World

Explainer: અમેરિકાને ‘નબળો પડતો દેશ’ ગણાવીને ‘થુસીડાઈડ્સ ટ્રેપ’માં નહીં આવવાની જિનપિંગની ચેતવણી, જાણો શું છે આ સ્થિતિ

By GS Team
15 May 20263 mins read
TukuTouch Logo
વૈશ્વિક રાજકારણની બે મહાસત્તા અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો હંમેશાં ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. હાલ બેજિંગમાં ચાલી રહેલી સમિટમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની વાતચીતે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ચર્ચા જગાડી છે. અમેરિકાના ભવિષ્ય અને તેની તાકાતને લઈને બંને નેતા વચ્ચે એક અનોખી વૈચારિક ટક્કર જોવા મળી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: અમેરિકાને ‘નબળો પડતો દેશ’ ગણાવીને ‘થુસીડાઈડ્સ ટ્રેપ’માં નહીં આવવાની જિનપિંગની ચેતવણી, જાણો શું છે આ સ્થિતિ

Thucydides Trap: વૈશ્વિક રાજકારણની બે મહાસત્તા અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો હંમેશાં ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. હાલ બેજિંગમાં ચાલી રહેલી સમિટમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની વાતચીતે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ચર્ચા જગાડી છે. અમેરિકાના ભવિષ્ય અને તેની તાકાતને લઈને બંને નેતા વચ્ચે એક અનોખી વૈચારિક ટક્કર જોવા મળી રહી છે.

અમેરિકા 'નબળું પડતું ‘રાષ્ટ્ર' કે 'વિશ્વનો સૌથી પ્રભાવશાળી દેશ'?

ચીનની મુલાકાતે ગયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક લાંબી પોસ્ટ મૂકીને ચીનના પ્રમુખ જિનપિંગની એક ટિપ્પણીનો જવાબ આપ્યો છે. ભૂતકાળમાં જિનપિંગે અમેરિકાને નબળા પડી રહેલા રાષ્ટ્ર (Declining Nation) તરીકે ઓળખાવ્યું હતું, જેના પર ટ્રમ્પે જવાબ આપ્યો છે કે, ‘જિનપિંગે જે અમેરિકાના પતન વિશે વાત કરી હતી, એ જો બાઇડેનના શાસનકાળના 4 વર્ષ માટે હતું. બાઇડેન વહીવટ દરમિયાન અમેરિકાએ જે આર્થિક અને લશ્કરી નુકસાન સહન કર્યું, તેના કારણે તે સમયે અમેરિકા ખરેખર નબળું દેખાતું હતું.’  આ વાત કરીને ટ્રમ્પે દાવો કર્યો કે ‘મારા છેલ્લા 16 મહિનાના શાસનકાળમાં અમેરિકાએ ‘અવિશ્વસનીય ઉદય’ કર્યો છે. શેરબજારના રેકોર્ડ સ્તર, મજબૂત રોજગાર અને વધતી જતી લશ્કરી તાકાતને કારણે આજે યુનાઇટેડ સ્ટેટ્સ ફરીથી વિશ્વનું સૌથી પ્રભાવશાળી રાષ્ટ્ર બન્યું છે.’

શું છે 'થુસીડાઈડ્સ ટ્રેપ'?

આ સમિટના પહેલા જ દિવસે જિનપિંગે અમેરિકા અને ચીનને 'થુસીડાઈડ્સ ટ્રેપ' (Thucydides Trap)માં પડવા સામે ચેતવણી આપી હતી. આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સંબંધોને આધારે સમજીએ. 

'થુસીડાઈડ્સ ટ્રેપ' એક એવો સિદ્ધાંત છે જે સૂચવે છે કે જ્યારે કોઈ સ્થાપિત શક્તિ (જેમ કે હાલ અમેરિકા) અને ઉભરતી શક્તિ (જેમ કે ચીન) સામસામે આવે છે, ત્યારે યુદ્ધ અનિવાર્ય બની જાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગ્રેહામ એલિસને આ નામ પ્રાચીન ગ્રીક ઇતિહાસકાર થુસીડાઈડ્સ પરથી આપ્યું છે. થુસીડાઈડ્સે નોંધ્યું હતું કે એથેન્સના ઉદયને કારણે સ્પાર્ટામાં પેદા થયેલા ભયે બંને વચ્ચે યુદ્ધ કરાવ્યું હતું. આજે ચીન પણ એ જ સવાલ પૂછી રહ્યું છે કે શું દુનિયા આ જૂના ઈતિહાસને બદલીને સહઅસ્તિત્વનો નવો માર્ગ શોધી શકશે?

એક સદીમાં ન જોવા મળ્યા હોય એવા ફેરફારો  

જિનપિંગ 'એક સદીમાં જોવા ના મળ્યા હોય એવા મોટા ફેરફારો' શબ્દોનો પ્રયોગ વારંવાર કરે છે. આ શબ્દો વૈશ્વિક સત્તાના સંતુલનમાં આવી રહેલા પરિવર્તનને દર્શાવે છે, જે મુખ્યત્વે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાના નેતૃત્વમાં બનેલી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના સંભવિત અંત તરફ નિર્દેશ કરે છે. ચીન માને છે કે પશ્ચિમી દેશોનું વર્ચસ્વ હવે ઘટતું જાય છે અને એશિયાઈ શક્તિઓનો ઉદય થઈ રહ્યો છે, જેના કારણે દુનિયા હવે એકધ્રુવીય મટીને બહુધ્રુવીય બની રહી છે. આ ગંભીર ભૌગોલિક-રાજકીય સંકેતો વચ્ચે, ટ્રમ્પ આ વિષયને પોતાની આગવી રીતે રજૂ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે આ સમિટ દરમિયાન જિનપિંગે પોતે અમેરિકાની તાજેતરની આર્થિક અને લશ્કરી સફળતા બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે, જે દર્શાવે છે કે એક તરફ વૈશ્વિક વ્યવસ્થા બદલાઈ રહી છે તો બીજી તરફ બંને નેતાઓ પોતપોતાની રીતે સર્વોપરિતા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

ટ્રમ્પ આશા પણ વ્યક્ત કરી ચૂક્યા છે 

ટ્રમ્પે આ પોસ્ટમાં આશા વ્યક્ત કરી છે કે ભલે બંને દેશ વચ્ચે સ્પર્ધા હોય, પરંતુ આવનારા સમયમાં વોશિંગ્ટન અને બેજિંગ વચ્ચેના સંબંધો પહેલાં કરતા વધુ મજબૂત અને સારા બનશે. હવે જોવાનું એ રહે છે કે આ બે મહાસત્તા 'થુસીડાઈડ્સ ટ્રેપ'માંથી બચીને વિશ્વશાંતિ માટે કેવું ઉદાહરણ પૂરું પાડે છે.