Get The App

ઈરાન-અમેરિકા યુદ્ધમાં વળાંક! ટ્રમ્પનો યુરેનિયમ જપ્ત કરવાનો પ્લાન, 10 હજાર સૈનિક સ્ટેન્ડ-બાય

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
US-Iran War Alert


(IMAGE - IANS)

US-Iran War Alert: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વિશ્વ પર યુદ્ધના વાદળો ઘેરાયા છે. તાજેતરના અહેવાલો મુજબ, જો અમેરિકા ઈરાન પર જમીની હુમલો કરશે તો ઈરાને વળતી જવાબી કાર્યવાહી કરવાની કડક ચેતવણી આપી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના યુરેનિયમ પર કબજો મેળવવા માટે એક જોખમી સૈન્ય અભિયાન પર વિચાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકાની 31મી મરીન એક્સપિડિશનરી યુનિટ મધ્ય પૂર્વમાં પહોંચી ગઈ છે અને અમેરિકન સેના જમીન પર સૈનિકો ઉતારવાની તૈયારીઓ કરી રહી છે.

યુરેનિયમ જપ્ત કરવા ટ્રમ્પનું મોટું પ્લાનિંગ, સેના એલર્ટ પર

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ઈરાન પાસેથી આશરે 1,000 પાઉન્ડ યુરેનિયમ જપ્ત કરવાની યોજના છે. અમેરિકન અધિકારીઓના મતે આ કામ અત્યંત જટિલ અને જોખમી છે. પેન્ટાગોન આ ઓપરેશન માટે વધારાના 10,000 સૈનિકો તહેનાત કરવાની યોજના બનાવી રહ્યું છે. જો આ ઓપરેશનને મંજૂરી મળશે, તો અમેરિકાના વિશેષ દળો ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે પરમાણુ મથકોને સુરક્ષિત કરી રેડિયોએક્ટિવ સામગ્રી બહાર કાઢશે. નિષ્ણાતોનું માનવું છે કે આ કોઈ નાનું ઓપરેશન નહીં હોય અને તે અઠવાડિયા સુધી ચાલી શકે છે.

આ પણ વાંચો: ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકાશે તો રેડિયેશન ભારત પહોંચશે કે નહીં? જાણો કયા દેશોને ખતરો

યુદ્ધ રોકવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ

બીજી તરફ, આ સંઘર્ષને રોકવા માટે રાજદ્વારી પ્રયાસો પણ તેજ બન્યા છે. પાકિસ્તાને સાઉદી અરેબિયા, તૂર્કીયે અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ સાથે બેઠક યોજી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ અટકાવવાનો અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો છે. જોકે, હજુ સુધી અમેરિકા કે ઈરાન આ વાતચીતમાં સામેલ થયા નથી. આ તણાવની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની આશંકાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનો માહોલ છે.

ઈરાન-અમેરિકા યુદ્ધમાં વળાંક! ટ્રમ્પનો યુરેનિયમ જપ્ત કરવાનો પ્લાન, 10 હજાર સૈનિક સ્ટેન્ડ-બાય 2 - image