Israel attacks presidential office in Tehran: ઈઝરાયલે ઈરાન સામે કરેલું યુદ્ધ ભીષણ તબક્કામાં પહોંચી ચૂક્યું છે. ઈઝરાયલના સુરક્ષા દળોએ (IDF) 3 માર્ચે કબૂલ્યું હતું કે, ‘અમે ઈરાનના રાષ્ટ્રપતિ ભવન સહિતના મુખ્ય મથકો પર એર સ્ટ્રાઇક કરી છે.’ ઈઝરાયલે આ સ્થળને ઈરાની શાસનનું 'સૌથી મહત્ત્વનું અને કેન્દ્રીય મુખ્યાલય' ગણાવ્યું હતું. બીજી તરફ ઈરાનની સરકારી મીડિયાના દાવા મુજબ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા 131થી વધુ શહેરોમાં થયેલા હુમલામાં અત્યાર સુધી 787 લોકોના મોત થયા છે. ઈરાને 'ઝાયોનિસ્ટ-અમેરિકન આતંકવાદી હુમલો' ગણાવ્યો છે.
તેહરાનના રાષ્ટ્રપતિ ભવન પર મિસાઇલો ઝીંકાઈ
ઈરાનની રાજધાની તેહરાનની મધ્યમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન (પ્રેસિડેન્શિયલ ઑફિસ) અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની ઇમારત પર ઈઝરાયલે મિસાઇલ હુમલા અને બોમ્બમારો કરાયો હતો. આ હુમલામાં ઈઝરાયલે સુરક્ષા અને વ્યૂહનીતિ ઘડતી તમામ ઑફિસો, સૈન્ય અધિકારીઓને તાલીમ આપતી સંસ્થાઓ અને અન્ય મહત્ત્વની માળખાગત સુવિધાને પણ નિશાન બનાવી હતી. ઈઝરાયલે દાવો કર્યો હતો કે, આ ઇમારતોમાં બેસીને જ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને ઈઝરાયલના વિનાશની યોજનાઓ ઘડાતી હતી. આ હુમલાથી ઈરાનના કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમને મોટું નુકસાન પહોંચ્યું છે.
ખામેનેઈના મોત પછી ઈરાનના વળતા પ્રહાર
ઈઝરાયલ-અમેરિકાના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ ઈરાને નવ દેશોમાં અમેરિકાના મિલિટરી બેઝ પર હુમલા કર્યા હતા. ઈરાને 3 માર્ચે પણ રિયાધમાં અમેરિકન દૂતાવાસ પર ડ્રોન હુમલો કર્યો હતો, જ્યારે કુવૈતમાં પણ અમેરિકી દૂતાવાસને કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હવે આ સંઘર્ષ લાંબો સમય ચાલી શકે છે.
શાંતિ અને સંવાદ માટે ભારતની અપીલ
બીજી તરફ, પશ્ચિમ એશિયામાં વધી રહેલા આ ભીષણ તણાવ મુદ્દે ભારત સરકારે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ખાડી દેશોમાં એક કરોડથી પણ વધુ ભારતીયો છે, જેમની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. વડાપ્રધાન મોદીએ પણ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોનિક વાતચીત કરીને ભારતીયોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.


