US Iran War Eid Ul Fitr: દુનિયાભરમાં આજે શનિવાર એટલે કે 21 માર્ચના રોજ ઈદ મનાવવામાં આવી રહી છે. ખાડી દેશોમાં ઈદની રોનક હંમેશા અલગ જ હોય છે, પરંતુ આ વખતે આ દેશોમાં પણ ઈદ ડરના છાંયડામાં મનાવવામાં આવી રહી છે. કતાર, કુવૈત અને UAE જેવા દેશોમાં પણ લોકોને ખુલ્લામાં નમાઝ પઢતા રોકવામાં આવ્યા છે. વહીવટીતંત્રને ડર છે કે ક્યાંક કોઈ મિસાઇલ આવીને ન પડે. મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળોમાંનું એક જેરુસલેમની અલ-અક્સા મસ્જિદ પણ સુમસામ જોવા મળી હતી. અહીં લોકોના આવવા પર ઈઝરાયલ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઈરાન સાથે યુદ્ધ શરૂ થયા બાદથી જ અલ-અક્સા મસ્જિદને સીલ કરી દેવામાં આવી હતી. ઈઝરાયલે સ્પષ્ટતા કરી છે કે સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાને રમઝાનમાં 400 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
સાઉદી અરેબિયા, કતાર, UAE, ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં લોકોને ઈદની તૈયારી કરવાનો પણ સમય મળ્યો નથી. આખા રમઝાન દરમિયાન આ દેશોમાં તણાવનું વાતાવરણ રહ્યું હતું. ઈરાન યુદ્ધ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ આમને-સામને છે. રમઝાન દરમિયાન જ પાકિસ્તાને અફઘાનિસ્તાનની હૉસ્પિટલ પર હુમલો કર્યો હતો, જેમાં 400થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં આ વર્ષે રમઝાનનો મહિનો સમગ્ર વિશ્વમાં લોહિયાળ સંઘર્ષની વચ્ચે પસાર થયો છે.
ઈરાનના બજારમાં માતમની અસર!
ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ ઈરાનમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ઈદ પહેલા પણ અહીંના બજારો સુમસામ રહ્યા હતા. લોકોને ખાસ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના ઘર અથવા મસ્જિદની અંદર જ નમાઝ પઢે. લોકોને ખુલ્લામાં નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ઈરાનમાં ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે યુદ્ધમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ઘણી જગ્યાએ જશ્ન મનાવવામાં આવ્યો હતો તે પણ અત્યંત સાદગીથી. લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાની દુકાનો પણ બંધ રાખી હતી.
UAEમાં પણ રોનકની ઉણપ
UAEનું દુબઈ શહેર તેની રોનક અને ભવ્યતા માટે વિશ્વભરમાં જાણીતું છે. પરંતુ યુદ્ધને કારણે આ ઈદ પર ન તો વિદેશી પ્રવાસીઓની ભીડ જોવા મળી કે ન તો રસ્તાઓ પર કોઈ ઉત્સાહ. અહીં પણ બજારોની રોનક ફિક્કી પડી ગઈ છે. UAEમાં ઈદના અવસરે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી, આ વખતે સખત સુરક્ષા વચ્ચે જ નમાઝ પઢવામાં આવી હતી. દુબઈમાં મોટા આયોજનો અને આતશબાજી પણ રદ કરી દેવામાં આવી હતી.
ઈરાકમાં ખામેનેઈને શ્રદ્ધાંજલિ અપાઈ
ઈરાકમાં શિયા મુસ્લિમોએ ઈરાનના માર્યા ગયેલા સુપ્રીમ લીડર અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપી હતી. ઈરાકમાં પણ આ વખતની ઈદ પર વધુ લોકો એકઠા થયા ન હતા. અગાઉથી જ લોકોને ભીડ ન કરવા સૂચના આપવામાં આવી હતી. આ વખતે વાલીઓ પોતાના બાળકોને પણ બહાર મોકલતા ડરતા જોવા મળ્યા હતા.


