Image From X |
Dubai and Indian News : ઈરાન યુદ્ધ વચ્ચે યુએઈ(UAE)માં પણ વિમાની સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. મોટી સંખ્યામાં ભારતીયો પણ અહીં ફસાયેલા છે. આ દરમિયાન ડ્રોન એટેકને જોતાં યુએઈએ વિમાન સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ખોટી અફવા ફેલાવવાના આરોપમાં 19 ભારતીયોની અટકાયત કરવામાં આવી છે.
ભારતીયો પર શું છે આરોપ?
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આગ હવે યુએઈ સુધી પહોંચી ગઈ છે. ઈરાન સતત દુબઈ સહિત યુએઈના અનેક શહેરોને નિશાન બનાવી રહ્યું હોવાના અહેવાલો છે. આ સ્થિતિને જોતાં સોમવારે દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ડ્રોન હુમલા બાદ તમામ ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દેવામાં આવી હતી. ઍરપૉર્ટ નજીક લાગેલી આગને પગલે સુરક્ષાના આગોતરા પગલા રૂપે ઓપરેશન રોકી દેવાયું છે. બીજી તરફ, પ્રાદેશિક તણાવ વચ્ચે સોશિયલ મીડિયા પર ભ્રામક અને બનાવટી વીડિયો ક્લિપ્સ શેર કરવાના આરોપમાં 19 ભારતીય નાગરિકો સહિત 35 લોકોની ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે.
19 ભારતીયોની અટકાયત
યુએઈની સત્તાવાર સમાચાર એજન્સી 'અમીરાત સમાચાર એજન્સી' (WAM) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન અનુસાર, આરોપીઓને ઝડપી સુનાવણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તાજી યાદીમાં વિવિધ દેશોના 25 લોકો સામેલ છે, જેમાં 17 ભારતીયો છે. આ યાદી શનિવારે જાહેર કરાયેલા 10 લોકોથી અલગ છે, જેમાં બે ભારતીયોનો પણ સમાવેશ થતો હતો અને જેમના ધરપકડના આદેશ પહેલાથી જ આપી દેવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર કડક દેખરેખ
યુએઈના એટર્ની જનરલ ડૉ. હમાદ સૈફ અલ શમ્સીએ જણાવ્યું કે, આ કાર્યવાહી ડિજિટલ પ્લેટફોર્મ પર કડક દેખરેખ બાદ કરવામાં આવી છે. જેનો હેતુ ફેક ન્યૂઝ અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા તૈયાર કરાયેલી નકલી સામગ્રીના પ્રસારને રોકવાનો છે, જે જાહેર વ્યવસ્થા બગાડવા અને અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ કરે છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ ત્રણ જૂથમાં વહેંચાયેલા હતા અને અલગ-અલગ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. જેમાં વર્તમાન ઘટનાઓના વાસ્તવિક વીડિયો ખોટી રીતે પોસ્ટ કરવા, AIની મદદથી નકલી વીડિયો બનાવવા અને સૈન્ય આક્રમણ કરનાર કોઈ દેશના નેતૃત્વ કે સૈન્ય કાર્યવાહીના વખાણ કરી તેનો પ્રચાર કરવાનો સમાવેશ થાય છે.


