ઉઝબેકિસ્તાન ભારતને યુરેનિયમ આપશે સંરક્ષણ અને એઆઈમાં સહયોગ વધારશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તાશ્કંદ: ભારત અને ઉઝબેકિસ્તાને રવિવારે સંરક્ષણ, એઆઈ, એનર્જી, ખાણ અને પ્રવાસન સહિત કેટલાક મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ૧૧ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ઉઝબેકિસ્તાને ભારતને યુરેનિયમ પૂરું પાડવા તૈયારી દર્શાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેક પ્રમુખ શૌકત મિર્ઝિયોયેવ વચ્ચે વાતચીત પછી બંને દેશોએ દ્વિપક્ષીય વેપાર ૨૦૩૦ સુધીમાં વાર્ષિક પાંચ અબજ ડોલર સુધી પહોંચાડવના લક્ષ્ય પર સહમતી વ્યક્ત કરી છે. આ સાથે ઉઝબેકિસ્તાને પીએમ મોદીને તેનું સર્વોચ્ચ સન્માન એનાયત કર્યું હતું.
ઉઝબેકિસ્તાનના પ્રમુખ શૌકત મિર્ઝિયોયેવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને ઉઝબેકિસ્તાને તેમના સંબંધોને વ્યાપક રણનીતિકના સ્તર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. બંને દેશ આ ભાગીદારી હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપાર વાર્ષિક પાંચ અબજ ડોલર સુધી લઈ જવા સહમત થયા છે. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વેપાર હાલ વાર્ષિક એક અબજ ડોલરથી વધુનો છે.
પીએમ મોદીએ કહ્યું કે, બંને દેશોની આકાંક્ષાઓ એક સમાન છે અને તેઓ વેપાર, ટેક્નોલોજી, સંરક્ષણ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય રણનીતિક ક્ષેત્રોમાં સહયોગનો વિસ્તાર કરશે. ઉઝબેકિસ્તાન મધ્ય એશિયાના કેન્દ્રમાં છે અને આ ક્ષેત્રની સાથે ભારતની ભાગીદારીના પણ કેન્દ્રમાં છે. ૨૦૨૬માં ભારત-ઉઝબેકિસ્તાનની રણનીતિક ભાગીદારીના ૧૫ વર્ષ પૂરા થશે. પીએમ મોદીએ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીનો ઉલ્લેખ કરતાં ત્રણ સિસ્ટર સિટી અને સિસ્ટર સ્ટેટ સમજૂતીને ઔપચારિકરૂપ આપ્યું હતું.
ઉઝબેકિસ્તાન ભારતને લાંબા ગાળા માટે યુરેનિયમનો પુરવઠો પૂરો પાડશે. સાથે બંને દેશ નાગરિક-પરમાણુ ઊર્જા સેક્ટરમાં સહકાર વધારવા સાથે તૈયાર છે.
બંને દેશની પ્રતિનિધિસ્તરની વાટાઘાટોમાં પીએમ મોદી અને શૌકત મિર્ઝિયેયોવેની ચર્ચા મુખ્યત્વે વેપાર, રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, દુર્લભ ખનીજો, ખાણ, સંરક્ષણ અને સુરક્ષા, કૃષિ, દવા, સ્વાસ્થ્ય, માહિતી અને ટેક્નોલોજી, યુપીઆઈ અને શિક્ષણ સહિત ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રો પર કેન્દ્રીત હતી.ઉઝબેકિસ્તાનના પ્રમુખ મિર્ઝિયોયેવે તેમના દેશનું સર્વોચ્ચ રાજકીય સન્માન 'ઓલી દારજાલી દોસ્તલિક' વડાપ્રધાન મોદીને એનાયત કર્યું હતું. આ સાથે વડાપ્રધાન મોદી ભારતમાં સત્તા પર આવ્યા પછી તેમને ૩૬મું આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે.




