| AI IMAGE |
US Iran Peace Talks Islamabad: વૈશ્વિક રાજકારણમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવી અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તાના પ્રથમ દિવસે જ નિરાશા હાથ લાગી છે. ઈસ્લામાબાદમાં મળેલી આ ઐતિહાસિક બેઠકમાં ઈરાને અમેરિકાની શરતો માનવાનો ઇન્કાર કરી દેતાં વાટાઘાટો હાલ પૂરતી અટકાવી દેવામાં આવી છે.
વિવાદનું મુખ્ય કારણ
આ વાટાઘાટો નિષ્ફળ જવાનું સૌથી મોટું કારણ ઈરાનનો પરમાણુ એનરિચમેન્ટ પ્રોગ્રામ છે. અમેરિકા ઇચ્છતું હતું કે ઈરાન તેના પરમાણુ પ્રોગ્રામને આગામી 20 વર્ષ માટે સંપૂર્ણપણે ફ્રીઝ (સ્થગિત) કરી દે. ઈરાન માત્ર 5 વર્ષ માટે જ આ પ્રોગ્રામ રોકવાની ડીલ ઓફર કરી રહ્યું હતું. અહેવાલો અનુસાર હવે બંને પક્ષો સાડા બાર વર્ષ(12.5 years)ની મર્યાદા પર સહમતિ સાધવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સત્તાવાર કોઈ જાહેરાત થઈ નથી.
અમેરિકાના વલણમાં નરમાશ?
અત્યાર સુધી અમેરિકા એવા કડક વલણ પર હતું કે, ઈરાન ઘરેલું સ્તરે એનરિચમેન્ટ કરી જ ન શકે, કારણ કે તેનાથી પરમાણુ હથિયારો બનાવવાનો માર્ગ મોકળો થાય છે. જોકે, આ બેઠકમાં અમેરિકા આ મુદ્દે થોડું નરમ પડ્યું હોય તેમ જણાય છે, પરંતુ સમયગાળા મુદ્દે હજુ પણ મામલો ફસાયેલો છે.
આ શાંતિ વાર્તા ઈસ્લામાબાદની લક્ઝરી સેરેના હોટલમાં યોજાઈ હતી, જ્યાં સુરક્ષા અને ગોપનીયતાના અત્યંત કડક નિયમો હતા. હોટલના બે અલગ-અલગ વિંગમાં બંને દેશોના અધિકારીઓ રોકાયા હતા. પાકિસ્તાની મધ્યસ્થીઓ સાથેની ટ્રાઇલેટરલ (ત્રિપક્ષીય) મીટિંગ માટે કોમન એરિયાનો ઉપયોગ થયો હતો. મીટિંગ રૂમમાં કોઈને પણ ફોન લઈ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
વાતચીત ચાલુ છે કે બંધ?
અમેરિકી પ્રતિનિધિ જે.ડી વેન્સે જાહેરાત કરી છે કે, ઈરાન શરતો ન માનતું હોવાથી વાર્તા સ્થગિત કરવામાં આવે છે. જોકે, બીજી તરફ કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ્સ દાવો કરે છે કે પડદા પાછળ હજુ પણ વાતચીત ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી આ બંને દેશો વચ્ચેની આ સૌથી મોટી શાંતિ મંત્રણા માનવામાં આવે છે. જો આ વાટાઘાટો સંપૂર્ણપણે નિષ્ફળ જશે, તો મધ્ય પૂર્વમાં તણાવ ફરી વધી શકે છે.


