ઈરાનના ચાબહાર FTZ નજીક અમેરિકાનો હુમલો, ફાઈટર જેટ્સથી બોમ્બમારો કર્યો, ભારે તબાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran America War : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ વિનાશક સ્તરે પહોંચ્યું છે. ઈરાનની અર્થવ્યવસ્થાની કમર સમાન ગણાતા ખર્ગ ટાપુ પર હુમલો કર્યા બાદ હવે અમેરિકાએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા ચાબહાર પોર્ટ પર મોટો હુમલો કર્યો છે. અહેવાલો મુજબ, અમેરિકી લડાયક વિમાનોએ ચાબહારના ટ્રેડ ઝોનમાં આવેલી સૈન્ય છાવણીઓને નિશાન બનાવી છે.
ચાબહારમાં જોરદાર વિસ્ફોટો અને કાળો ધુમાડો
અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, ચાબહારના ટ્રેડ ઝોનમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા છે અને આકાશમાં કાળો ધુમાડો ઉડતો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અમેરિકી વિમાનો પોર્ટના ટ્રેડ ઝોન પાસે ઉડતા જોવા મળી રહ્યા છે. આ હુમલામાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારત માટે કેમ ચિંતાનો વિષય?
ચાબહાર પોર્ટ ભારત માટે પશ્ચિમ એશિયા અને યુરોપ સુધી પહોંચવાનો મુખ્ય પ્રવેશદ્વાર છે. ભારત વર્ષોથી આ બંદરના વિકાસ માટે બજેટ ફાળવતું આવ્યું છે. આ વર્ષે બજેટમાં ચાબહાર માટે જોગવાઈ ન હોવાને કારણે કોંગ્રેસ નેતા જયરામ રમેશે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો ભારત આ પ્રોજેક્ટમાંથી બહાર છે, તો તે ભારત માટે મોટો વ્યૂહાત્મક ઝટકો છે. સરકારે આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ..
આ પણ વાંચો : દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલા વચ્ચે 19 ભારતીયોની કેમ ધરપકડ કરી લેવામાં આવી?
હોર્મુઝની સામુદ્રધુની મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ
ઈરાને હોર્મુઝની સામુદ્રધુની લગભગ બંધ કરી દેતા અમેરિકા ભડક્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માર્ગ ખુલ્લો રાખવા માટે વિશ્વના સાત દેશો પાસે યુદ્ધ જહાજો મોકલવાની માંગ કરી છે. ટ્રમ્પે કહ્યું કે, "આ દરિયાઈ માર્ગ અમેરિકા કરતા અન્ય દેશો માટે વધુ જરૂરી છે. ચીન તેનું 90% ઓઇલ અહીંથી મેળવે છે. આ દેશોએ આગળ આવીને પોતાના ક્ષેત્રની સુરક્ષા કરવી જોઈએ."
ટ્રમ્પે કરી અપીલ
ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકા પાસે પોતાના ઓઇલના સ્ત્રોત હોવાથી આ માર્ગ તેમના માટે એટલો મહત્વનો નથી. તેમણે ચીન, ફ્રાન્સ, જાપાન અને બ્રિટન જેવા દેશોને ગઠબંધનમાં જોડાવા અપીલ કરી છે. નિષ્ણાંતો માને છે કે જો ચાબહાર પર હુમલા ચાલુ રહેશે, તો ભારતની મધ્ય એશિયા સાથેની કનેક્ટિવિટી જોખમમાં મુકાઈ શકે છે.









