US-Iran War : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધ કરીને મોટી ભૂલ કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ટ્રમ્પના સલાહકારોએ ચેતવણી આપ્યા બાદ ટ્રમ્પે ઈરાન યુદ્ધને લઈ નિવેદન જાહેર કર્યું છે. સલાહકારોનું કહેવું છે કે, જો યુદ્ધ લાંબુ ચાલશે તો અમેરિકાનો મોટું નુકસાન થશે. પાર્ટી પર વિશ્વાસ રાખનાર મતદારો પણ નારાજ હોવાની સલાહકારોએ આશંકા વ્યક્ત કરી છે.
અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પે ફટકો પડવાની આશંકા
વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ટ્રમ્પના સલાહકારોએ કહ્યું છે કે, ઈરાન સાથે યુદ્ધ કર્યા બાદ અમેરિકાને કોઈપણ આર્થિક કે સૈન્ય લાભ મળતો હોવાનું દેખાઈ રહ્યું નથી. જો યુદ્ધ લંબાશે તો રિપબ્લિક પાર્ટીના કોર મતદારો નારાજ થશે અને મધ્યસત્ર ચૂંટણીમાં મોટું નુકસાન થઈ શકે છે. આ વર્ષના અંતે અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી યોજાવાની છે. અમેરિકામાં રાષ્ટ્રપતિની મુદત 4 વર્ષની હોય છે. આ 4 વર્ષના કાર્યકાળની બરાબર વચ્ચે એટલે કે 2 વર્ષ પૂરા થાય ત્યારે જે ચૂંટણી યોજાય છે, તેને 'મિડટર્મ ઈલેક્શન' કહેવામાં આવે છે.
અમેરિકાના બેકફૂટ જવાના 4 કારણો
1... અમેરિકાએ ઈરાનમાં સત્તા બદલવા માટે યુદ્ધની શરૂઆત કરી હતી. અમેરિકાએ યુદ્ધના બીજા દિવસે ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈની હત્યા કરી દીધી હતી. ઈરાનના ટોપ-40 કમાન્ડર પણ માર્યા ગયા હતા. રાષ્ટ્રપ્રમુખ અને વિદેશ મંત્રીને પણ મારવાનો પ્રયાસ કરાયો હતો. આટલા મોટા પડકારો છતાં ઈરાન અમેરિકા સાથે લડી રહ્યું છે, જે ટ્રમ્પ માટે એક મોટો પડકાર છે.
2... ઍસોસિએટેડ પ્રેસના રિપોર્ટ મુજબ, અમેરિકન રાષ્ટ્રીય ગુપ્ત પરિષદને યુદ્ધનું આંકલન કરીને સરકારને રિપોર્ટ સોંપ્યો છે. તેમાં કહેવાયું છે કે, અમેરિકાએ જે રીતે હુમલા કર્યા છે, તેનાથી સત્તા પલટો ન થઈ શકે. ટોચના નેતાનું મોત થવા છતાં ઈરાનની પ્રજા વિરોધ કરવા રસ્તા પર ઉતરી નથી. ઉલ્લેખનીય છે કે, યુદ્ધ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહેતા હતા કે, ઈરાનની પ્રજા ઈરાની સરકારની નારાજ છે, જેના કારણે ટ્રમ્પ ઈરાનમાં સત્તા પલટો કરવા ઇચ્છતા હતા અને યુદ્ધ શરૂ કર્યું છે, પરંતુ મીડિયા રિપોર્ટમાં ઈરાનની પ્રજા ખામેનેઈના મોતથી ખુશ નહીં પણ દુઃખી હોવાની વિગતો સામે આવી છે.
3... ક્વિનિપિયાક યુનિવર્સિટી (Quinnipiac University)ના સર્વે મુજબ, અમેરિકાના 53 ટકા નાગરિકોએ ઈરાન પર હુમલાનો વિરોધ કર્યો છે. સર્વેમાં સામેલ 44 ટકા નાગરિકોનું માનવું છે કે, અમેરિકા ઈઝરાયલનું વધુ પડતું સમર્થન કરી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ‘અમેરિકાએ ઈઝરાયલના કારણે ઈરાન પર હુમલો કર્યો.’
4... અમેરિકા, ઈઝરાયલ, ઈરાન યુદ્ધનો આજે 11મો દિવસ છે. 28 ફેબ્રુઆરીના રોજ યુદ્ધની શરૂઆત થયા બાદ અમેરિકાનો ખર્ચ સતત વધી રહ્યો છે. ટ્રમ્પને લાગતું હતું કે, તેઓ વહેલી તકે યુદ્ધ સમાપ્ત કરી દેશે, જોકે ઈરાને પણ જડબાતોડ જવાબ આપતા યુદ્ધ લંબાયું છે. વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ, અમેરિકાએ યુદ્ધની શરૂઆતના બે દિવસમાં 5.6 બિલિયન ડૉલર(47,600 કરોડ રૂપિયા)નો દારુગોળાનો ઉપયોગ કર્યો છે. અનાદોલુ એજન્સીના રિપોર્ટ મુજબ, અમેરિકાએ યુદ્ધના 10 દિવસમાં 10 બિલિયન ડૉલર(85,000 કરોડ રૂપિયા)થી વધુનો ખર્ચ કરી દીધો છે.
અમેરિકાનો પ્લાન નિષ્ફળ ગયો : ઈરાનનો પ્રહાર
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સત્તાવાર કહ્યું છે કે, ‘અમેરિકાને ભ્રમ હતો કે, યુદ્ધ શરૂ થતાં જ તેઓ સત્તાપલટો કરી નાખશે, જોકે અમેરિકાનો પ્લાન નિષ્ફળ ગયો છે. તેઓ સંપૂર્ણ ફેલ થઈ ગયા છે. હવે અમેરિકા પ્લાન-બીનો ઉપયોગ કરીને યુદ્ધ જીતવા માંગે છે, જોકે તેઓ તેમાં પણ નિષ્ફળ જશે.’


