US Slams Pakistan: અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારને લઈને પાકિસ્તાન ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેનું કારણ તેના વખાણ નહીં પણ આલોચના છે. અમેરિકન ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે અમેરિકા-ઈરાન કરાર(MoU)ની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં વિલંબનું એક કારણ પાકિસ્તાન અને કતારમાં પ્રેસની સ્વતંત્રતાનું સ્તર પણ હતું. તેમના આ નિવેદને પાકિસ્તાનની મીડિયા આઝાદી અને લોકતાંત્રિક વ્યવસ્થા પર નવા સવાલો ઊભા કર્યા છે.
પાકિસ્તાન અને કતારમાં પ્રેસની સ્વતંત્રતા પર સવાલો
એક પોડકાસ્ટમાં US ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે જણાવ્યું હતું કે અમેરિકા આ કરારનો સંપૂર્ણ ટેક્સ્ટ ટૂંક સમયમાં જાહેર કરવા માંગતું હતું, પરંતુ પાકિસ્તાન અને કતારની વ્યવસ્થામાં અમેરિકા જેવા પ્રેસની આઝાદીના નિયમો નથી. તેમણે કહ્યું કે ત્યાં એવી અપેક્ષા રાખવામાં આવતી નથી કે જનતા કોઈ કરારના દસ્તાવેજો વાંચે, તેની તપાસ કરે અને પોતે તેનું વિશ્લેષણ કરે.
અમેરિકાનો ફર્સ્ટ અમેન્ડમેન્ટ(પ્રથમ સુધારો) શું છે?
આ અંગે વાત કરતાં વેન્સે કહ્યું હતું કે અમેરિકન બંધારણનો પહેલો સુધારો નાગરિકોને અભિવ્યક્તિની આઝાદી, પ્રેસની સ્વતંત્રતા અને ધર્મની સ્વતંત્રતાની ગેરંટી આપે છે. પાકિસ્તાનમાં આ પ્રકારની બંધારણીય સુરક્ષા નથી, તેથી ત્યાં પારદર્શિતાનું સ્તર અલગ છે.
![]() |
કરારની વિગતો જાહેર કરવામાં વિલંબ પર વિવાદ
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 15 જૂનના રોજ અમેરિકા-ઈરાન વચગાળાના શાંતિ કરારની જાહેરાત કરી હતી, પરંતુ તેનો સંપૂર્ણ દસ્તાવેજ બે દિવસ પછી જાહેર કરવામાં આવ્યો હતો. આ વિલંબ પર ડેમોક્રેટ નેતાઓ અને ઘણાં નિષ્ણાતોએ સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક લોકોનું માનવું હતું કે ઈરાનને મોટી રાહતો આપવામાં આવી હોવાના કારણે કરારની વિગતો રોકી રાખવામાં આવી રહી છે.
પાકિસ્તાનમાં મીડિયાની આઝાદી અને વૈશ્વિક રેન્કિંગ
જેડી વેન્સની ટિપ્પણી બાદ પાકિસ્તાનમાં પ્રેસની આઝાદીનો મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં પાકિસ્તાન 180 દેશોમાં 153મા સ્થાને છે. પત્રકારો માટે પાકિસ્તાન લાંબા સમયથી પડકારજનક દેશોમાં ગણાય છે અને 2025માં પસાર કરાયેલા 27મા બંધારણીય સુધારા બાદ પ્રેસની સ્વતંત્રતાને લઈને ચિંતાઓ વધુ વધી ગઈ છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની કૂટનૈતિક નિષ્ફળતા
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યો હતો કે અમેરિકા-ઈરાન કરાર પર 19 જૂનના રોજ સ્વિટ્ઝર્લૅન્ડમાં સત્તાવાર હસ્તાક્ષર સમારોહ યોજાશે. જો કે, પાછળથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશકિયાને ડિજિટલ માધ્યમથી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી ઈરાનના વિદેશ મંત્રાલયે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડમાં કોઈ સમારોહ યોજાશે નહીં. ત્યારબાદ શાહબાઝ શરીફે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાંથી સ્વિટ્ઝર્લૅન્ડવાળો ભાગ હટાવી દીધો અને પોતાનો પ્રવાસ પણ રદ કરી દીધો હતો.
નવા કરારના મુખ્ય મુદ્દા અને ટ્રમ્પની સિદ્ધિ
પોડકાસ્ટમાં જેડી વેન્સે એ પણ ટાંક્યું કે 14 મુદ્દાના કરાર હેઠળ ઈરાન પોતાના સંવર્ધિત યુરેનિયમને ઓછું કરવા માટે સંમત થયું છે. તેના બદલામાં તેને આર્થિક રાહત મળશે. વેન્સે કહ્યું કે આ ટ્રમ્પ વહીવટીતંત્રની મોટી સિદ્ધિ છે કારણ કે ઓબામા સરકારના 2015ના કરારમાં ઈરાનને યુરેનિયમનો ભંડાર રાખવાની મંજૂરી હતી, જ્યારે નવા કરારમાં તેને ખતમ કરવાની વાત કહેવામાં આવી છે.



