- આ ખતરનાક મિસાઇલનું નામ છે મિનિટ-મેન III તે ICBM છે ગતિ કલાકના 15,000 માઇલ : વૉર-હેડમાં બીજા શસ્ત્રો ઘણાં નિશાન પાડી શકે છે
નવી દિલ્હી : એક તરફ ઇરાન યુદ્ધ તીવ્રતાએ પહોંચી રહ્યું છે ત્યારે અમેરિકાએ 'ડૂમ્સ-ડે' મિસાઇલનો પ્રયોગ કર્યો છે. આ ખતરનાક મિસાઇલનું નામ છે મિનિટ-મેન (III) તે ICBM (ઇન્ટર કોન્ટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ) છે તે યુ.એસ. એરફોર્સ ગ્લોબલ સ્ટ્રાઇક કમાન્ડ દ્વારા લૉન્ચ કરાયું છે. તેને વેડનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ કેલિફોર્નિયા ઉપરથી મંગળવારે રાત્રે આકાશમાં વહેતું મુકવામાં આવ્યું હતું. તેમાં બે રી-એન્ટ્રી વ્હીકલ્સ છે તેનો આ પ્રયોગ નિયમાનુસાર મૂલ્યાંકન કાર્યક્રમના ભાગરૂપે કરવામાં આવ્યો હતો તેમ પણ યુ.એસ. એરફોર્સે જણાવ્યું હતું. સાથે તેવી પણ 'સ્પષ્ટતા' કરવામાં આવી છે કે આ પ્રયોગને ઇરાન યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી.
તેનું સાંકેતિક નામ જી.ટી.-૨૫૫ રાખવામાં આવ્યું છે તે બહુવિધ ન્યુક્લિયર વૉર-હેડઝ પણ ધરાવે છે તે ૬૦૦૦ માઇલ દૂર રહેલા પાસિફિક મહાસાગર તથા 'માર્શલ આઇલેન્ડસ' પર ધાર્યા નિશાને પહોંચ્યું હતું.
આ અંગે લેફ્ટેનન્ટ કર્નલ કાર્ની-બ્રે જેઓ ૫૭૬th ફ્લાઇટ ટેસ્ટ સ્કવૉડ્રનના કમાન્ડર છે તેઓએ કહ્યું હતું કે, આ મિસાઇલ કેવા કેવા વિવિધ કાર્યો કરી શકે છે તે ચકાસવા આ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
અમેરિકાની પરમાણુ શસ્ત્ર સહિતની ભૂમિગત યુદ્ધ ક્ષમતા ચકાસવા માટે આ પ્રયોગ કરાયો છે.
મિનિટમેન- (III) તે અમેરિકાના પરમાણુ શસ્ત્ર ભંડાર પૈકીનું સૌથી પ્રબળ શસ્ત્ર છે તે કલાકના ૧૬,૦૦૦ માઇલની ઝડપે ૬૦૦૦ માઇલ સુધી બહુવિધ ન્યુક્લિયર વૉર હેડ્ઝ લઈ જઈ શકે તેમ છે.
આ મિસાઇલમાં રહેલા ન્યુક્લિયર વૉર હેડઝમાં જે પરમાણુ બૉમ્બ છે તે દ્વિતીય વિશ્વયુદ્ધમાં હીરોશીમા ઉપર ફેંકવામાં આવેલા એટમ બૉમ્બ કરતા ૨૦ ગણા વધુ શક્તિશાળી છે તે સોલિડ ફ્યુએલથી ગતિશિલ થાય છે અને અન્ડરગ્રાઉન્ડ સીલોઝમાંથી પણ છોડી શકાય તેવા છે તે મલ્ટીપલ ઇન્ડીપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ્સ દ્વારા વહેતું મુકાય છે એટલે કે તે એક સાથે ઘણાં નિશાન પાડી શકે છે.


