World

અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક ડીલ અંગે ચર્ચા પૂરી, મિડલ ઈસ્ટથી ગુડ ન્યૂઝ આવ્યા

By GS Team
24 May 20263 mins read
TukuTouch Logo
મિડલ-ઈસ્ટ (મધ્ય-પૂર્વ) માં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને તણાવનો અંત લાવવા માટે એક બહુ મોટી વૈશ્વિક સફળતા મળી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સત્તાવાર જાહેરાત કરી છે કે ઈરાન સાથે શાંતિ સમજૂતી માટેની મોટાભાગની વાટાઘાટો પૂર્ણ થઈ ચૂકી છે. આ ઐતિહાસિક કરારના ભાગરૂપે વૈશ્વિક વેપાર માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) પણ ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક ડીલ અંગે ચર્ચા પૂરી, મિડલ ઈસ્ટથી ગુડ ન્યૂઝ આવ્યા

US-Iran Peace Agreement: મિડલ-ઈસ્ટ (મધ્ય-પૂર્વ) માં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ભયાનક યુદ્ધ અને તણાવનો અંત લાવવા માટે એક બહુ મોટી વૈશ્વિક સફળતા મળી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સત્તાવાર જાહેરાત કરી છે કે ઈરાન સાથે શાંતિ સમજૂતી માટેની મોટાભાગની વાટાઘાટો પૂર્ણ થઈ ચૂકી છે. આ ઐતિહાસિક કરારના ભાગરૂપે વૈશ્વિક વેપાર માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) પણ ફરીથી ખુલ્લો મૂકવામાં આવશે.

પ્રમુખ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ અંગે વિગતો શેર કરતા લખ્યું કે, "યુનાઇટેડ સ્ટેટ્સ, ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન અને અન્ય કેટલાય દેશો વચ્ચે એક સમજૂતીને આખરી ઓપ આપવા માટે મોટા પાયે વાતચીત થઈ છે. આ સિવાય ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પણ ફોન પર સકારાત્મક ચર્ચા થઈ છે. સોદાના અંતિમ પાસાઓ પર હાલમાં કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે."

ખાડી દેશોના નેતાઓ સાથે મહત્ત્વની બેઠક અને પાકિસ્તાનની મધ્યસ્થતા

ટ્રમ્પની આ મોટી જાહેરાત સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, પાકિસ્તાન, તૂર્કિયે, ઇજિપ્ત, જોર્ડન અને બહેરીનના ટોચના નેતાઓ સાથેની અત્યંત મહત્વપૂર્ણ ફોન કોલ બાદ સામે આવી છે. આ વાતચીત દરમિયાન ખાડી દેશોના નેતાઓએ પ્રમુખ ટ્રમ્પને ઈરાન દ્વારા પ્રસ્તાવિત આ શાંતિ ફ્રેમવર્ક સ્વીકારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

નોંધનીય છે કે, આ સમજૂતીને આ મુકામ સુધી પહોંચાડવામાં પાકિસ્તાન અને કતરે મુખ્ય મધ્યસ્થ તરીકેની ભૂમિકા ભજવી છે. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને કતારના મધ્યસ્થો તેહરાન પહોંચ્યા હતા, જ્યાં મુનીરે અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ (JD Vance) સાથે પણ ફોન પર સતત ચર્ચા કરી આ ગતિરોધને તોડવામાં મદદ કરી હતી.

શું છે આ શાંતિ પ્રસ્તાવના મુસદ્દામાં?

આ વચગાળાના કરારના મુસદ્દા (Draft) મુજબ, બંને દેશો વચ્ચે યુદ્ધની સત્તાવાર સમાપ્તિની જાહેરાત કરવામાં આવશે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને આર્થિક નાકાબંધી: સમજૂતી હેઠળ ઈરાન આંતરરાષ્ટ્રીય વેપાર માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો દરિયાઈ માર્ગ ફરી ખોલી દેશે. તેના બદલામાં અમેરિકા ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી આર્થિક નાકાબંધી (ઇકોનોમિક બ્લોકેડ) નો અંત લાવશે.

પરમાણુ કાર્યક્રમ પર ચર્ચા: ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર આગામી બે મહિના સુધી વિગતવાર વાતચીત ચાલુ રહેશે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ પુષ્ટિ કરી છે કે આ વાટાઘાટોમાં ઘણી પ્રગતિ થઈ છે.

ઈરાને આને 'ફ્રેમવર્ક એગ્રીમેન્ટ' ગણાવ્યું

બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘઈએ આ મસૂદાને એક 'ફ્રેમવર્ક એગ્રીમેન્ટ' ગણાવ્યું છે. ઈરાની સરકારી ટીવી પર તેમણે સ્પષ્ટ કર્યું કે, "અમે ઇચ્છીએ છીએ કે આ સમજૂતીમાં યુદ્ધ સમાપ્ત કરવાના મુખ્ય મુદ્દાઓ અને અમારા હિતો સામેલ હોય. આગામી 30 થી 60 દિવસમાં આના બારીક વિગતો પર ચર્ચા કરીને અંતિમ કરાર કરવામાં આવશે." ઈરાને વધુમાં સ્પષ્ટ કર્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવો એ આ વાર્તાનો મુખ્ય ભાગ છે, પરંતુ પરમાણુ મુદ્દાઓ આ તાત્કાલિક વાર્તાનો હિસ્સો નથી, કારણ કે ઈરાન પહેલા તમામ મોરચે યુદ્ધનો અંત અને પોતાના પરના આર્થિક પ્રતિબંધો હટાવવા માંગે છે.