Get The App

અમેરિકાની 50 વર્ષની 'સાયલન્ટ' ગેમ: મિડલ ઈસ્ટના દેશો અંદરો લડ્યા અને પોતે બની ગયું ઓઇલ કિંગ!

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
US oil exporter

US Oil Exporter: વૈશ્વિક રાજનીતિમાં એક જૂની અને જાણીતી કહેવત છે કે, 'જે ઊર્જાને નિયંત્રિત કરે છે, તે જ આખી દુનિયા પર રાજ કરે છે.' છેલ્લા પાંચ દાયકામાં ઓઇલના વર્ચસ્વ માટેની આ લડાઈ ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારી રહી છે. વર્ષ 1970ના દાયકામાં જે ઓઇલની અછતને કારણે અમેરિકા લાચાર બની ગયું હતું, આજે તે જ અમેરિકા દુનિયાનું સૌથી મોટું ઓઇલ નિકાસકાર બની ચૂક્યું છે. બીજી તરફ, ક્યારેક ઓઇલને જ હથિયાર બનાવીને અમેરિકાને ધમકાવનારા ખાડી દેશો આજે પોતે ચોતરેફથી કટોકટીમાં ઘેરાયેલા છે. 

50 વર્ષ પહેલાં જે ઓઇલ અમેરિકાની સૌથી મોટી નબળાઈ હતું, આજે તે જ તેની સૌથી મોટી તાકાત બની ગયું છે. ખાડી દેશોની પરસ્પર લડાઈ, અમેરિકન પ્રતિબંધોને કારણે ઈરાન-ઈરાકનું ઓઇલ બજારમાંથી બહાર ફેંકાઈ જવું અને અમેરિકાની પોતાની 'શેલ ક્રાંતિ'ના કારણે આ આખી બાજી પલટાઈ ગઈ છે.

1973નો એ ઝટકો, જેણે અમેરિકાના અહંકારને હચમચાવી દીધો

ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકાની આજના સમયની ઓઇલ નીતિ ભૂતકાળના એક મોટા ડરનું પરિણામ છે. વાત ઑક્ટોબર 1973ની છે, જ્યારે આરબ દેશો અને ઈઝરાયલ વચ્ચે 'યોમ કિપ્પુર યુદ્ધ' છેડાયું હતું. તે સમયે અમેરિકાએ ખુલ્લેઆમ ઈઝરાયલને મદદ કરી હતી. આનાથી નારાજ થઈને ઓપેક(OPEC) સંગઠનના આરબ સભ્યોએ અમેરિકા અને તેના સહયોગી દેશોને ક્રૂડ ઓઇલ સપ્લાય કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ એક નિર્ણયે અમેરિકન અર્થતંત્રના પાયા હચમચાવી દીધા હતા. અમેરિકામાં ઓઇલના ભાવ રાતોરાત ચાર ગણા વધી ગયા, પેટ્રોલ પંપો પર માઇલો લાંબી કતારો લાગી ગઈ, ફેક્ટરીઓ બંધ થઈ ગઈ અને આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો.

આ પણ વાંચો: અમેરિકાની કોર્ટનો ટ્રમ્પને છુટ્ટો દોર! અંતિમ ચુકાદા સુધી ટેરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી

અમેરિકાની 'સાયલન્ટ' તૈયારી અને ગેમ-ચેન્જર સાબિત થયેલી 'શેલ ક્રાંતિ'

આ ઘટનાએ અમેરિકાને સમજાવી દીધું કે જ્યાં સુધી તે ઓઇલ માટે મિડલ-ઈસ્ટ પર નિર્ભર રહેશે, ત્યાં સુધી તેની મહાસત્તાની ગાદી હંમેશા જોખમમાં રહેશે. આ ડર પછી અમેરિકાએ એક લાંબા ગાળાની ગુપ્ત વ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કર્યું. ભવિષ્યની કટોકટીનો સામનો કરવા માટે અમેરિકાએ જમીનની નીચે ઓઇલનું વિશાળ 'ઇમરજન્સી બેકઅપ' બનાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમેરિકા માટે સૌથી મોટો ગેમ-ચેન્જર વળાંક આવ્યો 'શેલ ક્રાંતિ' (Shale Revolution) દ્વારા. 

અમેરિકાની ધરતી નીચે શેલ ખડકોમાં અઢળક ઓઇલ અને ગેસ છુપાયેલા હતા, પણ તેને બહાર કાઢવું અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ હતું. અમેરિકાએ દાયકાઓ સુધી નવી ટૅક્નોલૉજી પર અબજો ડૉલરનો ખર્ચ કર્યો અને આખરે 2000ના દાયકાના અંત સુધીમાં ખડકો તોડીને ઓઇલ કાઢવાની ટૅક્નોલૉજીમાં મહારત હાસલ કરી લીધી.

ખાડી દેશોની અંદરોઅંદરની જંગ અને અમેરિકન પ્રતિબંધોની ચાલ

આ નવી ટૅક્નોલૉજી આવતાની સાથે જ અમેરિકામાં ઓઇલનું ઉત્પાદન એટલી ઝડપે વધ્યું કે તેણે રશિયા અને સાઉદી અરેબિયા બંનેને પાછળ છોડી દીધા. વર્ષ 2015માં અમેરિકાએ પોતાના 40 વર્ષ જૂના ઓઇલ નિકાસ પરના પ્રતિબંધને હટાવી લીધો અને દુનિયાભરમાં ઓઇલ વેચવાનું શરૂ કર્યું. જ્યારે અમેરિકા આગળ વધી રહ્યું હતું, ત્યારે ખાડી દેશો પોતાની અંદરોઅંદરની લડાઈમાં વ્યસ્ત હતા. 

રાજકીય વિશ્લેષકો માને છે કે મધ્ય પૂર્વની આ અસ્થિરતા પાછળ અમેરિકાની પડદા પાછળની નીતિઓએ મોટી ભૂમિકા ભજવી છે. ઈરાન અને ઈરાક દાયકાઓ સુધી યુદ્ધ અને પ્રતિબંધોની આગમાં સળગતા રહ્યા. 1980ના દાયકામાં બંને વચ્ચે 8 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, ત્યારબાદ 1990 અને 2003માં ઈરાક પરના અમેરિકન હુમલાએ તેના ઓઇલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું. આ ઉપરાંત, ઈરાનના પરમાણુ કાર્યક્રમનું બહાનું ધરીને અમેરિકાએ તેના પર એટલા કડક આર્થિક પ્રતિબંધો લાદી દીધા કે ઈરાન આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું ઓઇલ મુક્તપણે વેચી જ ન શક્યું.

શિયા-સુન્ની વિવાદ અને વૈશ્વિક બજાર પર અમેરિકાનો કબ્જો

ઈરાન અને ઈરાક વચ્ચેની દુશ્મનીને ઓછી કરવા માટે અમેરિકાએ ક્યારેય પ્રમાણિક પ્રયાસો ન કર્યા, જેના કારણે ઓઇલના આ ગઢમાં હંમેશા તણાવ જ રહ્યો. બીજી તરફ, સાઉદી અરેબિયાને સુરક્ષાનો ભરોસો આપીને અમેરિકાએ તેને પોતાનો ગાઢ મિત્ર બનાવી રાખ્યો, જેથી ઓપેક દેશો ક્યારેય ફરીથી 1973ની જેમ એક થઈને અમેરિકા વિરુદ્ધ કડક નિર્ણય ન લઈ શકે. 

આ પણ વાંચો: 3 વર્ષ કોમામાં રહ્યા બાદ થાઈલેન્ડની લોકપ્રિય રાજકુમારીનું નિધન, 5 પુત્રો હોવા છતાં ઉત્તરાધિકારી મુદ્દે અસમંજસ

આ નીતિઓનું પરિણામ એ આવ્યું કે ઈરાન અને ઈરાક જેવા મોટા ઓઇલ ઉત્પાદકો વૈશ્વિક બજારમાંથી લગભગ બહાર થઈ ગયા. વર્તમાન સમયની વાત કરીએ તો, મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના સૈન્ય સંઘર્ષને કારણે વ્યાપારિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ'નો રૂટ પણ પ્રભાવિત થયો છે, જ્યાંથી દુનિયાનું 20% ઓઇલ પસાર થાય છે. જો આ સંકટ 1973માં આવ્યું હોત, તો અમેરિકા બરબાદ થઈ ગયું હોત, પરંતુ આજે આ વૈશ્વિક તણાવનો સૌથી મોટો આર્થિક ફાયદો ઓઇલના રાજા બનેલા અમેરિકાને જ મળી રહ્યો છે.

ભારત માટે વધતી ચિંતા: સપ્લાય ચાલુ રહી પણ ખિસ્સા પર બોજ વધ્યો

ભારતના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, આ વૈશ્વિક ઉથલપાથલની સીધી અસર આપણી આર્થિક ગતિ પર પડી રહી છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય બજારની દરેક હલચલ સીધી દેશના નાગરિકોના ખિસ્સાને અસર કરે છે. 

ભારત અત્યાર સુધી ઓઇલ માટે મુખ્યત્વે ઈરાક, સાઉદી અરેબિયા અને યુએઈ (UAE) જેવા ખાડી દેશો પર નિર્ભર હતું, પરંતુ વર્તમાન સંકટને કારણે ભારતે પોતાની વ્યૂહરચના બદલવી પડી છે. સપ્લાય ચેઇન જાળવી રાખવા માટે ભારતીય રિફાઇનરીઓએ હવે અમેરિકા અને રશિયાથી તેલની આયાત રૅકોર્ડ સ્તરે વધારી દીધી છે. 

જોકે, અમેરિકાથી ઓઇલ મંગાવવામાં જહાજોને ખૂબ લાંબું અંતર કાપવું પડે છે, જેના કારણે જહાજોનું ભાડું અને વીમા ખર્ચ (ઇન્સ્યોરન્સ કોસ્ટ) ઘણો વધી ગયો છે. પરિણામે, ઓઇલ ભારત પહોંચતા સુધીમાં મોંઘું થઈ રહ્યું છે. અમેરિકાની આ ઓઇલ નીતિ ભારતને સપ્લાયની દૃષ્ટિએ તબાહીથી તો બચાવી રહી છે, પરંતુ મધ્ય પૂર્વની આ આગ ભારતના આર્થિક વિકાસની રફતારને ધીમી ચોક્કસ કરી રહી છે.