હોર્મુઝને લઈને ટ્રમ્પનો નવો આદેશ, કહ્યું- 'ખાડીમાં માઈન્સ બિછાવતી તમામ બોટ્સને જોતા જ ઉડાવી દો'; ફરી યુદ્ધ થશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US Iran Tensions: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે મોટું અને કડક પગલું ભરતા અમેરિકન સેનાને આદેશ આપ્યો છે કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં દરિયાઈ સુરંગો (માઈન્સ) બિછાવનારી કોઈપણ ઈરાની નાની બોટને 'દેખતા વેંત જ ઠાર કરવામાં આવે.' ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું, 'મેં અમેરિકન નૌસેનાને આદેશ આપ્યો છે કે જે પણ બોટ, ભલે તે નાની કેમ ન હોય, હોર્મુઝ સ્ટ્રેટના પાણીમાં દરિયાઈ સુરંગો બિછાવતી જોવા મળે, તેને તાત્કાલિક નિશાન બનાવવામાં આવે. તેમાં કોઈપણ પ્રકારનો સંકોચ રાખવો જોઈએ નહીં.'
દરિયાઈ સુરંગો (માઈન્સ) દૂર કરી રહી છે અમેરિકન સેના
ટ્રમ્પે એ પણ કહ્યું કે અમેરિકન નૌસેના આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં દરિયાઈ સુરંગોને હટાવવાનું કામ કરી રહી છે અને આ અભિયાનને ત્રણ ગણું ઝડપી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પૈકીનો એક છે, જ્યાંથી મોટી માત્રામાં વૈશ્વિક ક્રૂડ પુરવઠો પસાર થાય છે. તેવામાં અહીં વધતો તણાવ આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય બની ગયો છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવનું એક મોટું કારણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' થી જહાજોની અવરજવર પર પડી રહેલી અસર પણ છે.

મહિલાની ફાંસી ઈરાને રોકી: ટ્રમ્પ
આ દરમિયાન, ટ્રમ્પે એક અન્ય નિવેદનમાં કહ્યું કે ઈરાને તેમની અપીલનું સન્માન કર્યું છે અને કેટલીક મહિલા પ્રદર્શનકારીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમને માહિતી મળી છે કે 4 મહિલાઓને 'તાત્કાલિક મુક્ત' કરવામાં આવશે, જ્યારે અન્ય 4 ને એક-એક મહિનાની સજા આપવામાં આવશે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, 'હું તેની પ્રશંસા કરું છું કે ઈરાન અને તેના નેતાઓએ મારી અપીલનું સન્માન કર્યું અને પ્રસ્તાવિત ફાંસી રોકી દીધી.' ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ મહિલાઓને બુધવારે ફાંસી આપવામાં આવનાર હતી.
ઈરાને ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો
જો કે માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે આ મહિલાઓ પૈકી 2ને માર્ચમાં જ જામીન પર મુક્ત કરવામાં આવી હતી, જ્યારે બાકીની 2 પર એવા આરોપો છે જેમાં મૃત્યુદંડની સજા થઈ શકે છે. આ તમામની જાન્યુઆરીમાં થયેલા સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. ટ્રમ્પે મંગળવારે આ મહિલાઓની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં 2 કિશોર કન્યાઓ પણ સામેલ હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ મહિલાઓ ઈરાનમાં કોર્ટ પ્રક્રિયાનો સામનો કરી રહી છે. બીજી તરફ, ઈરાને ટ્રમ્પના તમામ દાવાને સંપૂર્ણ રીતે ફગાવી દીધા હતા.









