Get The App

ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા હુમલાની તૈયારી! 7 લાખ કરોડની 'તિજોરી' અને 90 ટકા ઓઈલ ખતરામાં

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટા હુમલાની તૈયારી! 7 લાખ કરોડની 'તિજોરી' અને 90 ટકા ઓઈલ ખતરામાં 1 - image
Image Google Map

Iran America War : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક જંગ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. વૈશ્વિક બજારમાં ખળભળાટ મચાવનારા અહેવાલો મુજબ અમેરિકા હવે ઈરાનની આર્થિક કરોડરજ્જુ ગણાતા ખાર્ગ આઈલેન્ડને નિશાન બનાવવાની મોટી તૈયારી કરી રહ્યું છે. પેન્ટાગોન દ્વારા ખાર્ગ પર સંભવિત ગ્રાઉન્ડ ઓપરેશન અને હુમલાના વિકલ્પો પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.

ઈરાનની અર્થવ્યવસ્થા થશે ધ્વસ્ત?

ખાર્ગ આઈલેન્ડ ઈરાન માટે માત્ર એક ટાપુ નથી, પરંતુ તેની 70 લાખ કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક આવકની રેવેન્યુ મશીન છે. વિશ્વ બજારમાં ઈરાનના કાચા તેલના અંદાજે 90% થી 95% શિપમેન્ટ આ જ ટાપુ પરથી હેન્ડલ કરવામાં આવે છે. જો અમેરિકા આ ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડે, તો ઈરાનની તેલ આધારિત અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી પડી શકે છે. અગાઉના હુમલામાં અમેરિકાએ માત્ર સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, પરંતુ હવે ઓઈલ સાઈટ્સ પર હુમલાના સંકેતો મળી રહ્યા છે.

અમેરિકાની યુદ્ધસ્તરે તૈયારી

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, પેન્ટાગોન સ્પેશિયલ ઓપરેશન ફોર્સ અને જમીની કાર્યવાહીના વિકલ્પો પર કામ કરી રહ્યું છે. જોકે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ સુધી આ અંગે આખરી નિર્ણય લીધો નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લીવિટે પણ પુષ્ટિ કરી છે કે, કમાન્ડર ઈન ચીફ (ટ્રમ્પ) ને તમામ વિકલ્પો પૂરા પાડવા એ પેન્ટાગોનનું કામ છે."

રિપોર્ટ્સ મુજબ, આ વિસ્તારમાં અમેરિકી સૈન્ય તૈનાતી તેજ બની છે. આશરે 3500 નૌસૈનિકો અને મરીન સૈનિકો USS ત્રિપોલી પર પહોંચી ગયા છે. CNN ના અહેવાલ મુજબ, આ હજારો સૈનિકોમાંથી કેટલાકને ખાસ કરીને ખાર્ગ આઈલેન્ડ સંબંધિત ઓપરેશનમાં લગાવવામાં આવી શકે છે.

આ પણ વાંચો : યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં

ટ્રમ્પની ચેતવણી 5 મિનિટમાં કરી શકીએ છીએ હુમલો

નોંધનીય છે કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પોતે ખાર્ગ આઈલેન્ડને ઈરાની શાસનનું ક્રાઉન જ્વેલ માને છે. અગાઉના હુમલા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, "અમે જાણીજોઈને તેલ સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું નહોતું." પરંતુ, હવે તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે અમેરિકી સેના માત્ર 5 મિનિટના નોટિસ પર ખાર્ગ પરની ઓઈલ પાઈપલાઈનોને ધ્વસ્ત કરી શકે છે.

કેમ ખાસ છે ખાર્ગ આઈલેન્ડ?

ફારસની ખાડીમાં સ્થિત આ નાનકડો ટાપુ જે માત્ર 20 ચોરસ કિમી વિસ્તાર ધરાવે છે તે ઈરાનની તેલ નિકાસ માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે. ઈરાનના બુશેહર પ્રાંતના કિનારેથી આ ટાપુ 25 કિમી દૂર છે. અહીં સમુદ્રની ઊંડાઈ વધુ હોવાથી વિશ્વના સૌથી મોટા ઓઈલ ટેન્કરો સીધા તેલ લોડ કરી શકે છે. આ ઈરાનનું સૌથી મોટું ઓઈલ ટર્મિનલ છે, જ્યાં 2.4 કરોડ બેરલ કાચા તેલનો સંગ્રહ કરવાની ક્ષમતા છે. નિષ્ણાતોના મતે, ખાર્ગ ઈરાન માટે વાર્ષિક આશરે 78 અબજ ડોલર (રૂા. 7 લાખ કરોડથી વધુ) ની આવક પેદા કરે છે. ઈરાન માટે ખાર્ગ આઈલેન્ડ અસ્તિત્વનો સવાલ છે. જો ઈરાન આ ટાપુ પરથી ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો કંટ્રોલ ગુમાવે, તો આ યુદ્ધનું ભવિષ્ય અને ઈરાનનું પતન નક્કી છે.