Get The App

ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ 1 - image

Pakistan ICBM Missile Threat: અમેરિકાના હાલમાં જ આવેલા એક સુરક્ષા અહેવાલમાં ખુબ જ ચોંકાવનારી ચેતવણી આપવામાં આવી છે. આ અહેવાલ મુજબ પાકિસ્તાન હવે ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન સાથે મળીને એવી આધુનિક મિસાઇલ સિસ્ટમ (ICBM) તૈયાર કરી રહ્યું છે, જે અમેરિકા સુધી હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગેબાર્ડે સેનેટ સમક્ષ આ અહેવાલ અને ખતરાની વિગતો રજૂ કરી હતી. 

અમેરિકા સુધી પહોંચશે પાકિસ્તાની મિસાઇલ!

બુધવારે યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ ઇન્ટેલિજન્સ કમિટી સમક્ષ '2026 વાર્ષિક મૂલ્યાંકન' અહેવાલ રજૂ કરતા તુલસી ગેબાર્ડે જણાવ્યું કે, "રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ઈરાન અને પાકિસ્તાન પરમાણુ તથા પરંપરાગત પેલોડ લઈ જઈ શકે તેવી નવી અને અત્યંત આધુનિક મિસાઇલ સિસ્ટમ પર સંશોધન કરી રહ્યા છે. આ મિસાઇલોની મારક ક્ષમતા એટલી છે કે તે અમેરિકા સુધી પહોંચી શકવા સક્ષમ હશે."

અહેવાલમાં ભારપૂર્વક જણાવાયું છે કે, આ દેશો પોતાના પરમાણુ હથિયારોને વધુ સચોટ બનાવી રહ્યા છે અને એવી ટેકનોલોજીમાં રોકાણ કરી રહ્યા છે જે કોઈપણ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને માત આપી શકે.

ભારત-પાકિસ્તાન સંબંધો અને પરમાણુ યુદ્ધનું જોખમ

અમેરિકી રિપોર્ટમાં દક્ષિણ એશિયાની સ્થિતિ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો હજુ પણ પરમાણુ સંઘર્ષનું જોખમ ધરાવે છે. ખાસ કરીને બંને દેશો જે રીતે ભૂતકાળમાં સામસામે આવી ચૂક્યા છે તે જોતા તણાવ વધવાની પૂરી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં જણાવાયું છે કે, આવી ઘટનાઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જામગરી ચાંપી શકે છે. આતંકવાદી તત્વો હજુ પણ બંને દેશો વચ્ચે સંકટ ઊભું કરવાની ક્ષમતા ધરાવે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થતાથી રાહત

રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તક્ષેપને કારણે તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ તણાવમાં ઘટાડો થયો છે. અમેરિકાનો અંદાજ છે કે, બંનેમાંથી કોઈ પણ દેશ અત્યારે ખુલ્લા યુદ્ધની તરફેણમાં નથી. જોકે, જમીની હકીકત હજુ પણ અસ્થિર છે અને આતંકી સંગઠનો ગમે ત્યારે પરિસ્થિતિ બગાડી શકે છે.