અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક

ખામેનેઈની અંતિમ વિદાય પૂર્ણ : ઇરાનનો સફાયો કરવાની ટ્રમ્પની ઇચ્છા અધૂરી !
અમેરિકાના હુમલામાં 14નાં મોત થતાં ઇરાનનો પણ કુવૈત અને બહેરીનમાં એટેક: સતત સાઇરનો વાગી
ઇરાન તરફથી યુદ્ધવિરામ કરવા માટે આજીજી કરતો ફોન આવ્યાનો અમેરિકન પ્રમુખનો દાવો
તહેરાન : ખાડી યુદ્ધ ફરીથી શરુ થઈ ગયુ લાગે છે. તેના લીધે મધ્યપૂર્વ ફરીથી ભડકે બળવા લાગે તેના સંકેત મળ્યા લાગે છે. અમેરિકાએ ચાબહાર પોર્ટ સહિત ૯૦થી પણ વધુ સ્થળોએ એરસ્ટ્રાઇક કરતાં ૧૪ના મોત થયા છે અને ૭૮ ઘાયલ થયા છે. અમેરિકાનું કહેવું છે કે ઇરાને હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર હુમલા કર્યા તેના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા છે.
ઇરાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકાના હુમલામાં માર્યા ગયેલાઓમાં મુખ્યત્વે ઇરાની લશ્કરીના જ કર્મચારીઓ છે. તેમા ત્રણ કમાન્ડો છે. તેઓ મુખ્યત્વે ખામેનાઇની દફનવિધિની તૈયારી કરી રહ્યા હતા. અહીં મહત્ત્વની વાત એ છે કે અમેરિકાએ ઇરાનના મશહદ શહેર નજીક હુમલો કર્યો છે. આ એ જ શહેર છે જ્યાં ઇરાનના સર્વોચ્ચ નેતા ખામનેઈના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ખામેનેઈને મૃત્યુના ૧૩૧ દિવસ પછી દફનાવવામાં આવી રહ્યા છે.
અમેરિકાએ તેના હુમલામાં તહેરાન-મશહદ રેલ્વે લાઇનને હિસ્સો બનાવી. ઇરાનના સરકારી ટીવીના રિપોર્ટ મુજબ ઇરાનના પૂર્વી પવિત્ર શહેરમાં દિવંગત સર્વોચ્ચ નેતા ખામેનેઈને દફનાવ્યાના કેટલાક કલાક પહેલા અમેરિકન હુમલાના પગલે તેહરાન અને મશહદ વચ્ચેની રેલ્વે સેવા રોકી દેવામાં આવી છે. આ ટ્રેન સર્વિસ શરુ કરવા રેલ્વે એન્જિનીયર કામે લાગી ગયા છે. અમેરિકા-ઇરાન વચ્ચે વધેલી તંગદિલી વચ્ચે ખામેનેઈની અંતિમવિધિ પૂરી કરવામાં આવી છે.
ઇરાને રેલ્વે રુટ પર થયેલા હુમલા માટે અમેરિકા-ઇઝરાયેલના હુમલાને જવાબદાર ઠેરવ્યો છે. આ હુમલાના લીધે ફસાઈ ગયેલા પ્રવાસીઓ માટે માર્ગ પરિવહનની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમેરિકાના હુમલાના લીધે તેહરાન-મશહદ પેસેન્જર ટ્રેન સર્વિસ રોકાઈ ગઈ છે. તેહરાન-મશહદ રુટ ઇરાનના સૌથી મહત્ત્વના અને અત્યંત વ્યસ્ત રેલવે લિંકમાં એક છે. આ રુટ પર દર વર્ષે લાખો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. મશહદ પર આ હુમલો ત્યારે થયો જ્યારે લાખો ઇરાની ખામેનેઈના અંતિમ સંસ્કારમાં અને દફનની વિધિમાં હાજરી આપવા ઇરાના પવિત્ર શહેરમાં આવ્યા હતા. મશહદ શહેરના બંને રેલ્વે પુલોને અમેરિકાએ ઉડાવી દીધા છે. તેના લીધે તેહરાન-મશહદ પેસેન્જર ટ્રેન સર્વિસ કામચલાઉ ધોરણે બંધ થઈ ગઈ છે. આ હુમલો ક્રૂઝ મિસાઇલ વડે કરવામાં આવ્યો હતો.
આ સિવાય ઇરાનના પોર્ટ સિટી બંદર અબ્બાસ પર પણ વિસ્ફોટોનો અવાજ સંભળાયો છે. આ હુમલો સવારના હુમલાથી અલગ છે. અમેરિકાએ ઇરાન પર નવા હવાઈ હુમલા શરૂ કર્યા તો તેહરાને તેનો જવાબ અમેરિકાના સહયોગી ખાડી દેશોને નિશાન બનાવીને આપ્યો. અમેરિકાએ ઇરાન પર હુમલા શરૂ કર્યા તો ઇરાને તેનો જવાબ અમેરિકાના સહયોગી દેશો પર હુમલા કરીને આપ્યો.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇરાન અમેરિકા સાથે યુદ્ધવિરામ કરવા રઘવાયું થયું છે. ઇરાન તરફથી થોડા સમય પહેલા ફોન આવ્યો હતો. તે ડીલ કરવા માટે રીતસર આજીજી કરી રહ્યા છે. મને ખબર નથી કે તેઓ આને લાયક છે કે નહીં. મને તે પણ ખબર નથી કે તેઓ આ ડીલનું પાલન કરશે કે નહીં. તેમની સાથે સમસ્યા છે. તમને ત્યાં અનેક સત્તા કેન્દ્રો લાગે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન એક હુમલો કરશે તો અમે ૨૦ હુમલા કરીશું.
અમેરિકાએ ઇરાનના બુશહર શહેર પર પણ હુમલો કર્યો છે. સ્થાનિક અધિકારીના જણાવ્યા મુજબ અમેરિકાએ ઇરાનના બુશહર પાવર પ્લાન્ટ પાસે હુમલો કર્યો છે. આ હુમલો બપોરના સમયે થયો. આ હુમલો બપોરે થયો. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ઇરાન પર હુમલા બંધ કર્યા છે તેના કલાકો પછી આ હુમલો થયો હતો. આ પ્લાન્ટની આસપાસ ઘણા હુમલા થયા છે, પરંતુ આ પ્લાન્ટ પર કોઈ હુમલો થયો નથી. આ પ્લાન્ટનું સંચાલન રશિયન ટેકનિશિયનો કરી રહ્યા છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો શિપિંગ પર ફરીથી હુમલા થયા તો તમનું લશ્કર ચૂપ નહીં રહે, ચોક્કસ જવાબ આપશે.
અમેરિકા-ઇરાન વચ્ચેનો સીઝ ફાયર સીઝ થઇ ગયો છે. બંને દેશો બીજા દિવસે પણ એક બીજા ઉપર હુમલા કરી રહ્યા છે. ટ્રમ્પે એક દિવસ પહેલા જ કહી દીધું છે કે, હું સ્પષ્ટ માનું છું કે સીઝ ફાયર ખતમ થઇ ગયો છે. તેથી જુલાઈ ૮-૯ની રાત્રિઓ અમેરિકી સેના ફરી જોરદાર હુમલા શરૂ કરશે.બન્યું પણ તેમજ છે.
અમેરિકી સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે તેણે હોર્મુઝ ખુલ્લું રાખવા માટે ફરી હુમલા શરૂ કર્યા છે. આ પછી ઇરાને તેનો બદલો લેવા કુવૈત તથા બહેરિનમાં રહેલા અમેરિકી સેના મથકો ઉપર જોરદાર હુમલા શરૂ કર્યા છે.
અમેરિકાએ સતત બીજા દિવસે પણ હુમલા ચાલુ રાખી, ઉપર ઇરાનમાં એક મોટો રેલવે બ્રીજ ઉડાવી દીધો છે. બ્રીજ ઉપરથી જ ઇરાની સેનાને પૂરવઠો પુરો પાડવામાં આવતો હતો.
તુર્કીમાં મળેલા નાટો સંમેલન પછી પાછા વળતા એરફોર્સ-૧ માં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે ફરી એકવાર પોતાની વાત કહી : 'અમે તેમની ઉપર ખૂબ જ જોરદાર હુમલા કર્યા હતા. મારૃં કહેવું છે કે અમે ૨૦:૧નો નિયમ રાખ્યો છે. એટલે કે તેમના એક હુમલા સામે ૨૦ હુમલા થશે. અમે ગઇકાલે રાત્રે તેમજ કર્યું હતું. તેમણે જે થોડી ઘણી હરકતો કરી જે આજે સવારે કરવામાં આવી હતી. તે અસલમાં ગઇકાલે રાત્રે તેમની ઉપર કરેલા હુમલાના બદલા સમાન હતી.
દરમિયાન કુવૈતી સેનાએ કહ્યું કે તેમની એર-ડીફેન્સ સિસ્ટમ દુશ્મનના મિસાઇલ ડ્રોન હુમલાઓને રોકી રહી છે. કુવૈતી સેનાએ ઠ પોષ્ટ પર લખ્યું : સેનાના જનરલ સ્ટાફનું કહેવું છે કે જે ધડાકા સંભળાય છે તે એક ડીફેન્સ સિસ્ટમ દુશ્મનના હુમલાને રોકવા કરવામાં આવતા સામા હુમલા છે.
જો કે કુવૈત તથા બહેરિનમાં દિવસ-રાત વારંવાર સાયરનો વાગ્યા કરે છે.




