Pakistan Defense Minister Khawaja Asif On Afghanistan-America War : પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના જ દેશની ફજેતી કરીને અમેરિકા પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે નેશનલ એસેમ્બલીમાં તાલિબાનનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જ્યારે અફઘાનિસ્તાનમાં બે યુદ્ધો થયા ત્યારે પાકિસ્તાને ઈસ્લામની રક્ષા કરવા માટે યુદ્ધમાં ભાગ લીધો ન હતો. તેમણે પાકિસ્તાની કરતૂતનો ભાંડો ફોડ્યો છે અને કહ્યું છે કે, અફઘાનિસ્તાન સાથેના યુદ્ધમાં પાકિસ્તાને પોતાના જ લોકોને જેહાદના નામે મોતના મુખમાં ધકેલી દીધા હતા, તેમ છતાં પાકિસ્તાને કંઈ શીખ્યું નહીં.
અમેરિકાએ અમારો ટૉયલેટ પેપરની જેમ ઉપયોગ કરીને ફેંકી દીધા : પાક. સંરક્ષણ મંત્રી
પાક. સંરક્ષણ મંત્રીએ પોતાના દેશની ખૂબ જ ખરાબ રીતે ફજેતી કરી છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકાએ અફઘાનિસ્તાનમાં બે વખત યુદ્ધ કર્યું અને બંને વખત પાકિસ્તાને અમેરિકાની મદદ કરી. પાકિસ્તાને અફઘાનિસ્તાન યુદ્ધોનું સમર્થન કરવા માટે પોતાના શૈક્ષણિક પાઠ્યક્રમમાં ફેરફાર કર્યા, જેમાં આજ સુધી સુધારો કરવામાં આવ્યો નથી. 1999 બાદ પાકિસ્તાનને અમેરિકાનું સમર્થન જોઈતું હતું, તેથી તે ફરી યુદ્ધમાં સામેલ થઈ ગયું, જેની અમે ભારે કિંમત ચુકવી છે. આ મામલે તેમણે પૂર્વ સેના પ્રમુખ જનરલ જિયા-ઉલ-હક અને જનરલ પરવેઝ મુશર્રફની ટીકા કરીને કહ્યું કે, ‘પાકિસ્તાનનો ઉપયોગ ટોયલેટ પેપર કરતા પણ બદતર ટિશ્યુ પેપરની જેમ કરવામાં આવ્યો અને પછી ફેંકી દેવામાં આવ્યું.’
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ચૂંટણી ટાણે ક્રૂરતા : હથિયારના ઘા ઝીંકી વધુ એક હિન્દુ વેપારીની હત્યા
‘પાકિસ્તાનની જૂની સરકારને અમેરિકાનો સહારો જોઈતો હતો’
તેમણે અગાઉના યુદ્ધોને યાદ કરીને કહ્યું કે, અફઘાનિસ્તાન યુદ્ધમાં અમેરિકાને મદદ કરવાના ખોટા નિર્ણયોના કારણે પાકિસ્તાનને બીજાના યુદ્ધોમાં એક મહોરા તરીકે સ્થાપિત કરી દીધું છે. તેમણે કહ્યું કે, ‘1980ના દાયકામાં અફઘાનિસ્તાનમાં રશિયા વિરુદ્ધ બળવો થયો અને તે અમેરિકાએ કરાવ્યું હતું. તે વખતે પાકિસ્તાની તત્કાલીક સરકારને અમેરિકાનો સહારો જોઈતો હતો, તેથી સરકારે બળવામાં પોતાના લોકોને સામેલ કર્યા હતા, જે એક મોટી ભૂલ હતી.’
‘અમેરિકાના કારણે પાકિસ્તાન તાલિબાનનું દુશ્મન બની ગયું’
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘તાલિબાનીઓએ રશિયા વિરુદ્ધ યુદ્ધની શરૂઆત કરી હતી, તેનું નામ જિહાદ રાખવામાં આવ્યું હતું. જોકે તે જિહાદ ન હતું, કારણ કે રશિયાએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ન હતો. આ યુદ્ધમાં સામેલ થવાનો પાકિસ્તાનનો નિર્ણય વ્યાજબી ન હતો, છતાં તેમાં સામેલ થયું હતું. 2001માં અમેરિકાને સાથ આપવા માટે પાકિસ્તાન તાલિબાન વિરુદ્ધ થઈ ગયું હતું. તેમાંથી (અમેરિકા) તે જતું રહ્યું, પરંતુ આપણે આજે પણ તેનું નુકસાન ભોગવી રહ્યા છે, તેની ભરપાઈ ક્યારે ન થઈ શકે.’


