Get The App

અમેરિકા-ઈરાનના ઝઘડામાં આ મુસ્લિમ દેશને લાગી 'લોટરી', હોર્મુઝ પર દબદબો વધશે

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકા-ઈરાનના ઝઘડામાં આ મુસ્લિમ દેશને લાગી 'લોટરી', હોર્મુઝ પર દબદબો વધશે 1 - image

Strait of Hormuz: અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ બાદ હવે આખરે સીઝફાયર પર સહમતિ સધાઈ છે. બંને દેશોએ બે અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ એલાનથી સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો છે. આ પહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ તો આસમાને પહોંચ્યા જ હતા, પરંતુ ઘણા દેશોમાં ગંભીર ઈંધણ સંકટ પણ સર્જાયું હતું. આનું કારણ ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવો. હવે યુદ્ધવિરામ હેઠળ આ ​​માર્ગ ફરીથી ખોલવા પર સહમતિ સધાઈ છે. આ તમામ વચ્ચે એક મુસ્લિમ દેશને સૌથી ફાયદો થયો છે. 

અમેરિકા-ઈરાનના ઝઘડામાં આ મુસ્લિમ દેશને લાગી 'લોટરી'

આ દેશ ઓમાન છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધવિરામની શરતોની અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે હોર્મુઝ સ્ટ્રેટ પર ઓમાનની પકડ વધુ મજબૂત બની શકે છે. વાસ્તવમાં ઈરાને અમેરિકાને જ 10-પોઈન્ટનો યુદ્ધવિરામ પ્રસ્તાવ સોંપ્યો છે, તેમાં એક મુખ્ય જોગવાઈ એ છે કે તેહરાન અને ઓમાન બંને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી પરિવહન ફી વસૂલ કરી શકે છે.

નોંધનીય છે કે, ઈરાન અને ઓમાન વચ્ચેનો આ લગભગ 34 કિલોમીટર પહોળો માર્ગ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માનવામાં આવતો હતો, જ્યાં કોઈ પ્રકારનો ટોલ વસૂલવામાં નહોતો આવતો. તે વિશ્વના સૌથી પ્રમુખ જળમાર્ગોમાંથી એક છે અને વિશ્વના તેલ વેપારનો લગભગ પાંચમો ભાગ વહન કરે છે, તેથી તે અત્યંત મહત્વપૂર્ણ છે.

શું છે ઈરાનની યોજના?

ઈરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર ટોલ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે, જેમાં ઓમાન પણ તેને સાથ આપી રહ્યું છે. અમેરિકા સાથે યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, ઈરાની લશ્કરી વ્યવસ્થાપન હેઠળ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, એ સ્પષ્ટ નથી કે આનો અર્થ એ છે કે ઈરાન આ માર્ગ પર પોતાની પકડ સંપૂર્ણપણે ઢીલી કરશે કે નહીં. એક પ્રાદેશિક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ ઈરાન અને ઓમાન બંનેને આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવાની મંજૂરી આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું હતું કે ઈરાન આ પૈસાનો ઉપયોગ પુનર્નિર્માણ માટે કરશે.

આ પણ વાંચો: 'આશા છે કે શાંતિ લાંબો સમય રહેશે...', ઈરાન-US યુદ્ધવિરામ પર ભારતનું પહેલું નિવેદન

ઓમાન માટે ફાયદાકારક યોજના

આ પહેલા  ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ઘરીબાદીએ પણ કહ્યું હતું કે, ઓમાન સાથે મળીને એક એવો પ્રોટોકોલ તૈયાર કરવામાં  આવી રહ્યો છે, જેમાં જહાજોએ અહીંથી પસાર થવા માટે પરમિટ અને લાઈસન્સ લેવું પડશે છે. તેમનું કહેવું છે કે, તેનો ઉદ્દેશ્ય પરિવહનને સરળ બનાવવાનો છે, તેને રોકવાનો નથી. બીજી તરફ ઓમાને પણ પુષ્ટિ કરી છે કે તેણે આ માર્ગ દ્વારા જહાજોની અવરજવર સરળ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે ઈરાન સાથે વાતચીત કરી છે. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે યુદ્ધ પહેલા ઈરાન કે ઓમાન બંનેમાંથી કોઈ આવી ફી વસૂલતા ન હતા. તેથી, આ ઓમાન માટે ફાયદાકારક યોજના હશે.