Global Fuel Crisis: અમેરિકા-ઈરાન યુદ્ધની શરૂઆતથી જ દુનિયા ગંભીર પરિણામો ભોગવી રહી છે. દરેક પસાર થતાં દિવસ સાથે ગ્લોબલ ટેન્શન વધતું જઈ રહ્યું છે. મધ્ય પૂર્વનું આ યુદ્ધ હવે પાંચમા સપ્તાહમાં પ્રવેશી ચક્યું છે અને પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિતના તમામ દેશોમાં ઓઇલ-ગેસ સંકટ ઘેરાયું છે. આ દરમિયાન ઘણા દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અચાનક મોટો વધારો કરવામાં આવ્યો છે. જો ડીઝલની વાત કરીએ તો, તેની કિંમતોમાં માત્ર યુદ્ધ દરમિયાન જ 81% સુધીનો વધારો જોવા મળ્યો છે. આવો જાણીએ ક્યાં કેટલું મોંઘું થયું ડીઝલ?
ક્રૂડની કિંમત 116 ડૉલર પ્રતિ બેરલ
વૈશ્વિક ઇંધણ સંકટ સતત વધી રહ્યું છે. અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી ઓઇલ બજારોમાં ઉથલપાથલ ઓછું થવાનું નામ નથી લઈ રહી. ક્રૂડની કિંમતમાં સોમવારે ફરી એકવાર અચાનક મોટો ઉછાળો આવ્યો છે અને Brent Crude Price 116 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. સતત ક્રૂડના ભાવમાં વધારાની અસર ઘણા દેશોમાં જોવા મળી છે અને પેટ્રોલના ભાવ વધવાની સાથે ડીઝલની કિંમતોમાં તો 81% સુધીની વૃદ્ધિ થઈ છે.
પેટ્રોલ-ડીઝલ થયા મોંઘા
અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર પહેલીવાર ગત 28 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઇક કરી હતી, જેના જવાબમાં ઈરાને પણ જોરદાર મિસાઇલ એટેક કર્યા અને યુદ્ધ વધતું ગયું, જે અત્યાર સુધી ચાલુ છે. આ યુદ્ધમાં હોર્મુઝ બંધ થવા અને ઓઇલના ટેન્કરો પર એટેકને કારણે કાચા ઓઇલની કિંમતોમાં ઝડપથી વધારો થયો અને ક્રૂડ ઓઇલની કિંમત આસમાને પહોંચી ગઈ. ખરેખર પેટ્રોલ અને ડીઝલ કાચા ઓઇલમાંથી રિફાઈન થાય છે, એવામાં ક્રૂડ મોંઘું થવાને કારણે ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં ભારે વધારો થયો છે અને તેના ભાવ વધારી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાન જેવા દેશોની હાલત ખરાબ
એનર્જી સપ્લાય ચેઇનમાં અડચણ આવતાં ઓઇલ બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ બનેલો છે અને તેનાથી દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ પ્રભાવિત દેખાઈ રહી છે. કાચા ઓઇલની કિંમતોમાં ઉછાળાથી વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આનાથી મોંઘવારીનો ખતરો પણ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન, ફિલિપાઇન્સ, નાઈજીરિયા જેવા દેશોમાં તો હાલત અતિ ખરાબ છે.
એશિયાઈ દેશોમાં ડીઝલ આટલું મોંઘું
IBC Groupના CEO અને ફાઉન્ડર મારિયો નૌફલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આંકડા શેર કરતાં અમેરિકા ઈરાન સંઘર્ષની શરૂઆત બાદ એશિયાઈ દેશોમાં ડીઝલની કિંમતોમાં વધારાની તસવીર સ્પષ્ટ કરી છે. ડીઝલના ભાવમાં સૌથી વધુ વધારો ફિલિપાઇન્સમાં જોવા મળ્યો, જ્યાં યુદ્ધ પછી તે 81.6% મોંઘું થયું છે. ત્યારબાદ મલેશિયાનો નંબર આવે છે, અહીં ડીઝલના ભાવમાં 57.9%નો વધારો થયો છે, જ્યારે વિયેતનામમાં ડીઝલ 45.9% મોંઘું થઈ ચૂક્યું છે.
કયા દેશમાં ડીઝલ કેટલું મોંઘું થયું?
અન્ય એશિયાઈ દેશોમાં પણ ડીઝલની કિંમતોમાં તગડો વધારો નોંધાયો છે. જેમાં સિંગાપોરમાં ડીઝલની કિંમત 44%, ચીનમાં 25.4%, સાઉથ કોરિયામાં 15.1% અને જાપાનમાં 14% વધારો સામેલ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે એનર્જી આયાત પર નિર્ભર એશિયાઈ દેશોમાં સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. કેટલીક વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં પણ ઈરાન યુદ્ધથી ઘેરાયેલા આ ઇંધણ સંકટની ખરાબ અસર જોવા મળી રહી છે. નાઇજીરિયામાં ડીઝલના ભાવમાં 78.3%નો ભારે વધારો થયો છે, જે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપી વધારામાંનો એક છે. આ સિવાય શ્રીલંકામાં ડીઝલના ભાવ 37.2% વધી ચૂક્યા છે. પહેલાથી જ સંકટના સમયમાંથી પસાર થઈ રહેલી આ ઈકોનોમી પર વધારાનું દબાણ પડ્યું છે.
US-કેનેડામાં પણ દેખાઈ અસર
માત્ર એશિયાઈ દેશો જ નહીં, પરંતુ યુરોપ અને ઉત્તર અમેરિકા પણ મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે દબાણ અનુભવી રહ્યા છે. ઘણી પશ્ચિમી અર્થવ્યવસ્થાઓમાં ડીઝલની કિંમતોમાં નોંધપાત્ર તેજી આવી છે. અમેરિકામાં ડીઝલના ભાવમાં 41.2%નો વધારો થઈ ચૂક્યો છે, તો કેનેડામાં કિંમત 36.9% ઉછળી છે. જર્મનીમાં ડીઝલની કિંમતમાં 30.9%, ફ્રાન્સમાં 27.8%, યુકેમાં 18% અને ઈટાલીમાં 14.9%નો વધારો થયો છે. યુક્રેનમાં પણ હાલત ખરાબ છે અને અહીં ડીઝલ 33.9% મોંઘું થયું છે.
ભારતમાં 'ભાવ વધારા' સામે સુરક્ષા
પરંતુ ભારતમાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે, સરકારે પેટ્રોલ પર ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાથી ઘટાડીને સીધી 0 કરી દીધી છે. જેના કારણે આજ દિન સુધીમાં ભારતે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો કર્યો નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવામાં માત્ર કેન્દ્ર સરકારની ડ્યુટી જ નહીં, પરંતુ રાજ્ય સરકારનો વેટ(VAT), ટ્રાન્સપોર્ટ ખર્ચ અને ડીલરનું કમિશન પણ સામેલ હોય છે. કેન્દ્રએ ટેક્સ ઘટાડ્યો છે, પરંતુ મોટાભાગના રાજ્યોમાં વેટમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ટૂંકમાં સમજીએ તો, જો પહેલા પેટ્રોલ 95 રૂપિયા હતું અને ક્રૂડ મોંઘું થતાં તે 105 પર પહોંચવાનું હતું, તો સરકારે ટેક્સ ઘટાડીને તેને ફરી 95ની આસપાસ રોકી રાખ્યું છે. આમ, આ પગલું ભાવ ઘટાડાને બદલે 'ભાવ વધારા સામે રક્ષણ' સમાન સાબિત થયું છે.


