હોર્મુઝમાં ફરી યુદ્ધ જેવી સ્થિતિ! US-ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ, ટ્રમ્પનો દાવો- અમને કોઈ નુકસાન નથી થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hormuz Strait conflict : પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવ વધ્યો છે. ઈરાનની મુખ્ય સૈન્ય કમાન 'ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર્સ' દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની સેનાએ હોર્મુઝ સ્ટ્રેટ પાસે બે ઈરાની જહાજો પર હુમલો કર્યો છે. આટલું જ નહીં, ઈરાને એવો પણ આરોપ લગાવ્યો છે કે અમેરિકાએ કેટલાક દેશોના સહયોગથી દક્ષિણ ઈરાનના રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા છે.
અમેરિકાએ ફરી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું: ઈરાન
મુખ્યાલયના પ્રવક્તા ઈબ્રાહિમ જોલ્ફાગરીએ આ કાર્યવાહીને ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. મળતી માહિતી મુજબ, જે જહાજો પર હુમલો થયો તેમાં એક ઓઇલ ટેન્કર હતું જે જસ્ક પાસે ઈરાની દરિયાઈ સીમાથી હોર્મુઝ સ્ટ્રેટ તરફ જઈ રહ્યું હતું, જ્યારે બીજું જહાજ UAEના ફુજૈરાહ પાસે આ જલમાર્ગમાં પ્રવેશ કરી રહ્યું હતું. ઈરાની દાવા મુજબ, હોર્મોઝગાન પ્રાંતના બંદર-એ-ખમીર અને સિરિક જેવા નાગરિક વિસ્તારોમાં પણ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે.
અમારા વળતા પ્રહારમાં અમેરિકાના જહાજોને ભારે નુકસાન; ઈરાનનો દાવો
ઈબ્રાહિમ જોલ્ફાગરીએ જણાવ્યું કે, અમેરિકાના આક્રમણના જવાબમાં ઈરાનની સેનાએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. હોર્મુઝ સ્ટ્રેટના પૂર્વી હિસ્સા અને ચાબહાર બંદરના દક્ષિણમાં રહેલા અમેરિકી સૈન્ય જહાજો પર ઈરાને હુમલો કર્યો, જેમાં અમેરિકાને ભારે નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ કોર્પ્સ- IRGC નેવીએ જણાવ્યું કે, શુક્રવારે વહેલી સવારે બેલેસ્ટિક મિસાઇલો, એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલો અને વિસ્ફોટક ડ્રોન વડે અમેરિકી ડિસ્ટ્રોયર જહાજો પર 'મોટો અને સચોટ સંયુક્ત ઓપરેશન' હાથ ધરવામાં આવ્યું હતું. IRGCના દાવા મુજબ, આ હુમલા બાદ 3 અમેરિકી ડિસ્ટ્રોયર જહાજોને હોર્મુઝ વિસ્તાર છોડીને પાછળ હટવું પડ્યું છે.
અમેરિકાને કોઈ નુકસાન નથી થયું: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનો દાવો ફગાવ્યો
બીજી તરફ, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે(CENTCOM) નિવેદન જાહેર કરીને ઈરાનના દાવાઓને નકારી કાઢ્યા છે. સેન્ટકોમે કહ્યું કે અમેરિકાની સેનાએ ઈરાનના 'વગર ઉશ્કેરણીએ કરાયેલા હુમલા'ને રોક્યા હતા અને આત્મરક્ષણમાં જવાબી કાર્યવાહી કરી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા 3 અમેરિકી ડિસ્ટ્રોયર જહાજોને કોઈ નુકસાન થયું નથી. ટ્રમ્પે ચેતવણી આપતાં કહ્યું કે ઈરાનને ભારે નુકસાન થયું છે અને જો ફરી હુમલો થશે તો જવાબ વધુ સખત અને હિંસક હશે.









