World

'નેતન્યાહૂ અડિયલ છે, તેમણે મારો આભાર માનવો જોઈએ', ઈરાન સાથે શાંતિ કરાર બાદ ટ્રમ્પનું નિવેદન

By GS Team
15 Jun 20263 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે અંત તરફ આગળ વધી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે બંને દેશો આગામી 19 જૂનના રોજ સ્વિટ્ઝરલેન્ડના જિનેવા ખાતે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરશે. જોકે, આ ડીલની જાહેરાત કરવાની સાથે જ ટ્રમ્પે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે નેતન્યાહૂને અત્યંત અડિયલ વલણ ધરાવતા નેતા ગણાવ્યા છે અને કહ્યું છે કે અમેરિકા તરફથી ઈઝરાયલને જે પણ મદદ મળી રહી છે તેના માટે તેમણે આભારી રહેવું જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

'નેતન્યાહૂ અડિયલ છે, તેમણે મારો આભાર માનવો જોઈએ', ઈરાન સાથે શાંતિ કરાર બાદ ટ્રમ્પનું નિવેદન
(IMAGE - IANS)

US-Iran Peace Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે અંત તરફ આગળ વધી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ અંગે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે બંને દેશો આગામી 19 જૂનના રોજ સ્વિટ્ઝર્લૅન્ડના જિનેવા ખાતે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કરશે. જોકે, આ ડીલની જાહેરાત કરવાની સાથે જ ટ્રમ્પે ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે નેતન્યાહૂને અત્યંત અડિયલ વલણ ધરાવતા નેતા ગણાવ્યા છે અને કહ્યું છે કે અમેરિકા તરફથી ઈઝરાયલને જે પણ મદદ મળી રહી છે તેના માટે તેમણે આભારી રહેવું જોઈએ.

ટ્રમ્પ નેતન્યાહૂ પર કેમ ભડક્યા? પરમાણુ હથિયાર અંગે આપી ચેતવણી

ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ પ્રત્યે પોતાનો ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે જ્યારે અમેરિકા અને ઈરાન શાંતિ સમજૂતીની ખૂબ નજીક હતા, ત્યારે જ ઈઝરાયલે લેબેનૉનની રાજધાની બેરૂત પર એરસ્ટ્રાઇક કરી દીધી હતી, જેના લીધે આ આખી ડીલ 'લગભગ પાટા પરથી ઉતરી' ગઈ હતી. 

નેતન્યાહૂના અડિયલ વલણ પર નારાજગી વ્યક્ત કરતાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'તેઓ અડિયલ માણસ છે, પણ વાસ્તવિકતા એ છે કે અમેરિકા જે કંઈ કરી રહ્યું છે તેના માટે નેતન્યાહૂએ અમારા ખૂબ આભારી રહેવું જોઈએ. તેમણે ચેતવણી આપતાં એમ પણ કહ્યું કે, જો ઈરાન પરમાણુ હથિયાર બનાવી લેશે તો ઈઝરાયલ તેની સામે બે કલાક પણ ટકી શકશે નહીં. ટ્રમ્પના મતે, અમેરિકા અત્યારે જે શાંતિ સમજૂતી કરી રહ્યું છે તે આખરે ઈઝરાયલના જ હિતમાં છે.

સમજૂતીની શરતો અને યુદ્ધવિરામ તૂટવાનો ડર

આ નવી શાંતિ સમજૂતી હેઠળ અમેરિકા અને ઈરાન પોતપોતાના તમામ સૈન્ય અભિયાનો રોકવા માટે તૈયાર થયા છે. આ શરતના ભાગરૂપે ઈઝરાયલે પણ લેબેનૉનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ચાલી રહેલી તેની સૈન્ય કાર્યવાહી બંધ કરવી પડશે. જોકે, ઈઝરાયલ આ નિર્ણયથી જરાય ખુશ નથી, જેના કારણે આવનારા દિવસોમાં આ યુદ્ધવિરામ ગમે ત્યારે તૂટી જવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

ભૂતકાળમાં પણ જ્યારે અમેરિકા અને ઈરાન આવી જ એક ડીલની ખૂબ નજીક પહોંચ્યા હતા, ત્યારે જ નેતન્યાહૂની સેનાએ લેબેનૉનમાં ઘૂસીને એક મોટો હુમલો કરી દીધો હતો. તે સમયે આ હુમલાથી ઈરાન ભારે ગુસ્સે ભરાયું હતું અને તેણે સમજૂતી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પને ફરી એકવાર એ જ વાતનો ડર સતાવી રહ્યો છે કે ઈઝરાયલના કારણે આ શાંતિ કરાર ફરીથી અધવચ્ચે જ ન અટકી પડે.

ઈરાનને કડક ચેતવણી અને પ્રતિબંધોમાંથી મુક્તિ

શાંતિ સમજૂતીની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પણ કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો તેહરાનનું નેતૃત્વ નિર્ધારિત સમય મર્યાદામાં અમેરિકા સાથે અંતિમ પરમાણુ કરાર સુધી પહોંચવામાં નિષ્ફળ રહેશે, તો અમેરિકન સેના ઈરાન પર ફરીથી હુમલા શરૂ કરી દેશે. બીજી તરફ, આ ડીલ હેઠળ અમેરિકા ઈરાની ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગેલા પ્રતિબંધો હટાવવા, નવા પ્રતિબંધો ન લાદવા અને પશ્ચિમ એશિયામાં પોતાની સૈન્ય તાકાત ન વધારવા માટે સંમત થયું છે. આ ઉપરાંત અમેરિકા ઈરાનના આંતરિક મામલામાં દખલ નહીં કરે અને તેના બદલામાં ઈરાને પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો: G7 સમિટ 2026: તણાવ વચ્ચે આમને સામને હશે PM મોદી અને ટ્રમ્પ, ગ્લોબલ સાઉથના મુદ્દા પર ફોકસ

ઈઝરાયલ કેમ આ શાંતિ સમજૂતીથી પરેશાન છે?

અમેરિકાએ ઈઝરાયલની મરજી વિરુદ્ધ જઈને આ નિર્ણય લીધો છે અને આ સમગ્ર પ્રક્રિયામાંથી ઈઝરાયલને તદ્દન બહાર રાખવામાં આવ્યું છે. વાસ્તવમાં, નેતન્યાહૂ હંમેશાથી યુદ્ધના માધ્યમથી ઈરાનના પરમાણુ ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરવા માંગતા હતા, પરંતુ અમેરિકાના આ પગલાથી તેમની એ વ્યૂહરચના અધવચ્ચે જ અટકી ગઈ છે. આ સિવાય નેતન્યાહૂની મુશ્કેલીનું બીજું મોટું કારણ ઈઝરાયલમાં ટૂંક સમયમાં યોજાનારી ચૂંટણી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે નેતન્યાહૂના રાજકીય અસ્તિત્વ માટે આ યુદ્ધ ચાલુ રહેવું ખૂબ જ મહત્ત્વનું હતું, જેથી તેઓ જનતા સામે પોતાની 'ટોટલ વિક્ટરી'(સંપૂર્ણ વિજય)નો દાવો રજૂ કરી શકે. હવે ટ્રમ્પના દબાણે નેતન્યાહૂને પોતાના જ દેશમાં રાજકીય રીતે નબળા પાડી દીધા છે.