- અમેરિકાને સૌથી વધુ ચિંતા ચતગાંવ વિસ્તારમાં ચીનનાં થાણાની છે : તેને લીધે બંગાળનો ઉપસાગર જોખમી બન્યો છે
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના દિને યોજાનારી ચૂંટણી ઉપર સમગ્ર દુનિયાની નજર રહેલી છે. શેખ હસીનાની સરકાર દૂર થઇ તે પછી યોજાનારી આ ચૂંટણીમાં બાંગ્લાદેશની સર્જક પાર્ટી આવામી લીગને ચૂંટણીમાંથી બહાર રખાયા પછી આ પહેલી ચૂંટણી છે. તેવામાં ધાર્મિક લઘુમતિઓ, વિશેષત: હિન્દુઓ અને તેમની સાથે ખ્રિસ્તીઓ બૌદ્ધો અને હજી પણ ત્યાં રહેતા કેટલાક મારણીઓ અને યહૂદીઓ ઉપર તોળાઈ રહેલો ખતરો તથા કટ્ટરપંથી તાકાતો, ફેલાઈ રહેવાની આશંકા વધી રહી છે. અમેરિકાએ તે પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા દર્શાવી છે.
તાજેતરમાં જ અમેરિકી કોંગ્રેસ (સંસદ)ની સમિતિને આપેલાં બ્રીફીંગમાં વિશેષજ્ઞાોએ ચેતવણી આપી છે કે બાંગ્લાદેશ એક મહત્ત્વના રાજકીય વળાંક ઉપર આવીને ઊભું છે, ત્યાં લોકતંત્ર ધાર્મિક સ્વતંત્રતા સાથે ક્ષેત્રીય સ્થિરતા પણ દાવ ઉપર છે.
તે ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ વૉશિંગ્ટનનાં રેબર્ન હાઉસ ઓફીસ બિલ્ડીંગમાં આયોજિત આ બ્રીફીગમાં શિક્ષાવિદો ચિંતકો પત્રકારો અને સામુદાયિક નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. તેનો હેતુ બાંગ્લાદેશમાં રાજકીય માર્ગનું આકલન કરવાનું હતું. તેમાં ધાર્મિક સ્વતંત્રતા ચૂંટણી વિશ્વસનીયતા અને કટ્ટરપંથી ઇસ્લામીક જુથો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. વક્તાઓએ ચેતવણી આપી હતી કે આ ચૂંટણીઓ માત્ર તેનું આંતરિક ભવિષ્ય જ નક્કી નહીં કરે પરંતુ દક્ષિણ એશિયામાં સ્થિરતા ઉપર પણ અસર કરશે. તેથી વૉશિંગ્ટને વધુ સ્પષ્ટ અને સક્રિય વલણ અપનાવવું જ પડે.
અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટીટયુટના સીનીયર ફેલો માઇકલ રૂબિને કહ્યું હતું કે લોકતંત્રીય સુધારાઓની સત્યતા માટે સૌથી વધુ વિશ્વસનીય માપદંડ ધાર્મિક લઘુમતિઓ સાથે કેવો વ્યવહાર કરે છે તે ઉપર આધારિત છે. તેમાં જમાત-એ-ઇસ્લામી જેવી કટ્ટરપંથી પાર્ટીઓને તો એક તરફ જ ધકેલી દેવી પડે.
બીજી તરફ કેટલાક વિશ્લેષકો જણાવે છે કે અમેરિકાનાં આ માનવતાવાદી વલણ તો પ્રશંસનીય છે જ પરંતુ તે સાથે અમેરિકાની સૌથી મોટી ચિંતા જ ચતગાંવ વિસ્તારમાં બાંગ્લાદેશની યુનુસ સરકારે અને સેનાકીય થાણું સ્થાપવા માટે આપેલી મંજૂરી સંબંધે છે. કારણ કે તેથી સમગ્ર બંગાળનો ઉપસાગર જોખમી બની રહ્યો છે.


