Get The App

ડીલ ન થતાં ટ્રમ્પ ફરી યુદ્ધના મૂડમાં, ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની અમેરિકાની તૈયારી

Updated: Apr 13th, 2026

GS TEAM

Google News
Google News
ડીલ ન થતાં ટ્રમ્પ ફરી યુદ્ધના મૂડમાં, ઈરાન સામે સૈન્ય કાર્યવાહી કરવાની અમેરિકાની તૈયારી 1 - image

War Updates Iran-US : છેલ્લા ઘણા સમયથી પડદા પાછળ ચાલી રહેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો અંતે અનિર્ણિત સાબિત થઈ છે. ઈરાન દ્વારા મુકવામાં આવેલી શરતો અને અમેરિકાની માંગણીઓ વચ્ચેની ખાઈ ઓછી ન થઈ શકતા કૂટનીતિક રસ્તાઓ લગભગ બંધ થઈ ગયા છે. આ નિષ્ફળતા બાદ હવે ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર સૈન્ય દબાણ વધારવાની આક્રમક રણનીતિ અપનાવી છે. વૉલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે ફ્લોરિડાના ડૉરલમાં રિસોર્ટ ખાતે સલાહકારો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી અને પછી ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે અમે ઈરાન પર દબાણ વધારવા રસ્તો શોધી રહ્યા છીએ. અમેરિકન સૈન્ય હાઈએલર્ટ પર છે જેથી ગમે તે સમયે ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાઓ પર ફરી હવાઈ હુમલા શરૂ કરી શકાય. 

ટ્રમ્પના સૈન્ય કાર્યવાહીના સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે જો કોઈ 'નક્કર સમજૂતી' (Real Deal) નહીં થાય, તો સૈન્ય કાર્યવાહી જ એકમાત્ર વિકલ્પ બચશે. હવે જ્યારે મંત્રણા તૂટી ગઈ છે, ત્યારે પેન્ટાગોન (અમેરિકન સંરક્ષણ મંત્રાલય) સંભવિત ટાર્ગેટ્સની યાદી તૈયાર કરી રહ્યું હોવાના અહેવાલ છે. ટ્રમ્પનું માનવું છે કે માત્ર સૈન્ય શક્તિના જોરે જ ઈરાનને નમતું જોખવા માટે મજબૂર કરી શકાય છે.

હોર્મુઝની નાકેબંધી અને વધતો તણાવ

પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે યુએસ સેન્ટ્રલ કમાન્ડે હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાની જહાજોની નાકેબંધી કરવાની જાહેરાત કરી. આ તરફ ઈરાને પણ વળતી ધમકી આપી છે કે જો કોઈ સૈન્ય જહાજ તેમની સરહદ પાસે આવશે તો સીઝફાયર તોડી નાખવામાં આવશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે તેઓ 'ઈસ્લામાબાદ MoU' થી માત્ર થોડા જ ઈંચ દૂર હતા, પરંતુ અમેરિકાની જીદને કારણે સમજૂતી ન થઈ શકી.

વૈશ્વિક બજારમાં હલચલ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સંભવિત બોમ્બમારોની અટકળોને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ અને ભૂ-રાજકીય સમીકરણોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. જો ખરેખર સૈન્ય અભિયાન શરૂ થાય છે, તો તેના પરિણામો વિશ્વભર માટે ગંભીર હોઈ શકે છે. હાલમાં સમગ્ર વિશ્વની નજર વ્હાઇટ હાઉસની સત્તાવાર જાહેરાત પર ટકેલી છે.