Get The App

28 માર્ચે યુદ્ધ વિરામ? ટ્રમ્પ એકતરફી નિર્ણય કરે તેવા ડરથી ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા તેજ

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
28 માર્ચે યુદ્ધ વિરામ? ટ્રમ્પ એકતરફી નિર્ણય કરે તેવા ડરથી ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા તેજ 1 - image


Israel vs Iran War Updates : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર આવી પહોંચ્યું છે. ઈઝરાયલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી શનિવાર એટલે કે 28 માર્ચના રોજ ઈરાન સાથે યુદ્ધવિરામની જાહેરાત કરી શકે છે. આ સમાચારથી ઈઝરાયલમાં ભારે હલચલ મચી ગઈ છે અને નેતન્યાહૂ સરકારે પોતાના સૈન્ય અભિયાન તેજ કરી દીધા છે.

ઈઝરાયલ કેમ ચિંતામાં છે?

ઈઝરાયલને ડર છે કે અમેરિકા એકતરફી રીતે યુદ્ધ રોકીને ઈરાન સાથે વાતચીતનો માર્ગ ખોલી શકે છે. ઈઝરાયલી સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ઈરાન કોઈ મોટી છૂટછાટ આપવા તૈયાર થાય, તો ટ્રમ્પ અસ્થાયી ધોરણે જંગ અટકાવી શકે છે. ઈઝરાયલ માને છે કે અત્યારે ઈરાન પર સૈન્ય દબાણ વધારવાનો યોગ્ય સમય છે, અને જો અત્યારે યુદ્ધ રોકાય તો ઈરાનને ફરીથી બેઠા થવાનો મોકો મળી જશે.

નેતન્યાહૂનો 'માસ્ટર પ્લાન' અને હુમલામાં વધારો

સંભવિત યુદ્ધવિરામ પહેલા ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. અહેવાલો મુજબ, નેતન્યાહૂએ સેનાને નિર્દેશ આપ્યા છે કે 28 માર્ચ પહેલા ઈરાનના હથિયાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એટલું નુકસાન પહોંચાડવામાં આવે કે તે વર્ષો સુધી ઊભું ન થઈ શકે. ઈઝરાયલ અત્યારે કોઈ પણ સંજોગોમાં નરમ પડવાના મૂડમાં નથી.

ઈરાને અમેરિકાનો પ્રસ્તાવ ફગાવ્યો

બીજી તરફ, ઈરાને અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન મારફતે મોકલવામાં આવેલા અમેરિકાના 15 મુદ્દાના યુદ્ધવિરામ પ્રસ્તાવને ઈરાને ફગાવી દીધો છે. ઈરાનનું સ્પષ્ટ કહેવું છે કે તે કોઈની શરતો પર નહીં, પરંતુ પોતાની શરતો પર જ યુદ્ધનો અંત લાવશે. આ સ્થિતિ જોતાં 28 માર્ચની જાહેરાત બાદ પણ જમીની સ્તરે શાંતિ સ્થપાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.