World

'US-ઇઝરાયેલ યુદ્ધમાં વ્યસ્ત રહ્યા', ઈરાને ગુપ્ત રીતે બનાવી દીધા વધુ ઘાતક હથિયારો!

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઇઝરાયેલ સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાને તેની સૈન્ય શક્તિ વધારી છે. ઈરાની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરામિનિયાએ જણાવ્યું કે, યુદ્ધ દરમિયાન જ ઈરાને નવી પેઢીના અદ્યતન ડ્રોન અને અપગ્રેડેડ મિસાઈલ સિસ્ટમ્સ તૈયાર કરીને સેનામાં સામેલ કરી છે. ઈરાને આ યુદ્ધને સૈન્ય ટેકનોલોજી સુધારવાની તક તરીકે ઉપયોગ કર્યો. નવા ડ્રોન પહેલા કરતા વધુ ઘાતક અને સચોટ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'US-ઇઝરાયેલ યુદ્ધમાં વ્યસ્ત રહ્યા', ઈરાને ગુપ્ત રીતે બનાવી દીધા વધુ ઘાતક હથિયારો!

Iran Develops Advanced Drones : અમેરિકા અને ઇઝરાયેલ સાથે ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે ઈરાને માત્ર જવાબી હુમલાઓ પર જ ધ્યાન કેન્દ્રિત ન કર્યું, પરંતુ પડદા પાછળ પોતાની સૈન્ય તાકાતને વધુ આધુનિક બનાવવામાં પણ વ્યસ્ત રહ્યું. આ વાતનો ખુલાસો ખુદ ઈરાની સેનાના પ્રવક્તાએ કર્યો છે. બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરામિનિયાના જણાવ્યા અનુસાર, યુદ્ધ દરમિયાન જ ઈરાને નવી પેઢીના ડ્રોન અને અપગ્રેડેડ મિસાઈલ સિસ્ટમ તૈયાર કરીને તેમને સેનામાં સામેલ કરી લીધા. તેમનો દાવો છે કે, ઈરાને આ યુદ્ધને માત્ર રક્ષણની લડાઈ તરીકે નહીં, પરંતુ સૈન્ય ટેકનોલોજીને આગલા સ્તર પર લઈ જવાના અવસર તરીકે ઉપયોગ કર્યો.

જ્યારે આખી દુનિયાની નજર મિસાઈલ હુમલા અને તબાહી પર ટકેલી હતી, તે જ સમયે ઈરાન ચૂપચાપ એવા હથિયારો વિકસાવી રહ્યું હતું, જે પહેલા કરતા વધુ ઘાતક અને સચોટ હોવાનું કહેવાય છે. ઈરાની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરામિનિયાએ જણાવ્યું હતું કે 'રમઝાન યુદ્ધ' (રમઝાન દરમિયાન જ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન સામે યુદ્ધ છેડ્યું હતું) ના અંતિમ દિવસોમાં ઈરાની સશસ્ત્ર દળોએ એવા નવા ડ્રોનનો ઉપયોગ કર્યો, જેના પર પહેલાથી રિસર્ચ ચાલી રહ્યું હતું, અને યુદ્ધ દરમિયાન જ તેમને સેવામાં સામેલ કરી લેવાયા હતા.'

ઈરાને યુદ્ધ દરમિયાન પણ R&D ચાલુ રાખ્યું હતું

અકરામિનિયાએ જણાવ્યું કે, 'ઈરાને સેના અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા ઉપયોગમાં લેવાતી મિસાઈલોને પણ અપગ્રેડ કરી, અને વધુ સારી ગુણવત્તા સાથે તૈયાર કરી. યુદ્ધ દરમિયાન જૂના હથિયારોનો ઉપયોગ ચાલુ રાખવાની સાથે જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પર પણ સતત કામ કરવામાં આવ્યું હતું.' ઈરાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, દેશ સ્થાનિક ઉત્પાદન વધારવાની સાથે મિત્ર દેશો પાસેથી આધુનિક સૈન્ય ઉપકરણો ખરીદવાની દિશામાં પણ કામ કરી રહ્યો છે. તેમણે દાવો કર્યો કે, યુદ્ધના અંતિમ દિવસોમાં રજૂ કરાયેલા નવા ડ્રોન પહેલાના અરાશ-2 જેવા ડ્રોન કરતા ક્યાંય વધુ આધુનિક છે, અને ટૂંક સમયમાં જ તેમની ક્ષમતાઓની માહિતી જનતા સમક્ષ જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઇઝરાયેલે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન સામે સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું. અમેરિકા અને ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ અને કેટલાય વરિષ્ઠ સૈન્ય અધિકારીઓના મોત થયા હતા.

ઈરાની સેનાએ 100 તબક્કામાં જવાબી હુમલા કર્યા

ઈરાની સેનાએ 40 દિવસમાં 100 તબક્કામાં જવાબી હુમલા કર્યા હતા. ઈરાને અખાતી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને ઇઝરાયેલને નિશાન બનાવ્યા હતા. તો બીજી તરફ, 15 જૂનના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થતામાં સૈન્ય કાર્યવાહી રોકવા અંગેના એક કરારની જાહેરાત કરવામાં આવી હતી. આ કરારમાં લેબનોન સહિતના વિવિધ મોરચે સંઘર્ષ રોકવા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અને ઈરાન પર લાદવામાં આવેલા નૌકાદળના પ્રતિબંધો હટાવવાની વાત કહેવામાં આવી હતી.