેલા ભૂકંપના બે આંચકાથી ભારે તબાહી મચી છે. અત્યાર સુધીમાં 1430 લોકોના મોત અને 3360થી વધુ લોકો ઘાયલ થયા છે. 68,900 લોકો ગુમ છે, જ્યારે કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. રાજધાની કરાકાસ અને લા ગ્વાયરામાં સેંકડો ઇમારતો જમીનદોસ્ત થઈ છે. આંતરરાષ્ટ્રીય મદદ શરૂ થઈ છે, જેમાં અમેરિકાએ $150 મિલિયનની સહાય જાહેર કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

1430 લોકોના મોત વચ્ચે વેનેઝુએલામાં ફરી ભૂકંપ, 68 હજારથી વધુની હજુ કોઈ ભાળ મળી નથી
FILE PHOTO: Venezuela Earthquake Disaster Zone

Venezuela Earthquake 2026 Update: વેનેઝુએલામાં 25 જૂને ભૂકંપના બે આંચકા હજારો લોકોની જિંદગીને ભરખી ગયા છે. રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં આ ભૂકંપમાં 1430 લોકોના મોતના અહેવાલની પુષ્ટિ થઈ છે. જો કે આ આંકડો ઘણો મોટો હોઈ શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરિવારોએ આજે સવારે ઓછામાં ઓછા 68,900 લોકો ગુમ હોવાની માહિતી આપી છે. હજી પણ કાટમાળમાંથી મોટી સંખ્યામાં મૃતદેહો નીકળી રહ્યા છે. બીજી તરફ દેશના ઉત્તરીય તટ બાદ હજી પણ સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ખાનગી રિપોર્ટ મુજબ રાજધાની કરાકાસ અને મારાકેમાં પણ 4.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.

લા ગ્વાયરામાં કાટમાળ નીચે શોધખોળ ચાલુ
વેનેઝુએલાના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંના એક, લા ગ્વાયરામાં, પોતાના પ્રિયજનો અને પડોશીઓની શોધ કરી રહેલા લોકો પાવડા, ભારે મશીનો, દોરડા અને પોતાના હાથનો ઉપયોગ કરીને કોંક્રિટના ઢગલા હટાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ભૂકંપમાં 3360થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે 250ની આસપાસ લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.

20260626343.JPG

રાહત ટીમોની અછત વચ્ચે મુસાફરી ટાળવા અપીલ
વેનેઝુએલામાં રાહત ટીમોની અછતને કારણે લોકોએ જાતે જ કાટમાળ હટાવીને સંબંધીઓની શોધ કરવી પડી રહી છે. વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્ર પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે લોકોને લા ગુઆઇરા રાજ્યની મુસાફરી ટાળવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે આ સમય અત્યંત સંવેદનશીલ છે. વધુમાં વધુ લોકોના જીવ બચાવવાના છે. તેમણે કહ્યું કે પોલીસ, સિવિલ પ્રોટેક્શન અને ફાયર બ્રિગેડની ટીમો ઝડપથી મોકલવા માટે રસ્તાઓ ખાલી રાખવા જરૂરી છે.

20260626338.JPG

સેંકડો ઈમારતો જમીનદોસ્ત, જાન-માલને ભારે નુકસાન
સ્થાનિક રિપોર્ટ પ્રમાણે વેનેઝુએલાના ઉત્તરીય તટીય વિસ્તાર અને રાજધાની કરાકાસમાં ભૂકંપના કારણે સેંકડો ઇમારતો, અસંખ્ય હોસ્પિટલો અને શોપિંગ સેન્ટરો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે. આ સિવાય અન્ય લગભગ 1,000 માળખાકીય સ્થળોને ભારે નુકસાન થયું છે. સૌથી વધુ તબાહી કરાકાસની ઉત્તરે આવેલા લા ગુએરા વિસ્તારમાં થઈ છે, જ્યાં દેશનું મુખ્ય બંદર અને સિમોન બોલિવાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલું છે. લા ગુએરામાં અત્યાર સુધીમાં કાટમાળમાંથી 243 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

20260626344.JPG

આંતરરાષ્ટ્રીય મદદ શરૂ, અમેરિકા દ્વારા આર્થિક સહાય
આ આપત્તિ પછી વેનેઝુએલામાં આંતરરાષ્ટ્રીય રાહત અને બચાવ ટીમો પહોંચવા લાગી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના માનવતાવાદી બાબતોના વડા ટોમ ફ્લેચરે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા પાયે વૈશ્વિક સહાય અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. બ્રિટન, અમેરિકા, નેધરલેન્ડ, મેક્સિકો અને સ્વિટ્ઝર્લેન્ડે તેમની સર્ચ અને રેસ્ક્યુ ટીમો, પ્રશિક્ષિત શ્વાન દળ અને ડ્રોન મોકલ્યા છે. અમેરિકાએ આ સાથે જ યુદ્ધ જહાજ, પરિવહન વિમાન અને 15 કરોડ ડોલર (લગભગ 1,415 કરોડ 40 લાખ રૂપિયા)ની નાણાકીય સહાય આપવાની પણ જાહેરાત કરી છે. આંતરિક બાબતોના મંત્રી ડિઓસ્ડાડો કાબેલોના જણાવ્યા અનુસાર, ભૂકંપની સૌથી વધુ અસર કરાકાસના લોસ પાલોસ ગ્રાન્ડ્સ અને અલ્તામિરા વિસ્તારો ઉપરાંત લા ગુએરા, અરાગુઆ, કારાબોબો અને ફાલ્કન જેવા ઉત્તરીય તટીય રાજ્યો પર પડી છે.