World

ભારતીય ગેંગસ્ટરો પર અમેરિકાની મોટી કાર્યવાહી, જગ્ગુ ભગવાનપુરિયા ગેંગનો સભ્ય મોસ્ટ વોન્ટેડ જાહેર

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકાએ ભારતીય ગેંગસ્ટરો સામે મોટી કાર્યવાહી કરી છે. FBIએ જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના નીતિશ કૌશલને 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં સામેલ કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રાઈમ સિન્ડિકેટનો સભ્ય નીતિશ હત્યા, અપહરણ, ડ્રગ્સ અને ખંડણી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે. FBIએ 'ઓપરેશન હાર્ડ બોલ' હેઠળ અમેરિકા, કેનેડા અને યુરોપમાં 37 આરોપીઓ સામે કેસ કરી, 24ની ધરપકડ કરી છે. આ ઓપરેશનનો હેતુ આંતરરાષ્ટ્રીય ગુનાહિત સિન્ડિકેટનો સફાયો કરવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય ગેંગસ્ટરો પર અમેરિકાની મોટી કાર્યવાહી, જગ્ગુ ભગવાનપુરિયા ગેંગનો સભ્ય મોસ્ટ વોન્ટેડ જાહેર

America's Major Action Against Indian Gangsters: ભારતીય ગેંગસ્ટરો પર અમેરિકાએ મોટી કાર્યવાહી કરી છે. અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) એ ભારતના કુખ્યાત ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર નીતિશ કૌશલને પોતાની 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં સામેલ કર્યો છે. FBIના જણાવ્યા પ્રમાણે નીતિશ કૌશલ એક ઈન્ટરનેશનલ ક્રાઈમ સિન્ડિકેટનો એક્ટિવ મેમ્બર છે, જે હત્યા, અપહરણ, ડ્રગ્સની તસ્કરી, ખંડણી, હથિયારોની હેરાફેરી, મની લોન્ડરિંગ અને માનવ તસ્કરી જેવા ગંભીર ગુનાઓમાં કથિત રીતે સંડોવાયેલો છે.

FBIએ નીતિશ કૌશલ પર લગાવ્યા ગંભીર આરોપ

FBIએ પોતાના નિવેદનમાં કહ્યું કે, જગ્ગુ ભગવાનપુરિયા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગ્રુપ (Bhagwanpuria OCG) ની શરૂઆત પંજાબથી થઈ હતી, પરંતુ તેનું નેટવર્ક અમેરિકાના કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સહિત અનેક દેશો સુધી ફેલાયેલું છે. અમેરિકી તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે, નીતિશ કૌશલે આ ગેંગ વતી અપહરણ, હુમલા અને અન્ય હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો. FBIએ જણાવ્યું કે, 25 જૂન 2026ના રોજ લોસ એન્જલસ સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાએ નીતિશ કૌશલ વિરુદ્ધ રેકેટિયર ઈન્ફ્લુએન્સડ એન્ડ કરપ્ટ ઓર્ગેનાઈઝેશન્સ (RICO) કાવતરાના આરોપ હેઠળ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું.

ઓપરેશન હાર્ડ બોલ

તમને જણાવી દઈએ કે, FBIએ થોડા દિવસો પહેલા જ 'ઓપરેશન હાર્ડ બોલ' (Operation Hard Ball) હેઠળ અમેરિકા, કેનેડા અને યુરોપમાં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગ વિરુદ્ધ મોટા પાયે દરોડા પાડ્યા હતા. હવે નીતિશ કૌશલને 'મોસ્ટ વોન્ટેડ' યાદીમાં સામેલ કરવાના આ નિર્ણયને આ આંતરરાષ્ટ્રીય કાર્યવાહીનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ વિરુદ્ધ પણ અમેરિકાના ન્યાય વિભાગ, તેની ફેડરલ તપાસ એજન્સી FBI, કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અને યુરોપની કેટલીય એજન્સીઓએ સંયુક્ત રીતે 'ઓપરેશન હાર્ડ બોલ' (Operation Hard Ball) શરૂ કર્યું છે.

ઓપરેશનનો મુખ્ય હેતુ ઈન્ટરનેશનલ ક્રાઈમ સિન્ડિકેટનો સફાયો

અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ અભિયાન અંતર્ગત 37 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે 24 આરોપીઓની અમેરિકા, કેનેડા અને યુરોપમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેમના ૫૦થી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ ઠેકાણાઓ પરથી લગભગ 1000 કિલોગ્રામ કોકેન, હેરોઈન, હથિયારો અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. અમેરિકી ન્યાય વિભાગે કહ્યું કે, આ ઓપરેશનનો મુખ્ય હેતુ એવા ઈન્ટરનેશનલ ક્રાઈમ સિન્ડિકેટનો સફાયો કરવાનો છે જેઓ ભારતમાંથી સંચાલિત થઈને અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાં હત્યા, ખંડણી, ડ્રગ્સની તસ્કરી, હથિયારોની સપ્લાય, અપહરણ અને મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા.