માથે ફાઈટર પ્લેનનો ખડકલો અને ઈરાન તરફ ઈશારો... ટ્રમ્પના નવા 'ફોટો વૉર' થી ટેન્શન વધ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Donald Trump : અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કે અન્ય કોઈ સમજૂતીની ડીલ ફાઇનલ ન થતાં બંને દેશો વચ્ચે ફરીથી યુદ્ધ શરૂ થવાની આશંકાઓ પ્રબળ બની છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે, જેનાથી બંને દેશો વચ્ચે વાકયુદ્ધ અને તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ટ્રમ્પ દ્વારા શેર કરાયેલી આ પોસ્ટમાં એક એઆઈ (AI) જનરેટેડ ઇમેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તસવીરની ઉપર લખ્યું છે, 'તમે મૂંઝવણમાં પડી રહ્યા છો'.
ટ્રમ્પની એઆઈ તસવીર અને લશ્કરી સંકેતો
ડોનાલ્ડ ટ્રમ્પે જે એઆઈ તસવીર શેર કરી છે તેમાં તેઓ પોતે અમેરિકન સેનાના મિલિટરી ડ્રેસમાં સજ્જ જોવા મળી રહ્યા છે. તસવીરમાં ટ્રમ્પ પોતાની આંગળીથી સામેની તરફ ઈશારો કરી રહ્યા છે, જ્યારે તેમના માથાની ઉપરથી અમેરિકન ફાઇટર પ્લેન્સ આગળ વધતા દેખાઈ રહ્યા છે. આ સાથે જ નીચે સમુદ્રમાં અમેરિકાની શક્તિશાળી વોરશિપ્સ (યુદ્ધ જહાજો) સમુદ્રના મોજાં ચીરીને આગળ વધતી નજરે પડે છે. નોંધનીય છે કે બંને દેશો વચ્ચેની ડીલ હાલમાં વ્હાઇટ હાઉસના સિચ્યુએશન રૂમમાં ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે.
સંરક્ષણ સચિવ પીટ હેગસેથનું આક્રમક નિવેદન
આ દરમિયાન સિંગાપોર ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈરાનને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો બંને દેશો વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ જશે, તો અમેરિકન સેના ઈરાન પર ફરીથી હુમલો કરવા માટે સંપૂર્ણ સક્ષમ અને તૈયાર છે. બીજી તરફ, વ્હાઇટ હાઉસ દ્વારા જણાવાયું છે કે સિચ્યુએશન રૂમની બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા થઈ છે પરંતુ કોઈ આખરી નિર્ણય હજી જાહેર કરાયો નથી.
ઈરાનનો વળતો પ્રહાર: હોર્મુઝ સ્ટ્રેટ પર કડક આદેશ
અમેરિકાની ધમકીઓ વચ્ચે ઈરાને પણ તમામ કોમર્શિયલ અને નૌકાદળના જહાજો માટે કડક આદેશ જાહેર કર્યો છે. ઈરાની મીડિયા અનુસાર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની ખાડી) નો રસ્તો હજુ પણ સંપૂર્ણપણે ઈરાની સેના (IRGC) ના નિયંત્રણ હેઠળ છે. કોઈપણ જહાજે અહીંથી પસાર થતાં પહેલાં આઈઆરજીસીની મંજૂરી લેવી પડશે, અન્યથા તેમની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
ઓમાનની ખાડીમાં અમેરિકાએ જહાજ અટકાવ્યું
વૈશ્વિક મોરચે સંઘર્ષ ત્યારે વધુ વકર્યો જ્યારે ઓમાનની ખાડીમાં અમેરિકન સેનાએ 'લિયાન સ્ટાર' નામના ગામ્બિયાના ધ્વજવાળા માલવાહક જહાજને અટકાવ્યું. આ જહાજ અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નાકાબંધીનું ઉલ્લંઘન કરીને ઈરાની બંદર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને અમેરિકન સેનાની વારંવારની ચેતવણીઓ નકારી રહ્યું હતું. 17 એપ્રિલથી શરૂ થયેલી આ નાકાબંધી અંતર્ગત અમેરિકા અત્યાર સુધીમાં આવા 6 જહાજોને રોકી ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને હોર્મુઝનો રસ્તો બંધ કરી દીધો હતો.









