Get The App

Explainer: દુનિયાભરની ઓઇલ રિફાઇનરીઓમાં આગ અને વિસ્ફોટની ઘટનાઓથી ચિંતા, અકસ્માતો કે સુનિયોજિત કાવતરું!

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
Explainer: દુનિયાભરની ઓઇલ રિફાઇનરીઓમાં આગ અને વિસ્ફોટની ઘટનાઓથી ચિંતા, અકસ્માતો કે સુનિયોજિત કાવતરું! 1 - image

Oil Refineries Fires And Explosions: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનમાં પચપદરા રિફાઇનરીનું 21 એપ્રિલે ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ તેના 20 કલાક પહેલાં જ રિફાઇનરીમાં ભીષણ આગ લાગી ગઈ. 13 વર્ષની મહેનત પછી રૂપિયા 3,000 કરોડના ખર્ચે બનેલું ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ કાટમાળનો ઢગલો બની ગયું. એ સાથે જ સવાલો ઉઠવા લાગ્યા કે આ કોઈ અકસ્માત હતો કે કાવતરું? કેમ કે, ઓઇલ રિફાઇનરીમાં આગ લાગવાની એકલદોકલ ઘટના ન હતી. છેલ્લા 60 દિવસોમાં ભારત, અમેરિકા, પાકિસ્તાન સહિત વિશ્વની અનેક રિફાઇનરીઓમાં અચાનક આગ લાગવાના અને વિસ્ફોટ થવાના બનાવો બન્યા છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને લીધે વિશ્વભરમાં ઓઇલની કટોકટી સર્જાઈ છે. આવા માહોલમાં બે મહિનાના ટૂંકા ગાળામાં આટલી બધી રિફાઇનરીઓમાં આગ-અકસ્માત થાય એ ઘણાં નિષ્ણાતોને ફક્ત સંયોગ નથી લાગતું. ઈરાન-અમેરિકા યુદ્ધની સમાંતર શું કોઈ 'અદૃશ્ય યુદ્ધ' ચાલી રહ્યું છે? ચાલો આ વાતની મુદ્દાસર છણાવટ કરીએ. 

પચપદરા રિફાઇનરીમાં ક્યાં આગ લાગી?

રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી HPCL રાજસ્થાન રિફાઇનરી (પચપદરા) એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. 4,500 એકરમાં ફેલાયેલી આ રિફાઇનરી રૂ. 79,459 કરોડના ખર્ચે બની છે. અહીં 20,000થી વધુ કામદારો કાર્યરત છે. 20 એપ્રિલ 2026ના રોજ બપોરે લગભગ 1.55 વાગ્યે અહીંના ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ(CDU)ના હીટ એક્સ્ચેન્જર સેક્શનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં રૂ. 3,000 કરોડના ખર્ચે બનેલું યુનિટ રાખ થઈ ગયું હતું. 

આગ લાગવાનું કારણ શું હતું? 

HPCLએ જણાવ્યું છે કે હીટ એક્સ્ચેન્જર સર્કિટમાં વાલ્વ અથવા ફ્લેન્જમાંથી હાઇડ્રોકાર્બન લીક થવાથી આગ લાગી હોઈ શકે છે. લિકેજ ટેક્નિકલ ખામીને કારણે હતું કે કોઈએ જાણીજોઈને કશીક ગરબડ કરી હતી, એની તપાસ ચાલી રહી છે. સમગ્ર રિફાઇનરીના 24 કલાકના સીસીટીવી ફૂટેજ પણ ચકાસાઈ રહ્યા છે. ફોરેન્સિક ટીમ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, એ રાહતની વાત છે. 

અશોક ગેહલોતના નિવેદને આશંકા વધારી

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઓસ્ટ્રેલિયાના કેમિકલ એન્જિનિયરનો હવાલો આપીને આ બાબતે કહ્યું કે, ‘નવી રિફાઇનરીમાં આપોઆપ આગ નથી લાગી શકતી. ટેક્નિકલી જોઈએ તો, રિફાઇનરીઓમાં 20-25 વર્ષ બાદ જ એવી ટેકનિકલ ખામી સર્જાય છે જેનાથી આગ લાગી શકે.’ આ નિવેદન આ ઘટના પાછળ કોઈ કાવતરું હોવા તરફ ઇશારો કરે છે.

કોઈ કાવતરાની શંકાએ NIAને તપાસ સોંપાઈ?

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) તપાસમાં ઊતરી છે. સામાન્ય રીતે રિફાઇનરીમાં આગ લાગે તો પોલીસ અથવા ફાયર વિભાગ તપાસ કરે, પરંતુ NIAની હાજરી સૂચવે છે કે કેન્દ્ર સરકાર આ ઘટનાને 'વ્યૂહાત્મક સંપત્તિ પર હુમલો' ગણી રહી છે.

ભારત માટે 'આર્થિક આતંકવાદ'નો ખતરો 

આ તપાસમાં જોડાયેલા સૂત્રોના મતે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય આને માત્ર ટેકનિકલ ખામી માનવા તૈયાર નથી કારણ કે, પચપદરા રિફાઇનરી પાકિસ્તાનની સરહદથી માત્ર 150 કિલોમીટર દૂર છે. આ કારણથી દુશ્મન માટે તે સરળ નિશાન બની શકે છે. કોઈ દેશની આર્થિક સંપત્તિ(જેમ કે રિફાઇનરી, પાવર પ્લાન્ટ અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર)ને નિશાન બનાવીને તેના અર્થતંત્રને નુકસાન પહોંચાડાય, તેને 'આર્થિક આતંકવાદ' કહેવામાં આવે છે. પાકિસ્તાને પણ ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે પચપદરા રિફાઇનરીમાં કાવતરું ઘડ્યું હોઈ શકે, એવી શક્યતાને લીધે તપાસ હવે એ દિશામાં આગળ વધી રહી છે.

દુનિયાના ચાર ખંડોમાં 60 દિવસમાં અનેક દુર્ઘટના!

જો આપણે વૈશ્વિક સ્તરે થયેલા બનાવોની યાદી બનાવીએ તો એક ચોંકાવનારી પેટર્ન જોવા મળે છે. દુનિયામાં માત્ર 60 દિવસમાં 14 મોટી ઘટના બની છે. 

તારીખ -- સ્થળ -- રિફાઇનરી/પ્લાન્ટ -- ઘટનાનો પ્રકાર 

- 19 ફેબ્રુઆરી -- કેલિફોર્નિયા, અમેરિકા -- શેવરોન એલ સેગુન્ડો -- વિસ્ફોટ 

- 1 માર્ચ -- ઇક્વાડોર -- સૌથી મોટી રિફાઇનરી -- મોટી આગ 

- 5 માર્ચ -- ટેક્સાસ, અમેરિકા -- મેરાથોન ટેક્સાસ સિટી -- આગ 

- 17 માર્ચ -- ટાબાસ્કો, મેક્સિકો -- ઓલ્મેકા (ડોસ બોકાસ) -- આગ 

- 23 માર્ચ -- પોર્ટ આર્થર, ટેક્સાસ -- વેલેરો રિફાઇનરી -- મોટો વિસ્ફોટ 

- 9 એપ્રિલ -- ડોસ બોકાસ, મેક્સિકો -- ઓલ્મેકા રિફાઇનરી -- આગ (બીજી વખત) 

- 14 એપ્રિલ -- સક્તિ, છત્તીસગઢ -- વેદાંતા થર્મલ પાવર પ્લાન્ટ -- બોઇલર વિસ્ફોટ (24 મૃત્યુ) 

- 15-16 એપ્રિલ -- ગીલોંગ, ઓસ્ટ્રેલિયા -- વીવા એનર્જી -- ગેસ લીકથી આગ 

- 16-17 એપ્રિલ -- હરિપુર, પાકિસ્તાન -- સુઈ નોર્ધન ગેસ પાઇપલાઇન -- પાઇપલાઇન ફાટી, આગ 

- 18 એપ્રિલ -- બ્લેઈન, વોશિંગ્ટન -- BP ચેરી પોઇન્ટ -- વિસ્ફોટ, 3 ઈજા 

- 20 એપ્રિલ -- બુકારેસ્ટ, રોમાનિયા -- CET વેસ્ટ હીટિંગ પ્લાન્ટ -- ટ્રાન્સફોર્મર વિસ્ફોટ 

- 20 એપ્રિલ -- પચપદરા, રાજસ્થાન -- HPCL રિફાઇનરી -- CDUમાં આગ 

- 20-21 એપ્રિલ -- હોમાલિન, મ્યાનમાર -- રિવર પોર્ટ -- 10 ટેન્કરમાં આગ 

- 21 એપ્રિલ -- એટોઈલ, ટેક્સાસ -- ઓઇલ વેલ સાઇટ -- વિસ્ફોટ, મોટી આગ

ઓસ્ટ્રેલિયામાં 13 કલાક સુધી આગ સળગતી રહી 

ઓસ્ટ્રેલિયાના ગીલોંગમાં 15-16 એપ્રિલે થયેલો બનાવ સૌથી વધુ ચર્ચામાં છે. વીવા એનર્જીની આ રિફાઇનરી ઓસ્ટ્રેલિયાની માત્ર બે રિફાઇનરીમાંની એક છે અને દેશના 10% ઇંધણ પુરવઠાનું સંચાલન કરે છે. અહીં લાગેલી આગ 60 મીટર સુધી ઊંચા ભડકા સાથે 13 કલાક સુધી સળગતી રહી હતી. પેટ્રોલ ઉત્પાદન ઘટીને 60% અને ડીઝલ-જેટ ફ્યુઅલનું ઉત્પાદન 80% સુધી પહોંચી ગયું હતું.

સૌથી વધુ ભયાનક વિસ્ફોટ અમેરિકામાં થયો

અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં 23 માર્ચે વેલેરો પોર્ટ આર્થર રિફાઇનરીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ રિફાઇનરી અમેરિકાની સૌથી મોટી રિફાઇનરીઓમાંની એક છે, જે દરરોજ 3,80,000થી 4,35,000 બેરલ ઓઇલ પ્રોસેસ કરે છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે માઇલો દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો અને પાડોશી કાઉન્ટીઓ સુધી કાળા ધુમાડાના ગોટેગોટા ફેલાયા હતા.

બલૂચિસ્તાનમાં પણ રિફાઇનરી પર હુમલો

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના હરિપુરમાં આવેલી સુઈ નોર્ધન ગેસ પાઇપલાઇન 16-17 એપ્રિલે ફાટી ગઈ હતી, જેને લીધે રહેણાક વિસ્તારોમાં આગ લાગી હતી. 

આગનું કારણ રિફાઇનરી પર વધેલું કામનું દબાણ છે?

નિષ્ણાતોના મતે, રિફાઇનરીઓમાં બનેલી દુર્ઘટનાઓ કોઈ કાવતરુંનો હિસ્સો નથી. તેમનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી બાકી રહેલી રિફાઇનરીઓ પર અતિશય દબાણ આવી ગયું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના જણાવ્યા મુજબ માત્ર માર્ચમાં જ વૈશ્વિક ઓઇલ ભંડારમાં 8.5 કરોડ બેરલનો ઘટાડો નોંધાયો છે. આ અતિશય દબાણ જૂની રિફાઇનરીઓમાં અકસ્માતોનું જોખમ વધારે છે. આને 'સિસ્ટમ ઓવરલોડ' કહે છે. સિસ્ટમ તેની ક્ષમતાના 100%થી પણ વધુ ચલાવાય, ત્યારે રિફાઇનરીના દરેક હિસ્સા પર વધારાનું દબાણ આવે છે અને એમના નિષ્ફળ જવાની સંભાવના વધી જાય છે. 

'અદૃશ્ય યુદ્ધ': સાયબર હુમલાની શક્યતા કેટલી?

આધુનિક જમાનામાં યુદ્ધનું એક અદૃશ્ય પાસું છે, સાયબર હુમલા. વર્ષ 2009માં ઈરાનના ન્યુક્લિયર સેન્ટ્રીફ્યુઝને નિશાન બનાવનારા સ્ટક્સનેટ મેલવેરે સાબિત કર્યું હતું કે કેવી રીતે ડિજિટલ હુમલો ફિઝિકલ ડિસ્ટ્રક્શન કરી શકે છે. સ્ટક્સનેટે સેન્ટ્રીફ્યુઝને ખતરનાક ગતિથી ફેરવ્યા હતા, જ્યારે કે ઓપરેટરોને તો 'નોર્મલ' ડેટા જ બતાવતો હતો. ઈરાન પર આ હુમલો અમેરિકા અને ઈઝરાયલની મિલીભગત હતી. તો પછી હાલમાં રિફાઇનરી પર થઈ રહેલા હુમલા પણ એવું કાવતરું હોઈ શકે, એવું માનનારાનો વર્ગ પણ મોટો છે.

એનર્જી ગ્રીડને નિશાન બનાવતો ખાસ પ્રકારનો મેલવેર

તાજેતરમાં સિક્યોરિટી રિસર્ચર્સે એક નવો મેલવેર શોધી કાઢ્યો છે, જેને SFG નામ અપાયું છે. આ મેલવેર ખાસ કરીને એનર્જી ગ્રીડને નિશાન બનાવવા માટે ડિઝાઇન કરાયો છે અને તે એન્ટિ-વાઇરસ અને ફાયરવૉલ બંનેથી બચી શકે છે. 

ઓપરેટર્સને અંધારામાં રાખવાની ઘાતક યુક્તિ

મેલવેર રિફાઇનરીમાં કેવો ખેલ ખેલી શકે એમ છે, એ સાયબર સિક્યોરિટી નિષ્ણાતો સમજાવે છે:

- મેલવેર ઓપરેટર્સના લેજિટિમેટ કમાન્ડને ઇન્ટરસેપ્ટ કરે છે.

- તેમની જગ્યાએ ડિસ્ટ્રક્ટિવ કમાન્ડ મોકલે છે.

- આ સાથે કંટ્રોલ રૂમને ફેક 'નોર્મલ' ડેટા ફીડ કરે છે.

તેનો અર્થ એ છે કે, ટ્રાન્સફોર્મર ઓવરલોડ થઈ રહ્યા હોય અને બ્રેકર્સ ટ્રિપ થઈ રહ્યા હોય, ત્યારે ઓપરેટરની સ્ક્રીન પર બધું સામાન્ય દેખાય છે. જ્યાં સુધી ખરેખર નુકસાન ન થઈ જાય ત્યાં સુધી તેઓ અંધારામાં જ રહે છે.