VIDEO : રહેણાંક વિસ્તારની જમીન નીચે 16 કિમી લાંબી હમાસની ‘ટેરર ફેક્ટરી’, ઈઝરાયલે કરી સીલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hamas Terror Factory Rafah : ઈઝરાયલી સેનાએ દક્ષિણ ગાઝાના રાફાહ વિસ્તારમાં હમાસના એક વિશાળ અંડરગ્રાઉન્ડ સુરંગ નેટવર્કને કાયમ માટે ધ્વસ્ત કરી દીધું છે. ‘વ્હાઈટ સ્પેરો’ નામના આ સુરંગ નેટવર્કને નષ્ટ કરવા માટે ઈઝરાયલે 3 મહિના સુધી ઓપરેશન ચલાવ્યું હતું. તેમાં 16 કિલોમીટરથી વધુ લાંબી સુરંગમાં 30,000 ઘન મીટરથી વધુ કંક્રીટ ભરીને તેને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે.
સુરંગની અંદર 80 રૂમ અને કમાન્ડ સેન્ટર
આ સુરંગ જમીનથી અંદાજે 25 મીટર ઊંડી હતી અને તે ફિલાડેલ્ફી કોરિડોર નજીક આવેલી હતી. સુરંગની અંદર આશરે 80 રૂમ બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ હમાસના કમાન્ડ સેન્ટર, આતંકીઓના રહેઠાણ અને સૈન્ય પ્રવૃત્તિઓ માટે થતો હતો. વર્ષ 2014ના યુદ્ધમાં શહીદ થયેલા ઈઝરાયલી લેફ્ટનન્ટ હદાર ગોલ્ડિનના અવશેષોને પણ હમાસના આતંકીઓએ 10 વર્ષથી વધુ સમય સુધી આ જ સુરંગમાં છુપાવી રાખ્યા હતા.
ઈઝરાયલી સેનાનું સંયુક્ત ઓપરેશન
આ જટિલ ઓપરેશનને ઈઝરાયલી આર્મીની સાઉધર્ન કમાન્ડ, યાહલોમ કોમ્બેટ એન્જિનિયરિંગ યુનિટ અને નેવલ કમાન્ડોની ટીમોએ સાથે મળીને પૂરું કર્યું છે. સેનાએ સુરંગનો એન્ટ્રી પોઈન્ટ શોધી કાઢ્યા બાદ ભારે મશીનરી અને કંક્રીટ મિક્સર ટ્રકો દ્વારા હજારો ઘન મીટર સીમેન્ટ અંદર પંપ કરીને સુરંગને હંમેશા માટે નકામી બનાવી દીધી હતી.
UN ઓફિસની નીચે સુરંગ !
હમાસની આ સુરંગ સામાન્ય નાગરિકોના રહેણાંક વિસ્તારો, મસ્જિદો, બાળમંદિરો, ક્લિનિકો, શાળા અને યુએન (UN) ઓફિસની બરાબર નીચેથી પસાર થતી હતી. હમાસ જાણીજોઈને રહેણાંક વિસ્તારોની નીચે આવી સુરંગો બનાવે છે જેથી ઈઝરાયલના હમલા સમયે સામાન્ય નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી શકાય.
હમાસનું મજબૂત અંડરગ્રાઉન્ડ નેટવર્ક
હમાસનું આ ટનલ એન્જિનિયરિંગ ખૂબ જ આધુનિક હતું. આ સુરંગોની દિવાલો અને છત ભારે બોમ્બમારો સહન કરી શકે તેવા મજબૂત કંક્રીટ પેનલથી બનેલી હતી. સુરંગો એટલી પહોળી હતી કે કેટલીક જગ્યાએથી વાહનો પણ પસાર થઈ શકતા હતા. તેની અંદર હથિયારોનો ભંડાર, વેન્ટિલેશન, વીજળી, સંચાર અને પાણીની પૂરી વ્યવસ્થા હતી. ઈઝરાયલના મતે, હમાસે હથિયારોની હેરાફેરી કરવા અને બંધકોને છુપાવવા માટે ગાઝામાં આવા સેંકડો કિલોમીટર લાંબા સુરંગોના નેટવર્ક બનાવ્યા છે, જેને હવે કાયમી ધોરણે નષ્ટ કરવામાં આવી રહ્યા છે.









