Get The App

હું ટ્રમ્પની બધી વાત નથી માનતો...: ઈરાન સાથે ડીલ બાદ નેતન્યાહૂનો અમેરિકાને જવાબ

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
US-Iran Peace Deal Sparks Rift
(IMAGE - IANS)

US-Iran Peace Deal Sparks Rift: અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબી ચર્ચા ચાલ્યા બાદ આખરે શાંતિ સમજૂતી (પીસ ડીલ) થઈ ગઈ છે, પરંતુ આ મોટા નિર્ણયથી ઈઝરાયલ બિલકુલ ખુશ નથી. ઈઝરાયલે સાફ શબ્દોમાં કહી દીધું છે કે તે દક્ષિણ લેબેનોનમાંથી કોઈપણ કાળે પાછળ હટવાનું નથી. આ જ જીદના કારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેના મતભેદો હવે જાહેરમાં આવી ગયા છે. નેતન્યાહૂએ પણ આ વાતનો સ્વીકાર કરતા ખુલ્લેઆમ કહ્યું છે કે, 'ઘણીવાર એવું બને છે કે બંને દેશોના વિચારો એક સરખા નથી હોતા.'

ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ક્યાં સર્જાયા મતભેદ?

ઈરાન યુદ્ધ દરમિયાન બંને નેતાઓ વચ્ચેના મતભેદો સાર્વજનિક રૂપે સામે આવ્યા હતા. ખાસ કરીને જ્યારે અમેરિકન પ્રમુખ તેહરાન (ઈરાન) સાથે શાંતિ સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે લેબેનોન વિરુદ્ધ ઈઝરાયલની સતત ચાલી રહેલી આક્રમકતાએ તેમાં અવરોધ ઊભો કર્યો હતો. ટ્રમ્પ સાથેના પોતાના સંબંધો અંગે સ્પષ્ટતા કરતા નેતન્યાહૂએ જણાવ્યું કે, 'અમેરિકામાં લોકો એવું કહે છે કે ટ્રમ્પ મારી દરેક વાત માને છે, જ્યારે આપણા દેશ (ઈઝરાયલ)માં લોકો એવું વિચારે છે કે હું તેમની દરેક વાત માનું છું. પરંતુ આ બંને વાતો બિલકુલ સાચી નથી'.

લેબેનોન અને બફર ઝોનને લઈને ઈઝરાયલનું કડક વલણ

પ્રધાનમંત્રી નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, લેબેનોનમાં કબજે કરેલી જમીન પરથી ઈઝરાયલ ક્યારેય પાછળ હટશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ઈઝરાયલ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સામે લડી રહ્યું છે. નેતન્યાહૂએ કહ્યું કે, 'અમે લેબેનોનમાં એક સેફ્ટી ઝોન (બફર ઝોન) બનાવ્યો છે અને જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી અમે ત્યાં જ રોકાઈશું'.

બીજી તરફ, ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાઇલ કોટ્ઝે પણ સૂર પુરાવતા કહ્યું કે, અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયરની જાહેરાત ભલે થઈ ગઈ હોય, પણ ઈઝરાયલ દક્ષિણ લેબેનોનમાંથી પીછેહઠ નહીં કરે અને હિઝબુલ્લાહ સામેની લડાઈ ચાલુ રહેશે. સંરક્ષણ મંત્રીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, 'પીએમ નેતન્યાહૂ અને હું એક સ્પષ્ટ વ્યૂહનીતિ પર કામ કરી રહ્યા છીએ, જે અંતર્ગત ઈઝરાયલી આર્મી (IDF) કોઈ પણ સમયમર્યાદા વિના લેબેનોન, સીરિયા અને ગાઝાના સુરક્ષા ઝોનમાં તહેનાત રહેશે, જેથી સરહદો અને ઈઝરાયલી નાગરિકોને જેહાદી તત્વોથી બચાવી શકાય.'

આ પણ વાંચો: અમેરિકામાં મોટી દુર્ઘટના: વાયુસેનાનું B-52 બોમ્બર ઉડાન ભરતા જ ક્રેશ, 8 ક્રૂ મેમ્બર્સમાં કરુણ મોત

ઈરાન પીસ ડીલ પર નેતન્યાહૂની ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરાર પર પ્રતિક્રિયા આપતા ઈઝરાયલી પ્રધાનમંત્રીએ સોમવારે (15 જૂન) સ્પષ્ટ કર્યું હતું કે, 'દુનિયામાં કોઈ પણ સમજૂતી થાય કે ન થાય, પરંતુ ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં આવે. ન આજે, ન આગામી સમયમાં. જ્યાં સુધી હું ઈઝરાયલનો પ્રધાનમંત્રી છું ત્યાં સુધી આવું ક્યારેય બનવા નહીં દઉં.'

તેમણે વધુમાં જણાવ્યું કે, 'અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામનો કરાર એ ટ્રમ્પનો પોતાનો નિર્ણય છે અને તેઓ એ સુનિશ્ચિત કરવા માટે સક્ષમ છે કે ઈઝરાયલે ભવિષ્યમાં કોઈ 'પરમાણુ ખતરા'નો સામનો ન કરવો પડે.' નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયલે અમેરિકા સાથે મળીને આ યુદ્ધની શરૂઆત કરી હતી, પરંતુ ઈઝરાયલ આ વર્તમાન શાંતિ સમજૂતીનો ભાગ નથી.