Get The App

ટ્રમ્પ સરકારનો યુ-ટર્ન, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ સરકારનો યુ-ટર્ન, ભારત માટે ગુડ ન્યૂઝ, રશિયાના ઓઈલની ખરીદી પર 16મે સુધી છૂટ 1 - image


Trump Administration Extends Russian Oil Import Waiver : વૈશ્વિક ઓઇલ બજારમાં વધતા ભાવ અને ઈરાન સાથેના તણાવ વચ્ચે અમેરિકાએ એક મોટો અને આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને રશિયન ઓઇલની ખરીદી પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં ફરી એકવાર કામચલાઉ છૂટ આપી દીધી છે. નોંધનીય છે કે માત્ર બે દિવસ પહેલા જ અમેરિકાના ટ્રેઝરી વિભાગે આ છૂટ લંબાવવાની ના પાડી દીધી હતી, પરંતુ બદલાતા સંજોગોમાં અમેરિકાએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે.

16 મે સુધી મળી રાહત

અમેરિકાના ટ્રેઝરી વિભાગના નવા નોટિફિકેશન મુજબ, હવે દેશો 16 મે, 2026 સુધી રશિયન ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી કરી શકશે. અગાઉ આ છૂટ 11 એપ્રિલે પૂરી થઈ ગઈ હતી. આ નવા નિર્ણયથી સમુદ્રમાં લોડ થયેલા રશિયન ઓઇલના જથ્થા પર એક મહિના સુધી કોઈ અમેરિકાના પ્રતિબંધ લાગુ થશે નહીં.

કેમ લેવો પડ્યો આ નિર્ણય?

આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલો તણાવ છે. દુનિયાના 20% ઓઇલ અને ગેસનો પુરવઠો આ રૂટ પરથી પસાર થાય છે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે આ સપ્લાય લાઈન પર જોખમ ઉભું થતા ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા હતા. અમેરિકામાં મોંઘવારી ન વધે અને બજારમાં ઓઇલનો પુરવઠો જળવાઈ રહે તે હેતુથી ટ્રમ્પ પ્રશાસને રશિયા પ્રત્યે નરમાઈ બતાવી છે. રશિયાના મતે, આ છૂટથી દરરોજ લગભગ 100 મિલિયન બેરલ ઓઇલ બજારમાં આવશે, જે વૈશ્વિક જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થશે.

વૈશ્વિક બજારમાં ભાવ ઘટ્યા, પણ સાથી દેશોમાં રોષ

અમેરિકાના આ એલાનની સાથે જ ઓઇલ બજારમાં રાહત જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 9% ઘટીને 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ છે. જોકે, અમેરિકાના આ પગલાથી યુરોપિયન યુનિયન સહિતના સાથી દેશોમાં નારાજગી જોવા મળી શકે છે. યુરોપિયન નેતાઓનું માનવું છે કે રશિયા પર આ સમયે ઢીલ આપવાથી યુક્રેન યુદ્ધ વિરુદ્ધની પશ્ચિમી દેશોની વ્યૂહરચના નબળી પડી શકે છે.